ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ : , શનિવાર, 15 માર્ચ 2014 (12:00 IST)

ટી-20માં ભારતીય ટીમનો દેખાવ નક્કી કરશે ફ્લેચરનુ ભવિષ્ય !

W.D
વિદેશ પ્રવાસમાં ભારતીય ટીમના કથળી રહેલા દેખાવના કારણે પૂર્વ ક્રિકેટરનું નિશાન બનનાર ડંકન ફ્લેચરની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પૂછપરછ કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાંગ્લાદેશ પ્રવાસે ટી 20 વિશ્વકપ રમવા ગયેલી ભારતીય ટીમના કોચ ડંકન ફ્લેચર સાથે ટુર્નામેન્ટ દરમિયાન બોર્ડના સચિવ સંજય પટેલ વાત કરશે અને તે અંગેનો રિપોર્ટ શ્રીનિવાસનને આપશે.

સૂત્રોની વાત માનીએ તો બાંગ્લાદેશમાં યોજાનાર ટી-20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના દેખાવના આધારે જ ડંકન ફ્લેચરના ભવિષ્યનો ફેંસલો થશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિદેશી ધરતી પર મળી રહેલી નિષ્ફળતાને લઈને બીસીસીઆઈને ડંકન ફ્લેચરને કોચ તરીકે હાંકી કાઢવાની માંગ કરતા કહ્યું હતું કે, જો તમે પ્રોફેશનલ હો તો તમારે પ્રદર્શન દ્વારા આ સાબિત કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ બાંગ્લાદેશમાં યોજાયેલા એશિયા કપમાં હારનો સામનો કરવો રડ્યો હતો. એશિયા કપની વાત કરીએ તો વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા માત્ર અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે જ જીતી શકી હતી. શ્રીલંકા અને પાકિસ્તાન સામે તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે, આગામી 16 માર્ચથી ટી 20 વિશ્વકપ શરૂ થઈ રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને બીસીસીઆઈની નજર કોચ ડંકન ફ્લેચર પર મંડાણી છે.