શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: શનિવાર, 28 જૂન 2014 (15:23 IST)

અષાઢ મહિનો ભગવાન કૃષ્ણ અને માતા પાર્વતીના મહિમાને લઈને આવે છે

અષાઢી વાયરે ઝૂમીને મહેંકતું મારું મન
મોર બનીને ભીની માટીમાં ટહુકતું મારું મન
ભીની હથેળીએ વરસાદી બુંદને ઝીલતું મારું મન
ભીતરને ભીતર મને ભીંજવી જતું અષાઢી જળ




અષાઢ મહિનાને કવિ કાલિદાસે ગાતા કહ્યું છે કે અષાઢ મહિને નભ વાદળોની હારમાળા લઈને આવે છે અને તરસી ધરતી પર પોતાનું જળ વરસાવી તેને તૃપ્ત કરે છે, ત્યારે ધરતી પર રહેલા મનુષ્યો અને મલ્લિકાનાં છોડ તે અષાઢી જલબિંદુઓને પોતાના હસ્તરૂપી ઘટમાં ઝીલી લે છે. કવિ કાલિદાસનાં અષાઢી વાદળોની જેમ આપણો અષાઢ મહિનો ભગવાન કૃષ્ણ અને માતા પાર્વતીના મહિમાને લઈને આવે છે.

રથયાત્રા:- અષાઢ મહિનાની શરૂઆત રથયાત્રાથી થાય છે.

કલિયુગમાં ભારતમાં ચાર દિશામાં ચાર ધામ અને પાવન તીર્થધામ તરીકે ઓળખાતા ધામોમાં જગન્નાથપૂરી પણ એક છે. નવ દિવસ સુધી ચાલનારા જગન્નાથપુરીની રથયાત્રામાં દર વર્ષે ત્રણ વિશાળ રથોમાં ભગવાન જગન્નાથજી, દાઉ બલરામજી અને નાની બહેન સુભદ્રાજી રથમાં બિરાજીને નગરયાત્રાએ નીકળે છે.  જેમાં દેવરાજ ઇન્દ્રએ ભગવાન જગન્નાથજીને આપેલ રથનું નામ નંદીઘોષ, દાઉજીનાં રથનું નામ તાલધ્વજ અને સુભદ્રાજીનાં રથનું નામ પદ્મધ્વજ છે. આ ઉત્સવ અંગે વિવિધ કથાઓ પ્રચલિત છે.

પ્રથમ કથા અનુસાર મહારાજ કંસનાં આમંત્રણથી કૃષ્ણ અને દાઉજી રથમાં બેસીને અક્રૂરજી સાથે મથુરા પધાર્યા હતાં તેથી તે દિવસે ભગવાન કૃષ્ણનું જગત કલ્યાણ અર્થે કાર્યની શરૂઆત હતી તેથી તે પ્રસંગને યાદ કરતાં રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

બીજી કથા અનુસાર દ્વારિકામાં એક દિવસ દાઉજી નાની બહેન સુભદ્રાને મથુરાની કથા સુણાવી રહ્યાં હતાં ત્યારે તેમણે કાકા અક્રૂરજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરી હતી તે પ્રસંગ કહ્યો. દાઉજીની વાત સાંભળીને સુભદ્રાજીએ પણ પોતાના બંને મોટાભાઈઑ સાથે એજ રીતે રથમાં બેસી નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નાની બહેનની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે કૃષ્ણ, દાઉજીએ રથયાત્રા કાઢી. જ્યારે ગર્ગપુરાણ અનુસાર એકવાર દ્વારિકામાં સર્વે રાણીઑ રાધાજી વિષે માતા રોહિણીને પૂછવા લાગી ત્યારે માતા રોહિણીએ સુભદ્રાજીને કહ્યું કે પુત્રી આ કથા આપને માટે નથી માટે આપ દ્વાર ઉપર ઊભા રહી આપના બંને ભ્રાતૃઑ ખંડમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખો.   સુભદ્રાજી માતાની આજ્ઞાને ઉથાપી ન શક્યા તેથી બંધ દ્વારની પાછળ ઊભા રહી ચોકી કરવા લાગ્યા તે જ સમયે દાઉજી અને કૃષ્ણ પધાર્યા ત્યારે સુભદ્રાજીએ માતાની આજ્ઞા કહી સંભળાવી,  ત્યારે કુતુહલતાને કારણે દાઉજી અને કૃષ્ણ દ્વાર પર કાન મૂકી માતાની વાત સાંભળવા લાગ્યા.   પોતાના બંને ભાઈઓએ આ રીતે કરતાં જોઈ સુભદ્રાજીએ પણ બંને દાદાભાઈઓનું અનુકરણ કરવા લાગ્યા. તે સમયે દ્વારની અંદરથી થતાં રાધા નામનાં ઉચ્ચારણ સાંભળીને દાઉજી, ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનાં હાથ, અને પગ સંકોચાઈ ગયાં અને આંખો ભક્તિની ઉત્તેજનાને કારણે વિશાળ થઈ ગઈ.   તે જ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરીને કહ્યું કે આપ આપના આ સ્વરૂપનાં દર્શન ભક્તજનોને કરાવો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની આ વિનંતિ માન્ય રાખી.

જ્યારે જગન્નાથપૂરી (ઓરિસ્સા)ની કથા અનુસાર ત્યાંનાં રાજાને એક વિશાળ લાકડું તેનાં ગામની નદીમાંથી મળેલું તે રાજા વિચારવા લાગ્યો કે આ વિશાળ લાકડાનું શું કરવું ?  તે રાત્રીએ રાજાને ભગવાન કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કહ્યું કે આ લાકડામાંથી મારી મૂર્તિ બનાવનાર એક શિલ્પકાર સામે ચાલીને તારી પાસે આવતીકાલે આવશે તેને તું આ લાકડું સોંપી દેજે.  બીજે દિવસે સ્વપ્ન અનુસાર એક શિલ્પકારએ આવીને રાજા પાસે તે લાકડાની માંગણી કરી કહ્યું કે મહારાજ હું ૨૧ દિવસ એકાંતમાં રહી આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ જ્યાં સુધી આ લાકડામાંથી મુર્તિ ન બનાવી લઉં ત્યાં સુધી આપે મને એકાંતમાંથી બહાર આવવા ન કહેવું. રાજાએ તેની વાત માન્ય રાખી પણ સોળમાં દિવસે જ રાજાએ કુતૂહલતાવશ તે શિલ્પકારનો દરવાજો ખોલી કાઢ્યો,  ત્યારે ત્યાં ધડ અને મસ્તક સહિતનાં પણ હાથ, પગ વગરનાં દાઉજી, શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીની મૂર્તિ પડેલી અને શિલ્પકાર અદ્રશ્ય થઇ ગયેલો. તે જોઈ રાજાને પસ્તાવો થયો પણ વચન તૂટી ગયું હતું તેથી તે રડવા લાગ્યો;  ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું તું અમારી આ જ સ્વરૂપમાં પૂજા કર.  રાજાએ પોતાના પ્રભુની તે વાત માન્ય રાખી અને તેણે રથયાત્રા કાઢી પોતાના પ્રભુને પધરાવ્યાં, પછી ભક્તિ આનંદને વશ થઈ અશ્વ જોડવાને બદલે પોતે જ અશ્વ બનીને રથ ખેંચવા લાગ્યો;   ત્યારથી તે આજ સુધી નાતજાતનાં ભેદભાવ વગર દરેક ભક્ત સ્વહસ્તે ભગવાન જગન્નાથજીનો રથને ખેંચે છે.  

સારસ્વત-દ્વાપર યુગમાં આ દિવસે પ્રથમ વર્ષા થયા બાદ શ્રી ઠાકુરજીએ (કૃષ્ણ) રાધારાણી સાથે રથમાં બેસીને વ્રજ-વૃંદાવનની શોભા નિહાળી હતી. ત્યાર પછી પ્રભુ શ્રી કૃષ્ણ વ્રજભકતોના ઘરે ઘરે પધાર્યા અને તેમના સર્વે મનોરથો પૂર્ણ કર્યા.

પુષ્ટિમાર્ગમાં આ દિવસે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ જ્યારે શાસ્ત્રાર્થ વિજયી થઇ જગન્નાથપુરી પધાર્યા હતાં, ત્યારે ભગવાન જગન્નાથજીએ તેમને ૩ આજ્ઞા કરી હતી જેનું પાલન આજે પણ થાય છે. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યજી અડેલ પધાર્યા અને ત્યાં જ સ્થિર થયાં પછી બીજે વર્ષે  નવનિતપ્રિયાજીને રથમાં પધરાવીને વાજતેગાજતે ગામમાં ફેરવીને ઉત્સવ મનાવ્યો હતો. આથી આ દિવસે શ્રીજીબાવા સિવાયના અન્ય સ્વરૂપો રથમાં બિરાજે છે. રથયાત્રાને દિવસે  શ્રીમહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કાશીના હનુમાન ઘાટ ઉપરથી વ્યોમાસુરલીલા કરી હતી તેથી શ્રીજીબાવા આ દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરે છે.