ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 10 ઑગસ્ટ 2013 (11:54 IST)

હિન્દુઓના મીંઢળ તો ઓલીયાપીરની દરગાહે જ ખૂલે!, દરગાહ પર પ્રાચિન પરંપરા મુજબ ચોખાનો નૈવેધ!

ઠાકોર પરિવાર હજારો વર્ષ પુરાણી આ દરગાહની તેમના પૂર્વજો પૂજા-અર્ચના કરતા આવ્યા છે

P.R
‘મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના...!’’ ઉક્તિને ઉજાગર કરતું સ્થાનક દાંતાના બામણીયા ગામમાં આવેલું છે. જ્યાં આવેલી ઓલીયાપીરની દરગાહની સારસંભાળ એક હિન્દુ દ્વારા કરાઇ રહી છે. આ દરગાહ થકી વિસ્તારમાં કોમી એખલાસની ભાવના પ્રબળ બની છે. નોંધનીય બાબત એ છે કે ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર રહેતો નથી.

અંબાજીથી એકત્રીસ કિલોમીટર દૂર આવેલા બામણીયા ગામમાં ઠાકોર જ્ઞાતિના ત્રણસો લોકો તેમજ અન્ય હિન્દુ જ્ઞાતિઓની પ્રજા વસવાટ કરે છે. પરંતુ અહીં એક પણ મુસ્લિમનું ઘર કે વસતી નથી. છતાં પણ ગામમાં પુરાણા સમયથી ઓલીયાપીરનું પૂજન (મુજાવર) અર્ચન ઠાકોર (હિન્દુ) જ્ઞાતિના વ્યક્તિ દ્વારા અને તે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ પેઢી દર પેઢીથી કરવામાં આવે છે. આ ઓલીયા પીરના દર્શનાર્થે ગુજરાત જ નહિ પણ પર પ્રાંતોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દર્શન અને બાધા આખડી પૂર્ણ કરવા આવે છે.

કોમી એકતાની અખંડ જયોત સમા સ્થાનક અંગે સેવા આપતા હજુરજી બાબુજી ઠાકોરએ જણાવ્યું હતું કે, ‘હજારો વર્ષ પુરાણા આ સ્થાનક (દરગાહ) ની તેમના પૂર્વજો પૂજા-અર્ચના કરતા આવ્યા છે. અમારા વડવાઓના જણાવ્યા મુજબ ગામમાં રોગચાળો ફાટી નિકળ્યો હતો. અને એક બાળકની અંતિમક્રીયા થાય ત્યાં બીજા દિવસે બીજું બાળક મરણ પથારીમાં જતું હતું. ત્યારે ગ્રામજનો એકત્રિત થઇ હજારો વર્ષ પુરાણા વડલાની શીતળ છાયા નીચે બિરાજેલા ઓલીયાપીરને વિનંતી કરતાં જ ગામમાંથી રોગચાળાનો પડછાયો પણ રહ્યો નહતો.

P.R
ગામમાં આજે પણ હિન્દુઓના યુવાનોનું લગ્ન થાય ત્યારે હાથનું મીંઢળ તો ઓલીયાપીરના સ્થાનકે જ ખૂલે છે. જો કે, દેવદરબારની જેમ ગામમાં કોઇ ઓલીયાપીરની જુઢ્ઢી સોગંદ પણ ખાઇ શકતું નથી. દર ગુરુવારે અને શુક્રવારે અહિં મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરના અંતરેથી દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના ગુરુવારે સવા દશ શેર ચોખાનો અને ચૈત્ર માસમાં સવા મણ ચોખાનો નૈવેધ પ્રાચિન પરંપરા મુજબ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે.

જ્યારે આસો સુદ અગિયારસના રોજ પીરની ધજાની શોભાયાત્રા ગામમાં ઘેર-ઘેર ફરી અને દરગાહ ઉપર પ્રસ્થાપિત કરવામાં આવે છે. જો કે તાજજુબની વાત તો એ છે કે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અહિં દર્શન કરવા આવે છે પરંતુ આ પાવન જગ્યા ઉપર કોઇ મુસ્લિમ રાત્રી રોકાઇ શકતો જ નથી. ગ્રામજનો દ્વારા વિશાળ પ્રાંગણમાં હવે શિવશક્તિનું મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાં હિન્દુ અને મુસ્લિમ દેવતાની સાથે પૂજા થાય છે.