ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 7 ઑક્ટોબર 2014 (16:54 IST)

બોલીવુડમાં ગુજરાતી લોક ગાયકોની બોલબાલા

છેલ્લા દસ વર્ષમાં ગુજરાતી લોક ગાયકોની હિન્દી ફિલ્મની દુનિયામાં માગ વધી રહી છે. આ ચલણની શરુઆત તો સ્વર્ગસ્થ બાબુભાઇ રાણપુરાએ કેતન મહેતાની ફિલ્મ 'મિર્ચ મસાલા'થી કરી હતી. અને આ પ્રવાહમાં હવે નવું નામ જોડાયું છે, શહેરના યુવાન આદિત્ય ગઢવીનું, જેણે તાજેતરમાં જ આવેલી 'લેકર હમ દીવાના દીલ'માં એ આર રહેમાનના સંગીતમાં પોતાના સૂર આપ્યો. બાબુ ભાઇ રાણપુરા બાદ સંજય લીલા ભણસાલીની 'હમ દીલ દે ચુકે સનમ' માં ફરી ગુજરાતી ગાયકોના અવાજથી ફરી આ ટ્રેન્ડ રિવાઇવ થયો, તો રામલીલા ફિલ્મના મ્યુઝિક દ્વારા ઝવેરચંદ મેઘાણીનું 'મોર બની થનગાટ કરે' ગીત બૉલિવુડ સુધી પહોંચ્યું.

ઓસમાન મીર

એક તબલાં વાદક તરીકે પોતાની કારકીર્દીની શરુઆત કરનાર ઓસમાન મીરે છેલ્લા દસ વર્ષથી ગઝલ અને લોક સંગીતના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું. લાઇવ પ્રોગ્રામ માટે જાણીતા ઓસમાન મીરે ભણસાલીની ફિલ્મ રામલીલાથી બૉલિવુડમાં કારકીર્દીની શરુઆત કરી છે. જેમાં તેમણે અદિતી પૉલ સાથે 'મોર બની થનગાટ કરે' અને શ્રેયા ઘોષાલ સાથે 'નગારા સંગ ઢોલ'માં પોતાના અવાજથી ગુજરાતી સંસ્કૃતિની ઉમેરી. હવે તેઓ 'ધ લાસ્ટ ડોન' માં મુંબઇના હાજી અલી પર કવ્વાલી ગાતા જોવા મળશે.

કરસન સાગઠીઆ

ભણસાલીની 'હમ દિલ દે ચુકે સનમ'થી કરસન સાગઠીયાએ બૉલિવુડમાં એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે, પછી તેમણે ફિઝા, ડોર, ગાંધી માય ફાધર જેવી ફિલ્મોમાં ગુજરાતી દુહા અને છંદની રમઝટ બોલાવી. ફિલ્મ મોસમમાં મ્યુઝિક કમ્પોઝ કર્યું, તો ભૂમિ અને કોક સ્ટુડિઓ જેવા બહુ જાણીતા આલ્બમના ગીતો પણ ગાયા. આજે તેઓ બૉલિવુડમાં ગુજરાતી અને રાજસ્થાની ફ્લેવરના ગીતો માટે સંગીતકારોની પહેલી પસંદ બની ગયા છે.

કિર્તી સાગઠીઆ

કરસન સાગઠીઆના પુત્ર કિર્તી સાગઠીઆએ જાણીતા ટીવી રિયાલીટી શોથી ફિલ્મી સંગીતમાં કારકીર્દી શરુ કરેલી. ત્યાર બાદ જુનુન અને એક્સ ફેક્ટર જેવા રિયાલીટી શોઝમાં પણ દેખાયા. આજે રાવણ, સત્યાગ્રહ અને દિલ્હી બેલી જેવી ફિલ્મોમાં ૧૦થી પણ વધુ ગીતો ગાઇ ચુક્યા છે. તેઓ એ આર રહેમાનની 'રહેમાનઇશ્ક' ટુરનો પણ એક ભાગ હતા.

દમયન્તિ બરડાઇ

લગભગ ૩૦ વર્ષથી સૌરાષ્ટ્રમાં લોક ડાયરાઓ અને ગુજરાતી ફિલ્મો માટે પોતાનો અવાજ આપતાં દમયંતી બરડાઇએ હમ દિલ દે ચુકે સનમ ફિલ્મમાં બે ગીતોમાં પોતાનો બુલંદ અવાજ આપ્યો છે. તેમણે 'ક્યા દિલ ને કહા'માં ઇશા દેઓલના પાત્રને પણ સ્વર આપ્યો છે.

આદિત્ય ગઢવી

આ ગાયકોની યાદીમાં એક નવું નામ ઉંમેરાયું છે, આદિત્ય ગઢવીનું. લોગકગાયકીમાં રાજ્યભરમં ખ્યાતિ મેળવ્યા બાદ આદિત્ય ગઢવીએ હિન્દી ફિલ્મોની રાહ પકડી છે. તાજેતરમાં જ તેણે 'લેકર હમ દિવાના દીલ' ફિલ્મમાં એ આર રહેમાનના સંગીત હેઠળ સૂફી ગીત ગાયું છે.