ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

શરદ પૂનમનો છે મહિમા અપરંપાર, દૂધ પૌઆના ફાયદા

"આસો માસ-શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઊગ્યો સખી મારા ચોકમાં" શરદ પૂનમની રાતડી હો હો.. ચાંદની ઉગી છે ભલી ભાતની.. વર્ષાઋતુ વિદાય લે તેની સાથે જ સોહામણી શરદ ઋતુની શરૃઆત થાય છે. શમી પૂજન બાદ આવતી શરદ પૂનમનું આરોગ્ય અને આયુર્વેદની દૃષ્ટિએ અનેરું મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ શરદ પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીથી વધુ નજીક હોવાના કારણે ચંદ્ર તે દિવસે સૌથી મોટો દેખાય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું ઔષધિઓનું પોષણ કરું છું. આયુર્વેદ અનુસાર શરદ ઋતુમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખનાર આખું વર્ષ નીરોગી બની રહે છે. શરદ ઋતુમાં અમ્લરસ લિવરમાં પેદા થાય છે જેથી ઉધરસ-બેચેની, ચક્કર આવે છે. આથી જ દૂધ-પૌંઆ જેવા પિત્તનાશક આહારને આરોગ્ય અને ધર્મનો અનેરો મહિમા ગણાવાયો છે.

શરદ પૂનમ ઉપકારક અને ઉપયોગી ચંદ્રમાં સુંદરતા અને શીતળતાનો સમન્વય હોય છે માટે તે ઉપયોગી અને ઉપકારક છે, કારણ કે ખેતરમાં પડી રહેલા અન્ન અને અનેક પ્રકારની ઔષધિઓના ગુણને પુષ્ટ કરવામાં ચંદ્ર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

દૂધ પૌઆના ફાયદા :

ભાદરવો મહિનો પિત્તકારક માસ ગણવામાં આવે છે. તેની અસર આસો માસ સુધી રહે છે. શરદ ઋતુના સંધિકાળમાં શરદ પૂનમ આવતી હોવાને કારણે દરેક જીવોમાં કફ-વાત અને પિત્તનો પ્રકોપ સર્જાય છે. હેમંત ઋતુના આગમન અને શરદ ઋતુની વિદાયવાળી મિશ્ર ઋતુમાં પિત્તજન્ય રોગો વધવાથી દૂધ-પૌંઆ અને જલેબી ખાવાનું સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનું આયુર્વેદ જણાવે છે. પરંપરાગત દૂધ-પૌંઆનાં સેવનના કારણે જીવનદાયિની ઊર્જા પ્રાપ્ત થાય છે. આમ ચંદ્રમાંથી નીકળનારાં શીતળ કિરણો તંદુરસ્તી માટે ઘણાં ફાયદાકારક મનાય છે.

શરદ ઋતુની આ પૂનમ પૂર્ણચંદ્ર અશ્વિની જે નક્ષત્ર ક્રમમાં પહેલો છે. જેનો સ્વામી અશ્વિનીકુમાર છે. ચ્યવન ઋષિએ આરોગ્યના પાઠ અને ઔષધિનું જ્ઞાન નક્ષત્રના સ્વામી અશ્વિનીકુમારને આપ્યું હતું. અશ્વિની આરોગ્યના દાતા છે. માટે શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. તેથી તે રાતનું ભોજન અમૃતયુકત અને બીમારીઓ દૂર કરનારું બની રહે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ મહાશક્તિ ત્રિપુરા સુંદરીના વિશેષ મંત્રનું સ્મરણ શરદ પૂનમની રાત્રે કરવાથી લક્ષ્મી ભક્તને તન અને મન તથા વિચારોની દરિદ્રતા દૂર કરી વરદાન આપે છે અને માણસના દરેક વિકાર, દોષ અને દરિદ્રતાનો અંત કરી સુખ અને સમૃદ્ધિ તથા વૈભવ સંપન્ન કરે છે.

દૂધ પૌઆ બનાવવાની રીત

દૂધને ઉકાળી લો. તેમા ખાંડ નાખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. દૂધને ઠંડુ થવા દો. હવે પૌઆને ધોઈ લો. ધોયેલા પૌઆને ઠંડા દૂધમાં નાખો. હવે દૂધ-પૌઆને 4-5 કલાક માટે ફ્રીજમાં મુકો. હવે તેમાં ઈલાયચી પાવડર નાખી હલાવી લો. દૂધ પૌઆ તૈયાર છે. આ દૂધ પૌઆને ચાંદની રાતમાં બેસીને તેનો આનંદ ઉઠાવો.