શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|

રેલવે બજેટમાં સૌરાષ્ટ્રને હળાહળ અન્યાય

ગુજરાતને અન્યાય કરવાના સિલસિલાની આકરી ટીકા-ગુજરાત સરકાર

W.DPTI

અમદાવાદ(વેબદુનિયા) કેન્દ્રીય રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે પાંચમી વખત રજૂ કરેલા રેલવે બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતને ફરી એક વખત અન્યાય સિવાય કશું આપ્યું નથી. એકમાત્ર મદુરાઈ-મનમાડ એકસપ્રેસ ટ્રેનને દક્ષિણમાં રામેશ્વરમ સુધી અને સૌરાષ્ટ્રમાં ઓખા સુધી લંબાવવામાં આવી છે તેના સિવાય નવી એક પણ ટ્રેનની ફાળવણી કરવામાં નહીં આવતા લોકોમાં રેલવે પ્રધાન પ્રત્યે રોષ પેદા થયો છે.

મહાશિવરાત્રીના મેળામાં લાખો લોકો ઉમટી પડે છે છતાં નવી ટ્રેન શરૂ કરવાની માંગણી તો સંતોષાતી નથી પરંતુ ચાલુ ટ્રેનમાં વધારાના ડબ્બા પણ જોડવામાં આવતા નથી. સોમનાથ-ચેન્નઈ, સોમનાથ-પૂના, સોમનાથ અમૃતસર, જામનગર-મુંબઈ સુપરફાસ્ટ ટ્રેન, જૂનાગઢ-દિલ્હી ટ્રેન, મહુવા-સુરત એકસપ્રેસ ટ્રેન વગેરે જે ટ્રેનો માટે સૌરાષ્ટ્રની જનતા લાંબા સમયથી માંગણી કરતી આવી છે તે પૈકી એક પણ ટ્રેન સૌરાષ્ટ્રને ફાળવવામાં આવી નથી. જયારે અમદાવાદ પડી રહેતી નવજીવન અને અહિંસા એકસપ્રેસને ઓખા સુધી લંબાવવા, જામનગર-રાજકોટ-સુરત ઈન્ટરસીટીને મુંબઈ સુધી લંબાવવા, દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડતી સંપર્ક ક્રાંતિ ટ્રેનને ઓખા અથવા પોરબંદર સુધી લંબાવવા, રાજકોટ સુધી બીજો ટ્રેક આપવો, વેરાવળ તરફની ટ્રેનોમાં વધારાના ડબ્બા જોડવા વગેરે માંગણીઓ પણ વણસંતોષાયેલી રહી છે.

રેલવે મંત્રી પાસે જીદ કરીને પણ ધાર્યું કરાવી આવે તેવા નેતાની પ્રજાને ખોટ સાલી રહી છે. નવી ટ્રેન માટેની માંગણીઓ તો સંતોષાતી નથી પરંતુ એક શહેરથી બીજા શહેર સુધી દોડતી ટૂંકા અંતરની ટ્રેનમાં લોકોને લટકીને જવું પડે છે છતાં રેલવે ડબ્બા વધારી આપતી નથી. સિનિયર સિટીઝનો અને મુસાફરોને રેલવે મંત્રીએ ઘણી રાહતો આપી છે તેની ના નહીં પરંતુ ટ્રેન માટેની વર્ષો જૂની માંગણીઓ દર વખતે રિપિટ થયા કરે છે. તેમાં કશો જ સુધારો થતો નથી. રેલવેવાળા ગમે ત્યારે બોર્ડમાં મંજૂર થશે તેમ કહીને હાથ ખંખેરી નાખે છે. ગેજ પરિવર્તન માટે રકમ ફાળવે છે તો સાવ મામૂલી. વર્ષોના વર્ષો કામ ચાલ્યા કરે. એક પેઢીએ માંગણી મૂકી હોય તેના પછીની પેઢી આવે ત્યારે ટ્રેન મળે, તેવી સ્થિતિ સૌરાષ્ટ્રની બની ગઈ છે. પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ હોવા છતાં ટ્રેનને લગતી અનેક જરૂરિયાતો અંગે વર્ષોથી પોરબંદર જિલ્લા પેસેન્જર એસોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવે છે. પરંતુ રેલવે બજેટમાં કંઈ લાભ મળતો નથી.

રેલવે બજેટમાં ગુજરાતને ઘોર અન્યાય કરવાનો સિલસિલો યુપીએ સરકારે જારી રાખ્યો હોવાનો આક્ષેપ કરતાં રાજય સરકારના પ્રવકતા અને નાણાપ્રધાન સૌરભ પટેલે નવી ટ્રેન, રેલવેલાઇન અને રેલવેસ્ટેશનોના અપગ્રેડેશન સહિતની કોઈપણ માગણી ન સ્વીકારીને ગુજરાતની પ્રજાની આશા ઉપર પાણી ફેરવી દીધું હોવાનું જણાવી રેલવે રાજયપ્રધાન નારણ રાઠવાના રાજીનામાની માગણી કરી છે.

રેલવે બજેટમાં ગુજરાતને કરવામાં આવેલા અન્યાયની વિગતો આપતાં પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રીય રેલવેપ્રધાન લાલુપ્રસાદ યાદવ અને રેલવે રાજયપ્રધાન વેલુ તામિલનાડુમાં રેલ સુવિધાના શ્રેણીબદ્ધ લાભ મેળવી ગયા છે, પરંતુ નારણ રાઠવા ગુજરાતને ન્યાય અપાવવામાં સદંતર નિષ્ફળ નીવડયા છે.

પ્રવાસીઓ અને પરિવહનથી રેલવેને સૌથી વધુ આવક આપનારા ગુજરાતને ભારોભાર અન્યાય થયો છે. દેશમાં 53 નવી ટ્રેન, 16 રેલવે ટ્રેકનો વિસ્તાર અને 10 ગરીબ રથ સહિત કુલ 79 ટ્રેનોની સુવિધામાં અમદાવાદ-મુંબઈની એકાદ અપવાદરૂપ નવી રેલવે સિવાય નવી રેલવેલાઈન કે ટ્રેનની ગુજરાતની માગણી સંતોષવામાં આવી નથી.

બજેટમાં સંખ્યાબંધ યાત્રાધામોને જોડવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ દ્વારકા અને સોમનાથ જેવા કરોડો હિન્દુઓના શ્રદ્ધાકેન્દ્રની બાદબાકી કરવામાં આવી છે. આદિવાસી પટ્ટીના વિકાસ માટે અનિવાર્ય દાહોદ-ઝાલોદ-બાંસવાડા-ઉદેપુર રેલવે પ્રોજેકટ કે છોટાઉદેપુર-પીપલોદ લાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભાજપ સરકારે કેન્દ્રીય રેલવે બજેટમાં ગુજરાતને અન્યાય કરવાના સિલસિલાની આકરી ટીકા કરી છે.

લાલુ યાદવના રેલવે બજેટ વિષે લોકોની પ્રતિક્રીયાઓ..