ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By જય નારાયણ વ્યાસ|
Last Modified: શનિવાર, 8 ફેબ્રુઆરી 2020 (13:34 IST)

શું મોદી સરકાર અર્થતંત્રને મંદીમાંથી તેજી તરફ લઈ જઈ રહી છે?

નિર્મલા સીતારમણનું બજેટ અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિમાં આશાવાદ ઊભો કરવામાં ઝાઝું સફળ ન રહ્યું તેવો પ્રાથમિક અભિપ્રાય છે. ઘણી બધી આશાઓ કેન્દ્રીય નાણામંત્રી પાસે રાખી પણ એમાં સરવાળે લોકો નિરાશ થયા એવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં કંઈક રાહત આપી આનંદ પમાડે એવા સમાચાર ઘણા વખત પછી આવ્યા છે.
 
ભારતની ઉત્પાદન વ્યવસ્થા ફરી વેગ પકડી રહી છે અને છેલ્લા આઠ મહિનામાં પહેલી વખત જાન્યુઆરી-2020માં અર્થવ્યવસ્થાએ પડખું ફેરવ્યું છે અને મંદીને ખંચેરી નાખીને ફરી પાછો વિકાસનો માર્ગ પકડ્યો છે તેવું દેખાય છે. લાગે છે કે ફરી સારા દિવસો આવવાના છે. અર્થવ્યવસ્થાનું ગાડું પાટે ચઢી રહ્યું છે. બજારમાં ખરીદી નીકળી રહી છે અને એને પગલે-પગલે વેચાણ વધતાં કારખાનામાં કામદારોની નવી ભરતીઓ પાછી થવા માંડી છે.
 
 
આપણે જેને PMI તરીકે ઓળખીએ છીએ તે નિક્કી મૅન્યુફૅક્ચરિંગ પરચેસ મૅનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં 52.7 હતો તે વધીને જાન્યુઆરી 2010માં 55.3 થયો છે.
 
ફેબ્રુઆરી 2012 પછીનો આ ઊંચામાં ઊંચો આંક છે. PMI જ્યારે 50થી ઉપર જાય ત્યારે એ અર્થવ્યવસ્થા વિકાસ તરફ જઈ રહી છે તેવું લક્ષણ છે. 30 મહિનાના લાંબા ગાળા બાદ આ જોવા મળ્યું છે.
 
PMIનાં પરિણામો જોઈએ તો માગ આધારિત વિકાસની દિશામાં જતાં વેચાણો, ઉત્પાદન માટે જરૂરી માલ સામાનની ખરીદી (Input Buying), ઉત્પાદન તેમજ રોજગારી વધી રહ્યાં છે.
 
કારખાનાં પોતાની ઇન્વેન્ટરીને ફરીથી ખરીદી કરીને સદ્ધર બનાવી રહ્યાં છે તેમજ નવો ધંધો મળશે એ આશામાં ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યાં છે.
 
HIS Marketના મુખ્ય અર્થશાસ્ત્રી ડી'લીયાના જણાવ્યા મુજબ માગમાં સારો એવો વધારો થયો છે, જેના પરિણામરૂપ જાન્યુઆરી 2020ના મહિનામાં કાચા માલની ખરીદીથી માંડી નિકાસ સુધી દરેક મુદ્દે સળવળાટ દેખાવા માંડ્યો છે. છેલ્લાં સાત વર્ષમાં પહેલી વાર ઉત્પાદને હકારાત્મક દિશા પકડી છે, જેનું મુખ્ય કારણ પુનર્જીવિત થઈ રહેલી માગનો અંડર-કરંટ છે એમ માની શકાય. નવેમ્બર 2018માં નિકાસ માટેના ઑર્ડરમાં પણ સારો એવો વધારો નોંધાયો છે.
 
સરેરાશ ફુગાવાનો દર જે ડિસેમ્બર 2018માં 7.35 ટકા જેટલો ઊંચો પહોંચી ગયો હતો એ હવે ધીમે-ધીમે નીચે આવી રહ્યો છે. જોકે હજુ એ ભારતીય રિઝર્વ બૅન્કના વચગાળાના ચાર ટકાના લક્ષ્યાંકથી ઉપર છે.
આ બધાં કારણોને લઈને બજારની પાયાની વાત એટલે કે બિઝનેસ કૉન્ફિડન્સમાં ધરખમ વધારો થયો છે.
 
2020-21 માટેનું નિર્મલા સીતારમણનું બજેટ ભલે અપેક્ષાઓ પૂરી કરવામાં ઊણું ઊતર્યું હોય પણ ભારત સરકારને હાલ પૂરતી રાહત આપે એવા સમાચાર એ છે કે અર્થવ્યવસ્થાની મંદી બોટમ આઉટ થઈ ગઈ છે.
 
ટૂંકમાં કહીએ તો મંદીએ તળિયું પકડી લીધું છે અને અહીંથી અર્થવ્યવસ્થા માત્રને માત્ર તેજીની દિશામાં જ જઈ શકે.
 
આમ છેલ્લાં સાત ત્રિમાસિક ગાળામાં નીચેને નીચે પડતો જતો જીડીપી વૃદ્ધિદર 2019-20ના નાણાકીય વર્ષમાં મંદીની ચાલને રોકીને તેજી તરફનું વલણ પકડે અને એ રીતે છેલ્લા ક્વાર્ટરના પરિણામો જીડીપીના વૃદ્ધિ દરને પાંચ ટકાની આજુબાજુ રહેવામાં મદદ કરે તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગે છે.
 
સાથોસાથ શિયાળાની આ વખતની ખેતીની સિઝન પણ ધાર્યા કરતાં વધુ સારી હશે એવાં બધાં જ એંધાણ અત્યારે દેખાય છે. ઘઉં, રાયડો, જીરું, ચણા, ઇસબગુલ જેવા શિયાળું પાકોનો ઉતાર સારાથી સારા અનુમાનોને જૂઠાં પાડે ને આગળ નીકળે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઔદ્યોગિક ઉત્પાદન વધે, કૃષિ ઉત્પાદન વધે એની સાથોસાથ જ સેવાકીય ક્ષેત્રે ફરી પાછી વધારે સારી પ્રગતિ જોવા મળે તેવાં લક્ષણો દેખાવા માંડ્યાં છે. આમ બજેટને બાજુ પર મૂકીને ભારતીય અર્થવ્યવસ્થા સુધારાની ચાલ પકડે તેવાં સારાં એંધાણ સાથે 2020નું વર્ષ શરૂ થાય છે.