શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 3 માર્ચ 2016 (10:35 IST)

શિવપુરાણ - શિવ મહિમા

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.   શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.   આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે!   શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.   શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.   શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ 
 
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. 
 
શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
 
* સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
*  ભક્તિ કેવી રીતે મળે ? 
* શું કરવાથી વિવેક વધે ? 
*  જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ? 
*  પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ? 
* પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ? 
 
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.