શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટરોની પ્રોફાઈલ
Written By પરૂન શર્મા|

સુનિલ ગાવસ્કર

1971માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવોદિત ક્રિકેટર ભારત તરફથી વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ અને તે પણ વેસ્ટઈન્ડિઝની ધરતી પર જ ટેસ્ટ પ્રવેશ કરે છે. ક્રિકેટ સમીક્ષકો મધ્યમ બાંધો અને નીચું કદ ધરાવતો આ ખેલાડી વેસ્ટ ઈન્ડિઝના ખજૂરના વૃક્ષ જેવા લાંબા ફાસ્ટરો સામે રમી શકશે કે કેમ તે બાબતે શંકા વ્યક્ત કરે છે. પરંતુ આ નવોદિત કંઈક જુદા જ ઈરાદા સાથે કેરેબિયનો સામે મેદાને પડ્યો હતો. અને તેણે બહુ જ ટૂંકા ગાળામાં તેના ઈરાદા જગજાહેર કર્યા તે સાથે તેની આલોચના કરનારા લોકો રંગ બદલીને તેના પ્રશંસક બની ગયા.

તે ક્રિકેટરે તેની પહેલી જ ટેસ્ટ સિરીઝમાં 154.80ની અકલ્પનીય સરેરાશે 774 રન બનાવ્યા. પોર્ટ ઓફ સ્પેન ખાતે ટેસ્ટ પ્રવેશે આ નવોદિતે પહેલા દાવમાં 65 અને બીજા દાવમાં નોટઆઉટ 67 રન કરીને ભારતને વિજય અપાવ્યો. ત્યારપછીની ટેસ્ટમાં આ ખેલાડીએ પહેલા દાવમાં તેની પહેલી સદી ફટકારતા 116 રન બનાવ્યા અને બીજા દાવમાં 64 નોટઆઉટ.

પોતાની ત્રીજી અને સિરીઝની ચોથી ટેસ્ટમાં આ નવોદિતે બીજ દાવમાં સદી ફટકારી. સિરીઝની પાંચમી અને પોતાની ચોથી ટેસ્ટમાં આ ખેલાડી તેના પૂરા રંગમાં જણાયો. તેના પહેલા દાવમાં 124 અને બીજા દાવમાં 220 રનની મદદથી ભારતે વિજય મેળવીને સિરીઝ પર 1-0થી કબજો જમાવ્યો. તેની રમત જોઈને માત્ર કેરેબીયન ટીમને જ સમર્થન આપનારા વેસ્ટઈન્ડિઝના ક્રિકેટ રસીયાઓ પણ તેની રમતના દિવાના થઈ ગયા.

હા, આપણે વાત કરી રહ્યા છે લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કરની. વિશ્વ ક્રિકેટના સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક એવા સુનિલ ગાવસ્કરને બેટીંગ ટેકનીકનો બાદશાહ માનવામાં આવતો હતો. રક્ષણાત્મક બેટીંગ પર સારી એવી પકડ ધરાવતા સુનિલની વિકેટ ઝડપતા બોલરોને પરસેવો છૂટી જતો હતો. 1975ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સતત 60 ઓવર સુધી નોટઆઉટ રહીને માત્ર 34 રન કરતા સુનિલે આ વાતનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.

10 જૂલાઈ 1949ના રોજ મુંબઈ ખાતે જન્મેલા સુનિલ ગાવસ્કરને ભારતનો સૌથી પહેલો પ્રોફેશનલ ક્રિકેટર કહી શકાય. કારણ કે આજના ભારતીય ક્રિકેટરો ભલે જાહેરાતો કે કોમેન્ટ્રી દ્વારા અઢળક રૂપિયા કમાતા હોય પરંતુ તેમને આ રસ્તો દેખાડનાર વ્યક્તિ હતો સુનિલ ગાવસ્કર. ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર 10000 રનના જાદુઈ આંકડાને સ્પર્શનાર સુનિલ દરેક પ્રકારના શોટ્સમાં મહારથ ધરાવતો હતો.

સંજોગો અનુસાર રમત દાખવવામાં કૌશલ્ય ધરાવતા સુનિલે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 34 સદીનો વિશ્વરેકોર્ડ કર્યો હતો. જે પાછળથી તેના જ પગલે ચાલનાર જૂનીયર લીટલ માસ્ટર સચિન તેંડુલકરે તોડ્યો હતો. જો કે ટેસ્ટ મેચોમાં સદીનો વર્લ્ડ રેકોર્ડ કરનાર આ ખેલાડી વનડે મેચોમાં માત્ર એક જ સદી ફટકારી શક્યો હતો અને તે પણ છેક તેના કારકિર્દીના અંત ભાગમાં.

1987ના વિશ્વકપ દરમિયાન ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ. બેટીંગની જેમ જ કેપ્ટનશીપ દરમિયાન ટેસ્ટમેચોમાં પણ સંરક્ષણના સિદ્ધાંતને વળગી રહેનાર ગાવસ્કરના નેતૃત્વ હેઠળ ભારતે હાર તરફ ઢળી રહેલી ઘણી મેચોને ડ્રોમાં ખેંચી હતી. ઘણીવાર તેની વિકેટ પ્રતિસ્પર્ધી ટીમના વિજય કે પરાજયનું કારણ બનતી હતી.

1979માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 438 રનના ટાર્ગેટનો પીછો કરતા સુનિલ ગાવસ્કરે એકલા હાથે ઈંગ્લીશ બોલરોની ઝીંક ઝીલી હતી. તેના 221 રનના લીધે ભારત 9 વિકેટે 429 રનનો સ્કોર કરીને થોડા અંતરથી જ પરાજયથી છેટું રહ્યું હતું. સુનિલે તેના 221માંથી 179 રન તો છેલ્લા દિવસે બનાવ્યા હતા. કદાચ તે આઉટ થઈ ગયો હોત તો ઈંગ્લેન્ડ આસાનીથી તે મેચમાં વિજય મેળવી લેતું.

ક્રિકેટ રસીયાઓ સુનિલને માત્ર એક સ્ટાર બેટ્સમેન તરીકે જ ઓળખે છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તેણે તેની કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કેટલીક વખત ભારત તરફથી સ્ટ્રાઈક બોલરની ભૂમિકા નીભાવતા ઓપનીંગ સ્પેલ પણ નાંખ્યા હતા. સ્લિપના ચુનંદા ફિલ્ડર તરીકે પણ ખ્યાતિ મેળવનાર સુનિલ ગાવસ્કરના નેતૃત્વ હેઠળ ભારતે 1985માં ઓસ્ટ્રેલીયા ખાતે વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશીપ જીતી હતી. મુંબઈ, સમરસેટ અને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર સુનિલને 1980માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો.

ટેસ્ટ
બેટીંગ-125 મેચ, 214 દાવ, 16 વખત નોટઆઉટ, 10122 રન, સર્વોચ્ચ સ્કોર 236 નોટઆઉટ, સરેરાશ 51.12, 34 સદી, 45 અર્ધસદી, 108 કેચ.

વનડે
બેટીંગ-108 મેચ, 102 દાવ, 14 વખત નોટઆઉટ, 3092 રન, સર્વોચ્ચ સ્કોર 103 નોટઆઉટ, સરેરાશ 35.13, 1 સદી, 27 અર્ધસદી, 22 કેચ.