શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:41 IST)

લક્ષ્મીજીની કૃપા, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનો આજનો સૌથી શ્રેષ્ઠ દિવસ

આજે આસો મહિનાની કૃષ્ણપક્ષની તેરસ એટલે કે, ધનતેરસનો બહુ જ પવિત્ર અને ઉત્તમ દિવસ છે. લક્ષ્મી માતાની કૃપા અને શરીર-આરોગ્ય પ્રાપ્ત કરવાનો આજનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. ધનતેરસના તહેવાર નિમિતે આજે મહાલક્ષ્મી માતા ઉપરાંત આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિની પણ પૂજાનો અનન્ય મહિમા છે. આજે શહેરના મહાલક્ષ્મી મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામશે, તો હોસ્પિટલોમાં તેમ જ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા આયુર્વેદિક ડોકટરો તેમ જ વૈદ્ય દ્વારા ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે. ધનતેરસને લઇ આજે સવારે અને સાંજના શુભમૂર્હુતમાં ઘેર-ઘેર લોકો લક્ષ્મીજી અને ધનની પૂજા કરશે. ધનતેરસના તહેવારમાં લક્ષ્મીજી અને ભગવાન ધન્વંતરિ ઉપરાંત, ધનના દેવતા કુબેર, ચિત્રગુપ્ત અને યક્ષિણિ દેવીની પણ પૂજા કરવામાં આવશે.

આખા વર્ષમાં ધનતેરસનો એક જ દિવસ એવો હોય છે કે, મહાલક્ષ્મી માતાજીની પૂજા કરી તેમને પ્રસન્ન કરી તેમની અનોખી કૃપા પ્રાપ્ત કરી શકાય છે. લોકો પોતાના ઘેર અને ધંધા-રોજગારના સ્થળોએ લક્ષ્મીપૂજન અને ધનની પૂજા કરશે. ઘરમાં રાખેલી તિજોરી અને પૈસા મૂકવાના ગુપ્ત સ્થાનો પણ સ્વચ્છ કરી રેશમી વસ્ત્ર મૂકી દૂર્વા અને કમરકાકડી ધરાવી લક્ષ્મીજીને ઘરમાં સ્થિર રહે તેવી કામના સાથે પૂજાવિધિ કરવામાં આવશે. આજે ધનતેરસ મંગળવારે આવતી હોઇ ગણેશજી અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવાનો અને ઋણ-દેવામાંથી મુકત થવાનો ઉત્તમ દિવસ છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિર, ડ્રાઇવઇન સિનેમાની પાછળ ગોયેલ ઇન્ટરસીટી પાસે આવેલા જાણીતા વૈભવ લક્ષ્મી મંદિર સહિતના મંદિરોમાં ખાસ પૂજા, આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ધનતેરસ નિમિતે આવતીકાલે મહાલક્ષ્મી માતાના મંત્રો ઉપરાંત, કનકધારા સ્તોત્રનું પઠન ખૂબ ફળદાયી રહેશે.

ધનતેરસનો દિન એટલે આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરિનો પ્રાગટય દિવસ છે. દેવતા અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરાયુ ત્યારે ભગવાન ધન્વંતરિ  અમૃત કળશ અને ઔષધિય વનસ્પતિઓ સાથે પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરિના અવતરણની સાથે જ આરોગ્યશાસ્ત્રનો પ્રારંભ થયો હતો અને માનવજાતના આરોગ્ય સુખાકારી અને સ્વાસ્થ્ય કલ્યાણ માટે ઔષિધિય જ્ઞાાન અને જાણકારી પ્રાચીન ઋષિમુનિઓ અને દેવતાઓને આપ્યા હતા, જે પરંપરાગત ચાલ્યુ આવે છે.
આજે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિનું ઋણ અદા કરવાનો ઉત્તમ દિવસ છે. આજે શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી મણિબહેન સરકારી આર્યુવેદિક હોસ્પિટલ સહિતની હોસ્પિટલો તેમ જ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા વૈદ્યરાજ અને આર્યુવેદ નિષ્ણાતો દ્વારા ભગવાન ધન્વંતરિનું ખાસ પૂજન-અર્ચન કરી માનવજાતના આરોગ્ય અને કલ્યાણના શુભાશિષ મેળવવામાં આવશે.