શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By ભીકા શર્મા|
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2013 (13:36 IST)

આઇન્સ્ટાઇનની માન્યતા માત્ર કલ્પના, સૂર્ય ઊર્જાની શક્તિથી અન્ન વગર જીવી શકાશે

P.R
કેસ નં.૧ તાજેતરમાં જ વિજ્ઞાનીઓ સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધુ વેગ જેનો માને છે, તે પ્રકાશને એક મિનિટ જેટલા કાળ માટે સ્થિર કરવાની અનોખી સિદ્ધિ જર્મનીની ડાર્મસ્ટાડ્ટ યુનિવર્સિટી ખાતે જ્યોર્જ હેઇન્સ વિજ્ઞાની અને તેનાં સાથીઓએ મેળવી છે.

કેસ નં.૨ ગાંધીનગરનાં પ્લાઝમા રિસર્ચમાં સૌપ્રથમવાર સૂર્ય શક્તિનું નિર્માણ કરીને ન્યૂક્લિઅર ફ્યૂઝન રિએક્ટરનાં ક્ષેત્રમાં ભારતે અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી છે. આ બંને કેસ સ્ટડી બાદ અમદાવાદમાં મિરામ્બિકા જૈન સંઘ ખાતે ચાતુર્માસિક સ્થિરતા ફરમાવી રહેલા જૈન સાધુ, આચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે આજથી ૨૮ વર્ષ પહેલા તા.૧૫ ડિસેમ્બર, ૧૯૮૫નાં રોજ મેં લખેલા પુસ્તક જૈન દર્શનઃ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તથા જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યોમાં લખ્યું હતું તે ધીરે-ધીરે સાબિત થઇ રહ્યું છે અને હજુ પણ વિજ્ઞાનીઓએ ઘણું કરવાનું બાકી છે. જેમકે, ભવિષ્યમાં વિજ્ઞાનીઓએ સ્વીકારવું પડશે કે

આઇન્સ્ટાઇનની માન્યતા માત્ર કલ્પના છે. કેમકે જૈન દર્શનમાં બતાવેલ વાત એક ભૌતિક વાસ્તવિકતા છે. અહીં કલ્પનાને કોઇ સ્થાન નથી.


તેમણે કહ્યું કે વિજ્ઞાનીઓએ આઇન્સ્ટાઇનની માન્યતા પ્રમાણે પ્રકાશને અચળ વેગવાળો માન્યો છે અને આઇન્સ્ટાઇનની માન્યતા પ્રમાણે પ્રકાશનાં વેગમાં કોઇપણ કાળે વધ-ઘટ થઇ શકતી નથી. અગાઉ ભારતીય વિજ્ઞાની ડો.ઇ.સી.જી.સુદર્શને પણ પ્રકાશ કરતાં વધુ ઝડપવાળા ભૌતિક કણો હોવાની શક્યતા જણાવી હતી. તેના આધારે મેં આઇન્સ્ટાઇનની બંને પૂર્વધારણા ખોટી હોવાની શક્યતાઓનો નિર્દેશ કર્યો હતો. જૈન દર્શન તો કહે છે કે પ્રકાશનો વેગ, ઝડપ અચળ નથી કારણ કે પ્રકાશ શુદ્ધ ભૌતિક પરમાણુઓથી બનેલ છે અને ભગવતી સૂત્રમાં જણાવ્યા અનુસાર પુદ્ગલ-પરમાણુનો મહત્તમ વેગ ફકત એક જ સમયમાં અસંખ્યાતા યોજન (અબજો અબજ કિલોમીટર) પ્રમાણે છે. સમય એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. એક સેકન્ડનાં છ હજારમા ભાગમાં પણ અસંખ્યાતા સમય પસાર થઇ જાય છે. વળી, તેમાં બતાવ્યા પ્રમાણે પરમાણુ સ્થિર પણ થઇ શકે છે. તેથી પ્રકાશનાં પરમાણુ સમૂહને સ્થિર કરી શકાય છે તે વાત તેઓએ ૨૮ વર્ષ પૂર્વે બતાવેલ છે.

તેમણે કહ્યું કે હજુ એક સમય એવો પણ આવશે કે વ્યક્તિ માત્ર સૂર્ય ઊર્જાથી જીવી શકશે. તેને આહારમાં પણ કંઇ લેવું નહીં પડે. વર્તમાન સમયમાં બે ગુજરાતીઓ જ તેનાં ઉદાહરણ છે. જેમાં હિરા રતન માણેક અને માતાજી - આ બે વ્યક્તિઓ, તેનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પરંતુ ધર્મ-અધ્યાત્મ અને વિજ્ઞાનનાં સમન્વયથી આ શક્ય બનશે. હજુ એવું પણ બનશે કે માત્ર સૂર્ય ઊર્જા-યોગ-પ્રાણાયામથી વ્યક્તિ અંતરિક્ષમાં કંઇપણ ભોજન કે દવા લીધા વગર જઇ શકશે. ઉલ્લેખનીય છે કે આ જૈન સાધુ ભૌતિકશાસ્ત્રનાં જાણકાર અને આભામંડળ અંગે વૈજ્ઞાનિક સંશોધન કર્યુ છે. રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્ટિફિક સિક્રેટ ફ્રોમ ઇન્ડિયન ઓરિએન્ટલ સ્ક્રીપ્ચર્સનાં પ્રેરક એવા આ જૈનાચાર્યે જણાવ્યું કે આ ઇન્સ્ટિટયૂટમાં પીઆરએલનાં પૂર્વ વિજ્ઞાની અને ઇસરોનાં માર્સ મિશન સાથે સંકળાયેલા ડો.રાજમલ જૈન, ડો.નરેન્દ્ર ભંડારી પણ જોડાયેલા છે. તેમમે કહ્યું કે ભવિષ્યમાં અધ્યાત્મ અને વિજ્ઞાાનમાં કોઇ ભેદ રહેશે નહીં અને અત્યારે આ અભેદ દૂર થવાનાં મંડાણ થઇ ગયા છે. જેને કારણે આપણાં ગ્રંથો છે, તેનો પૂર્ણ અભ્યાસ કરવો પડશે અને વિજ્ઞાનની જેમ જ સંશોધન કરવા જોઇએ.