ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (18:19 IST)

ફિલ્મનાં શૂટીંગ માટે ઋત્વિક રોશનનાં ત્રણ મહિના સુધી કચ્છમાં ધામા

ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મ 'લગાન'ના ડાયરેકટર આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવતર ફિલ્મ શરૃ કરી છે. 'લગાન'નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આગામી ફિલ્મ 'મોહેંજે દડો'નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૃ થઈ ગયું છે. સિંધુ સંસ્કૃતિની પશ્ચાદભૂમાં પાંગરતી પ્રેમકથા ઉપર આધારિત આ ફિલ્મ માટે ઋત્વિક રોશને કચ્છમાં શૂટીંગ શરૃ કરી દીધું છે. સંભવતઃ ત્રણ માસ સુધી આ ફિલ્મનું શૂટીંગ કચ્છમાં થવાનું છે.

ફિલ્મ 'લગાન'નું શૂટીંગ જ્યાં થયું હતું તે સ્થળની નજીક જ આશુતોષે સદીઓ પૂર્વેની સિંધુ ખીણની સંસ્કૃતિને કચકડે કંડારવાનું શરૃ કર્યું છે. ફિલ્મ માટે ત્રણેક વર્ષથી હોમવર્ક કરતા આશુતોષે સાત પૂરાતત્વવિદોની મદદ લઈને દેશના જુદા જુદા સ્થળે આવેલી હેરીટેજ સાઈટનો અભ્યાસ કર્યો હતો જેમાં કચ્છની ધોળા વીરા સાઈટની પણ તેણે મુલાકાત લીધી હતી, આશુતોષ કહે છે કે જેમ 'લગાન' માટે આમીરખાન સિવાય બીજા હીરોની કલ્પના થઈ શકતી નથી એમ મોહેંજો દડો માટે ઋત્વિક એકદમ ફીટ છે. પ્રાચીન સંસ્કૃતિની પ્રેમકથાના હીરો તરીકે ઋત્વિકની એકસામટી તારીખો મેળવવા ત્રણ વર્ષ રાહ જોવી પડી હતી.
આશુતોષે અગાઉ ઋત્વિકને લઈને 'જોધા અકબર' બનાવી છે, આ પૂર્વે શાહરૃખ સાથે સ્વદેશ બનાવી હતી. ઋત્વિકની સામે આ ફિલ્મમાં મિસ યુનિવર્સ રનર્સઅપ રહી ચૂકેલી પૂજા હેગડે કામ કરી રહી છે. જ્યારે વિલન તરીકે મશહુર ફિલ્મસ્ટાર કબીર બેદી છે. સહાયક ભૂમિકાઓ માટે કચ્છના ૨૦૦ કલાકારોનો સ્ક્રીન ટેસ્ટ લેવાયો છે.
કચ્છમાં આવેલ ઋત્વિક બહુ ખુશ જણાતો હતો. એરપોર્ટ ઉપર ચાહકોનું અભિવાદન ઝીલી ફર્સ્ટ કટ બાદ તેણે ટવીટર ઉપર જુદી જુદી તસવીરો શેર કરી હતી.
ધૂમ અને બેન્ગ બેન્ગના એકશન હીરો અને 'ગુઝારીશ'માં તેના હૃદયસ્પર્શી અભિનય પછી હવે 'મોહેંજો દડો' પ્રત્યે બધાની નજર છે કારણ કે આશુતોષ પોતે આ ફિલ્મને પોતાની કારકિર્દીનો ડ્રીમ પ્રોજેક્ટ કહી ચૂક્યા છે. આ ફિલ્મ માટે આશુતોષે કોઈ કસર છોડી નથી. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન આપશે.
ફિલ્મના સ્ટન્ટના દ્રશ્યો માટે હોલીવુડ ગ્લેન બોસ્વેલને રોકવામાં આવ્યા છે. કોસ્ચ્યુમ ડીઝાઈન માટે નીતા લુલ્લા અને કેરેકટર લૂક માટે યુકેના ટ્રેનર જોશુઆ બેકરની મદદ લેવાઈ છે. આ ફિલ્મમાં સિંધુ સંસ્કૃતિને દર્શાવવાના પડકારરૃપ કામ માટે હોલીવુડની 'ધ ડે આફટર ટુમોરો' અને '૧૦૦૦૦બીસી' જેવી ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેકટ આપનાર કેરેન ગોલુકાસને સુપરવીઝન સોંપાયુ છે.