શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 30 માર્ચ 2013 (17:22 IST)

આઈપીએલમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો

P.R

ક્રિકેટપ્રેમીઓને આઈપીએલમાં આગામી બે મહિના સુધી ટી20 ક્રિકેટનો રોમાંચ માણવા તો મળશે જ સાથે સાથે ગ્લેમરનો રંગ પણ તેમાં જોવા મળશે. પરંતુ આઈપીએલમાં ગુજરાતી ખેલાડીઓની સંખ્યા ઘણા સારા પ્રમાણમાં છે. જેમાં પઠાણ બ્રધર્સથી માંડીને ઘણા અન્ય મોટા સ્ટાર ખેલાડીઓ તેમાં રમી રહ્યા છે જેના પર તમામની નજર રહેશે. આ ઉપરાંત અન્ય કેટલાક ડોમેસ્ટિક લેવલ પર રમી રહેલા ગુજરાતી ખેલાડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યા બાદ હર્ષલ પટેલે આઈપીએલની ટીમોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તેના પ્રદર્શનથી ખુશ થયેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને અંડર-19 કેટેગરી માટે સાઈન કર્યો હતો. પરંતુ 2012માં તે બેંગલોર રોયલ ચેલેન્જર્સ તરફથી રમ્યો હતો અને આ સીઝનથી જ તેણે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 2012માં તેણે 12 મેચ રમી હતી જેમાં તેણે 9 વિકેટ લીધી હતી. 24 રન આપીને 2 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

બરોડાનો ડાબોડી સ્પિનર ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવી ચૂક્યો છે. 2011ની સીઝન પહેલા કિંગ્સ ઈલેવન પંજાબે ભાગર્વ ભટ્ટને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પ્રથમ સિઝનમાં તેણે 14 મેચમાં 10 વિકેટ લીધી હતી પરંતુ 2012માં તેને સફળતા નહોતી મળી. જેમાં તે પાંચ મેચમાં 2 વિકેટ જ લઈ શક્યો હતો. હવે જોવાનું એ રહેશે તે આ સીઝનમાં તે કેવી ધૂમ મચાવી શકે છે.

સૌરાષ્ટ્રના મધ્યમ ઝડપી બોલર જયદેવ ઉનડકટ 2010માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો અને ત્યારથી તે લાઈમલાઈટમાં આવ્યો હતો. કોલકાતાના બોલિંગ કોચ અને લિજેન્ડરી ઝડપી બોલર વસિમ અકરમે ઉનડકટની ઘણી પ્રશંસા કરી હતી. જોકે, કોલકાતાએ તેને મુક્ત કર્યા બાદ 2013 માટે ખેલાડીઓની હરાજીમાં બેંગલોર રોયલ ચેલેન્જર્સે ઉનડકટને 525,000 અમેરિકન ડોલરમાં ખરીદ્યો હતો. ઉનડકટ અત્યાર સુધી આઈપીએલમાં 11 મેચમાં કુલ 10 વિકેટ લીધી છે.

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલો વિકેટ કીપર બેટ્સમેન પાર્થિવ પટેલ પ્રથમ સિઝનમાં ચેન્નાઈ સુપર કિગ્સ તરફથી રમ્યો હતો. બાદમાં તેણે કોચ્ચી ટસ્કર્સ ટીમ તરફથી રમ્યો હતો પરંતુ તે ટીમ આઈપીએલમાંથી બહાર થઈ ગયા બાદ ડેક્કન ચાર્જર્સ હૈદારબાદે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પાર્થિવે અત્યાર સુધી આઈપીએલમાં 54 મેચમાં 912 રન બનાવ્યા છે.

એક સમયે ટીમ ઈન્ડિયામાં સ્થાન પામવાનો પ્રબળ દાવેદાર ગણાતો ગુજરાતનો સ્ટાર બોલર સિદ્ધાર્થ ત્રિવેદી રાષ્ટ્રીય ટીમમાં તો સ્થાન પામી શક્યો નથી પરંતુ આઈપીએલમાં તે પોતાની બોલિંગથી લોકોને પ્રભાવિત કરી ચૂક્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા સિદ્ધાર્થે આઈપીએલમાં અત્યાર સુધી 59 મેચમાં 53 વિકેટ લીધી છે. 25 રનમાં 4 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રાજસ્થાન રોયલ્સના બોલિંગ આક્રમણનો તે મુખ્ય બોલર છે.

રણજીમાં સૌરાષ્ટ્રની ટીમનો આ વિકેટ કીપર બેટ્સમેન ટીમનો મહત્વનો ખેલાડી છે. 2012-13ની સીઝનમાં તેણે ધમાકેદાર પ્રદર્શન કરીને પોતની ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ત્રણ સદી અને ચાર અડધી સદીની મદદથી 756 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી જેક્સન પોતાની પ્રથમ આઈપીએલ સીઝન રમશે. જોકે, આ પહેલા તે 2009 અને 2010માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં હતો પરંતુ તેને એક પણ મેચ રમવાની તક નહોતી મળી. તેથી 2013ની સીઝનમાં તેને ડેબ્યૂ કરવાની તક મળશે. રણજીમાં તેને પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ગુજરાતી ક્રિકેટપ્રેમીઓને આઈપીએલમાં તેનો ધમાકેદાર અંદાજ આ વર્ષે જોવા મળશે તેવી આશા છે.


ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ આઈપીએલમાં પણ હિટ સાબિત થયો છે. હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર રહેલો ઈરફાન ટીમમાં પાછો ફરવા માટે આતુર છે. વનડેમાં તો તેણે ધમાકેદાર પુનરાગમન કર્યું છે અને હવે તેની નજર ટેસ્ટ ટીમ પર છે. નીચલી હરોળના આ બેટ્સમેનને ક્યારેક ટીમ પિંચ હિટર તરીકે પણ વાપરે છે. પ્રથમ ત્રણ સીઝનમાં ઈરફાન કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમ્યો હતો અને ટીમનો તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર હતો. પંજાબે તેને છૂટો કર્યા બાદ દિલ્હી ડેરડેવિલ્સે ઈરફાનને 1.9 મિલિયન અમેરિકન ડોલરમાં ખરીદ્યો હતો. ઈજામાંથી બહાર આવેલો ઈરફાન જો આ સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરે છે તો તેના માટે ટેસ્ટ ટીમના દરવાજા ખુલી શકે તેમ છે. બોલને સ્વિંગ કરાવવામાં ઈરફાન સારી પકડ ધરાવે છે જ્યારે બેટ વડે પણ તે ટીમ માટે ઉપયોગી રન બનાવી શકે છે. અત્યાર સુધી આઈપીએલમાં ઈરફાને 73 મેચમાં 66 વિકેટ લીધી છે. જ્યારે એટલી જ મેચમાં તેણે 929 રન બનાવ્યા છે.

વડોદરાનો આ વિસ્ફોટક ઓલરાઉન્ડર આઈપીએલની ટીમ માટે લકી છે તેમ કહી શકાય. તે જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમમાં હતો ત્યારે ટીમ આઈપીએલની પ્રથમ ચેમ્પિયન બની હતી. બાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયા બાદ કેકેઆર પણ ગયા વર્ષે ચેમ્પિયન બની શકી હતી. હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર રહેલા યુસુફ પઠાણને ટીમમાં પરત ફરવાની આશ છે. બુધવારે જ મુંબઈની આફરીન સાથે નિકાહ કર્યા બાદ યુસુફનું નસીબ બદલાય તેવી તેના ચાહકો આશા રાખી રહ્યા છે.
યુસુફ પઠાણ આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીઓમાનો એક છે. જ્યારે આઈપીએલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ યુસુફના નામે છે. વર્ષ 2008માં તેણે આઈપીએલમાં સારો દેખાવ કર્યો હતો જેના કારણે તેને વનડે ટીમમાં તક મળી હતી. છેલ્લી બે સીઝનથી તે કેકેઆર માટે રમી રહ્યો છે પરંતુ હજી સુધી તે કોઈ યાદગાર પ્રદર્શન કરી શક્યો નથી. ગત વર્ષે ટીમ ચેમ્પિયન બની તેમાં પણ તેનો દેખાવ અપેક્ષા પ્રમાણેનો રહ્યો નહોતો. હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે તે કેવો દેખાવ કરે છે. આઈપીએલમાં યુસુફે અત્યાર સુધી 75 મેચમાં 37 વિકેટ લીધી છે. જ્યારે 75 મેચમાં 1488 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કરો 100 રનનો રહ્યો છે.

ઈખર એક્સપ્રેસ તરીકે જાણીતો મુનાફ પટેલ 2011માં વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. પરંતુ ઈજાના કારણે છેલ્લા ઘણા સમયથી તે ટીમની બહાર છે. પ્રથમ ત્રણ સીઝનમાં તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. જ્યારે 2011માં યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મુનાફે અત્યાર સુધી આઈપીએલમાં 57 મેચમાં 70 વિકેટ લીધી છે.
સૌરાષ્ટ્રનો આ સ્ટરા ઓલરાઉન્ડર આઈપીએલ-5નો સૌથી મોંઘો ખેલાડી હતો. ચેન્નાઈની ટીમે તેને 2 મિલિયન ડોલર (આશરે 9.8 કરોડ રૂપિયા) હાલમાં જ ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કરવામાં રવીન્દ્ર જાડેજાની ભૂમિક ઘણી મહત્વની રહી હતી. ચાર ટેસ્ટની શ્રેણીમાં 24 વિકેટ સાથે તે વધુ વિકેટ લેવામાં બીજા સ્થાને રહ્યો હતો. તેનું આ ઘાતક ફોર્મ જોતા આ વર્ષની સીઝનમાં તે લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેશે. 2008માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું હતું અને તેના સુકાની શેન વોર્ને તેને રોકસ્ટારનું ઉપનામ આપ્યું હતું.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જાડેજાએ બોલિંગમાં તો સારો દેખાવ કર્યો હતો પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ તે અહિંયા પણ બેટ વડે પ્રભાવશાળી દેખાવ કરી શક્યો નહોતો. હવે આ સીઝનમાં તે કેવો ધમાકો કરે છે તેના પર લોકોની નજર રહેશે. જાડેજાએ અત્યાર સુધી આઈપીએલમાં 60 મેચમાં 26 વિકેટ લીધી છે. 16 રન આપીને 5 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે બેટિંગમાં તેણે 60 મેચમાં 904 રન બનાવ્યા છે.

રનમશીન તરીકે જાણીતો ચેતેશ્વર પૂજારા ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરી ચૂક્યો છે. પોતાની બેટિંગ વડે તેણે ક્રિકેટ જગતને પ્રભાવિત કર્યું છે. પરંતુ ટી20 ક્રિકેટમાં તે હજી પ્રભાવશાળી દેખાવ કરી શક્યો નથી. હાલમાં પૂજારા રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમી રહ્યો છે. જોકે, હાલમાં તે ઈજાગ્રસ્ત હોવાથી તે આઈપીએલમાં થોડીક મેચો ગુમાવી શકે છે. અત્યાર સુધીમાં તેણે આઈપીએલમાં 20 મેચમાં 173 રન બનાવ્યા છે.

અમદાવાદનો જસપ્રિત બુમરા આગામી આઈપીએલની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળશે. ૧૯ વર્ષિય ફાસ્ટ બોલરને તેના ડોમેસ્ટીક ક્રિકેટના પ્રદર્શનને જોઈને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની સાથે રૂ. ૧૦ લાખમાં કરાર કર્યો છે.

ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલની આ પ્રથમ આઈપીએલ સીઝન હશે. મુંબઈ ઈન્ડિયન્સે અક્ષરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 19 વર્ષીય અક્ષરનું વતન આણંદ છે. તેણે 2012-13ની સીઝનમાં લિસ્ટ-એમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું.