શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2012 (14:14 IST)

લતા મંગેશકરને ધીમુ ઝેર આપીને મારવાનો પ્રયત્ન થયો હતો

P.R
પોતાના મધુર સૂર દ્વારા લાખો-કરોડો લોકોના દિલ પર રાજ કરી રહેલી કોકિલ કંઠી ગાયિકા લતા મંગેશકરને એક સમયે ધીમું ઝેર આપીને જીવથી મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો. લતા મંગેશકરના નિકટ સંપર્કમાં રહેલી જાણીતી ડોગરી કવિયત્રી અને હિન્દીની પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મા સચદેવે હાલમાં જ પ્રકાશિત થયેલા સંસ્મરણાત્મક પુસ્તક 'ઐસા કહાં સે લાઉં'માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

પદ્મા સચદેવે આ પુસ્તકમાં લતા મંગેશકરે જણાવ્યુ કે આ ઘટના 1962માં બની હતી જ્યારે તે 33 વર્ષના હતાં. એક દિવસે સવારે ઉઠ્યા બાદ તેમને પેટમાં અલગ જ અહેસાસ થયો. તે પછી તેમને બે-ત્રણ વાર પાતળી પાણી જેવી ઊલ્ટીઓ થઈ જેનો રંગ થોડો થોડો લીલા રંગનો હતો. તેઓ હલી પણ નહોતા શકતા અને દર્દને કારણે તેમની હાલત ખરાબ હતી. ત્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા, જેઓ પોતાની સાથે એક્સ-રે મશિન લઈને આવ્યા હતાં.

દુ:ખાવો સહનશક્તિની બહાર જતા ડોક્ટરે તેમને ઘેનના ઈન્જેક્શન આપ્યા. ત્રણ દિવસ સુધી તેઓ જીવન અને મોત વચ્ચે ઝઝૂમતા રહ્યા હતાં.

તેમણે જણાવ્યુ હતું કે, તેમનામાં નબળાઈ આવી ગઈ હતી અને 3 મહિના સુધી તેઓ પથારીવશ રહ્યા હતાં. તે દરમિયાન તેઓ કંઈ ખાઈ પણ નહોતા શકતાં. તેમને માત્ર ઠંડુ સૂપ પીવા દેવામાં આવતું હતું. જેમાં બરફના ટુકડા નાંખવામાં આવતા હતાં. પેટ સાફ નહોતું થતું અને હંમેશા જલન થતી રહેતી હતી. 10 દિવસ સુધી હાલત ખરાબ રહ્યા બાદ તેમની તબિયત ધીમે ધીમે સુધરી હતી. ડોક્ટરે જણાવ્યુ હતું કે તેમને ધીમું ઝેર આપવામાં આવ્યુ હતું. આ ઘટના પછી તેમના ઘરમાં રસોઈ પકાવતો રસોઈયો કોઈને કંઈ કહ્યા વગર અને પગાર લીધા વગર જ ત્યાંથી ભાગી ગયો હતો. પાછળથી લતા મંગેશકરને ખબર પડી હતી કે તે રસોઈયાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પહેલા કામ કરેલું હતું.

હિન્દી સિનેમા પર ઘણા પુસ્તકો લખી ચૂકેલા લંડન નિવાસી લેખિકા નસરીન મુન્ની કબીર સાથેના ઈન્ટરવ્યૂમાં પણ લતા મંગેશકરે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમની સાથેની મુલાકાત પર આધારિત આ પુસ્તક 2009માં પ્રકાશિત થઈ હતી.

આ ઘટના પછી ઘરમાં રસોઈનું કામ લતાની નાની બહેન ઉષા મંગેશકરે સંભાળી લીધુ હતું અને તે જ બધા માટે જમવાનું બનાવતી હતી. લતાએ જણાવ્યુ હતું કે બિમારી દરમિયાન તેઓ ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીના સ્નેહને નહોતી ભૂલી શકી. તેઓ સતત 3 મહિના સુધી બરાબર સાંજે 6 વાગે આવીને લતા સાથે બેસતા અને તે જે કંઈ પણ ખાતી તેઓ પણ તે જ વસ્તુ ખાતા. તેઓ કવિતાઓ અને વાર્તાઓ સંભળાવ્યા કરતા હતાં. તેમણે કહ્યુ હતું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ તેમણે જે પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું કે 'કહીં દીપ જલે કહીં દિલ' જેનું સંગીત હેમંત કુમારે આપ્યું હતું.

જો કે, આ પુસ્તકમાં લતા મંગેશકરને ઝેર આપવાની અન્ય એક ઘટનાનો પણ ઉલ્લેખ છે. પણ આ ઉલ્લેખ ઉષા મંગેશકરની વાત પરથી કરવામાં આવ્યો છે. ઉષા મંગેશકરે પોતાના પુસ્તકમાં જણાવ્યુ છે કે, "ગીતકાર શૈલેન્દ્ર મરી ચૂક્યા હતાં. જ્યારે દીદીને ઝેર અપાયું ત્યારે તેઓ મારા સપનામાં આવ્યા હતાં અને મને કહેવા લાગ્યા હતાં કે ઉષા મને માફ કર. આ મેં નથી કર્યું. મેં પોતાની આંખે અમુકને દીદીને ઝેર આપતા જોયા છે. મોત પછી તેમનું મારા સપનામાં આવવું અજીબ હતું."