બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (14:43 IST)

સર રવિન્દ્ર જડેજાએ એંજિનિયર રીવાબા સાથે સગાઈ કરી

ટીમ ઈંડિયાના ક્રિકેટરોમાં સગાઇ અને લગ્નની મોસમ પુરબહાર ખીલી છે. ક્રિકેટરો મેદાનની બહાર નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. રોહીત શર્મા, સુરેશ રૈના, ભજ્જી  અને વરૂણ આરોને તાજેતરમાં લગ્ન કરી લીધા છે. જયારે યુવરાજ અને મોહીત શર્માએ સગાઇ કરી લીધી છે. હજુ ગઇકાલે જ ઇરફાન પઠાણે પણ એકદમ સાદાઇથી લગ્ન કર્યા હતા. દરમિયાન સૌરાષ્‍ટ્રના સિંહ અને ટીમ ઈંડિયાના ઓલરાઉન્‍ડર એવા રવિન્‍દ્ર જાડેજાની આજે રાજકોટ સ્થિત  હરદેવસિંહ સોલંકીની એકની એક સુપુત્રી ઇજનેરી સ્નાતક ચિ. રીવાબા સાથે આજે સગાઇ વિધી યોજાયેલ છે.
 
   શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલી રવિન્દ્ર  જાડેજાની હોટેલ જડ્ડુસ ખાતે જ આ સમારોહ ચુસ્ત  બંદોબસ્‍ત અને આમંત્રીત મહેમાનોની હાજરીમાં જ  યોજાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે રીવાબાએ આત્મીય કોલેજમાં એન્‍જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ દિલ્હીમાં યુપીએસસીની પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે. રીવાબાના માતુશ્રી પ્રફુલ્લાબેન ભારતીય રેલ્વેમાં  નોકરી કરે છે અને પિતા હરદેવસિંહ બિઝનેસમેન છે.
 
   હોટેલ જડ્ડુસને રંગબેરંગી ફૂલોની શણગાર કરવામાં આવ્‍યો હતો. ક્રિકટની થીમ ઉપર જ ખાસ સજાવટ કરવામાં આવી હતી. રવિન્‍દ્રસિંહ અને રીવાબાની રીંગ સેરેમનીમાં બન્નેનો પરિવાર તેમજ અમુક ખાસ મહેમાનોને જ આમંત્રીત કરવામાં આવ્‍યા હતા. જડ્ડુસ હોટેલમાં અને હોટેલની બહાર ક્રિકેટ ચાહકોનો ભારે ધસારો ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્‍તબંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. જો કે આમ છતાં રવિન્‍દ્ર અને રીવાબાની એક નજર નિહાળવા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. મીડિયાને પણ અંદર જવાની મનાઇ કરવામાં આવી હતી.   ટીમ ઇન્‍ડિયાના મોટાભાગના ક્રિકેટરો રાજયકક્ષાની ટૂર્નામેન્‍ટો રમી રહ્યા હોય આ સગાઇવિધીમાં ભાગ લઇ શકયા નથી. પણ આગામી સમયમાં જાડેજા પરિવાર દ્વારા સમારોહ ગોઠવવામાં આવે તેવી શકયતાઓ પ્રવર્તી રહી છે. લકઝરીયસ કારના કાફલામાં રવિન્દ્ર  અને રીવાબા સવારે હોટેલ ખાતે પહોંચી ગયા હતા.
 
   રીંગ સેરેમનીમાં રવિન્‍દ્ર જાડેજા બ્રાઉન કલરની શેરવાની અને રીવાબા ક્રીમ અને લાલ કલરના ડ્રેસમાં સજ્જ હતા. આ સમારોહમાં કોઇ ક્રિકેટરો આવ્‍યા ન હતા. પારીવારીક માહોલમાં આ સમારોહ યોજાયો હતો.
 
   આ સમારોહમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી શ્રી નિરંજનભાઇ શાહ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓએ રવિન્દ્ર  અને રીવાબાને આશીર્વાદ આપ્યા હતા.
 
       ટીમ ઇન્ડિયાના ઓલરાઉંડર  રવિન્દ્ર જાડેજા માટે આજે બે યાદગાર પ્રસંગ બની રહેશે. આજે રવિન્‍દ્ર અને રીવાબા સ્‍નેહના તાંતણે બંધાયા છે. જયારે આજે જ આઇસીસી ટી-૨૦ વર્લ્‍ડકપ માટે ભારતીય ટીમની પસંદગી થઈ  છે. જેમાં રવિન્‍દ્રની પસંદગી પણ થઈ ગઈ છે.