બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 9 જુલાઈ 2014 (15:07 IST)

આયા..મૌસમ ત્યૌહારો...કા...ચાર મહિના સુધી ધાર્મિક કાર્યોનો ધમધમાટ

અષાઢ સુદ અગિયારસથી ચાતુર્માસનો પ્રારંભ અને બાળકીઓના જયા-પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્‍યાનુસાર દીકરી શ્રદ્ધાથી પાંચ દિવસનું આ વ્રત કરે તો મા જગદંબાની કૃપાથી તેને સારા વર અને ઘર પ્રાપ્ત થાય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્‍ણુની આરાધનાનો વિશેષ મહિમા રહેલો છે. ગૌરી વ્રત પાંચ દિવસનું હોય છે પૂનમના દિવસે વ્રત પૂર્ણ થયા બાદ બાળકીઓને જાગરણ કરવાનું હોય છે. વ્રતના દિવસો દરમિયાન સવારે શંકર ભગવાન અને ગૌરી માતાનું પૂજન કરવાનું હોય છે. વાંસની ટોપલીમાં જવારા વાવવામાં આવે છે. તેનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે.

   પાંચ દિવસ ગૌરી માતાનું પૂજન કરીને જ ફળાહાર કરવાનું હોય છે. વ્રત દરમિયાન મીઠું ખાઇ શકાતું નથી. કેટલીક બાળકીઓ એક ટાઇમ જમીને પણ આ વ્રત કરે છે. પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પાંચ બાળકીઓને ઘરે બોલાવી વ્રતના અંતિમ દિવસે જમાડવાની હોય છે.

   બાળકીઓને જમાડીને તેમને સ્ત્રીઓનો શણગાર ભેટમાં અપાય છે. શિવ પુરાણમાં જણાવ્‍યાનુસાર, પાર્વતીજીએ પ હજાર વર્ષ સુધી આ વ્રત કર્યુ છે. તે સમયે પાર્વતીજીએ શિવજીનું પૂજન પણ કર્યુ હતું. આથી આ દિવસો દરમિયાન ઓમ નમઃશિવાય મંત્રના જાપ પણ કરી શકાય છે.

   ચાતુર્માસના ચાર મહિના ભગવાન વિષ્‍ણુની ઉપાસના કરાય છે. ચાર મહિના સુધી એક ટાણું જમવાની વાત શાસ્ત્રોમાં નોંધવામાં આવી છે. અષાઢ મહિનાથી વર્ષાઋતુનો પ્રારંભ થાય છે. વર્ષાઋતુમાં સંતો ક્‍યાંય વિચરણ ન કરી શકે. એક જ જગ્‍યાએ બેસીને સંતો સત્‍સંગનો લાભ આપે અને સંસ્‍કૃતિનો પ્રચાર કરે છે. ધાર્મિક મહત્ત્વની સાતએ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ચોમાસાના સમયે એક ટાઇમ ભોજન લેવાથી સ્‍વાસ્‍થ્‍ય સારું રહે છે. વૈદિક ધર્મ ઉપરાંત, સ્‍વામિનારાયણ સંપ્રદાય અને જૈન ધર્મમાં પણ ચાતુર્માસનો વિશેષ મહિમા છે. આ ચાર મહિનામાં વિવિધ ધાર્મિક કાર્યો તથા દાન પુણ્‍યનો પણ મહિમા રહેલો છે. વિષ્‍ણુ પારાયણના વાંચનની સાથે શ્રીમદ્‌ ભાગવત અને બીજા પુરાણોનું પણ વાંચન કરાય છે. કારતક સુદ અગિયારસે ઉપવાસ પૂર્ણ થાય છે. 

   રમજાનની સાથે ગૌરીવ્રતના તહેવારો શરૂ થઇ ગયા હોવાથી ડ્રાયફ્રૂટ-ફળોના ભાવ આસમાને પહોંચ્‍યા છે. ડ્રાયફ્રૂટના ભાવમાં તો દર વર્ષે ઉત્તરોત્તર ભાવવધારો થતો હોય છે પણ વરસાદ ખેંચાયો હોવાથી ફળોની ખેતીને પણ અસરો પહોંચી છે. સામાન્‍ય રીતે આ સમયે કેળા એકદમ સસ્‍તાં મળતાં હોય છે. આ વખતે કેળાના ભાવ પણ વધી ગયા છે.