શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુતહેવારો
Written By પરૂન શર્મા|

ઉત્તરાયણ

પતંગોસ્તવ...... ઉત્તરાયણ....... ગુજરાતનો લોકપ્રિય તહેવારો

એ... એ... એ... કાપ્યો... છે... ઉત્તરાયણ પર્વ

શ્વેત આકાશમાં ધરતીનાં પ્રેમ પત્ર સ્વરૂપ પતંગોને ઉડાડીને વિવિધ રંગી પતંગોથી આકાશને રંગવાનો અનોખો તહેવાર ઉત્તરાયણ એટલો લોકપ્રિય છે કે હવે ઉત્તરાયણ નિમિતે વૈશ્વિકસ્તરની પતંગ સ્પર્ધાઓ દ્રારા ગુજરાતીઓની સાથેસાથે વિદેશીઓ પણ ગુજરાતમાં વિશાળ સ્તરે તેની ઉજવણી કરે છે.

દર વર્ષની 14મી જાન્યુઆરીએ ગુજરાતીઓ જે આનંદ અને ઉલ્લાસથી ઉત્તરાયણનું પર્વ મનાવે છે તેને જોવાનો લ્‍હાવોતો ગુજરાતમાં આવી ને જ માણી શકાય.

ભારત સહિત વિશ્વમાં આ પર્વ વિવિધ નામો સાથે ઉજવાય છે. ભારતમાં જ ઉત્તરપ્રદેશમાં ખીચડી,મહારાષ્ટ્રમાં તાલ-ગુલ, અસમમાં બિહુ અને આંધ્રપ્રદેશમાં ભોગીના નામે ઉજવાય છે, ધાર્મિક માન્યતાઓ પણ આ પર્વ સાથે એટલી જ ગાઢ રીતે જોડાયેલી છે.

જ્યોતિષ મત અનુસાર પૃથ્વી સૂર્યની આસપાસ જે ગતી પર ફરે છે તેને બાર ભાગોમાં-રાશીઓમાં વિભાજીત કરવામાં આવે છે. પૃથ્વીના આ રાશી પરીવર્તનને "સંક્રાંતિ" કહે છે. આ દિવસે સૂર્ય મકર રાશીમાં પ્રવેશે છે અને એટલે જ આ પર્વ મકરસંક્રાંતિના નામે પણ ઓળખાય છે. ઉપરાંત સૂર્યની ઉત્તર તરફની ગતી થવાથી તે ઉત્તરાયણ કહેવાય છે.

આધુનિક સમયમાં આ પર્વની ઉજવણીમાં પણ આઘુનિકતા આવે તે સ્વાભાવિક છે. એક તરફ વડિલો જ્યારે ધર્મ-અનુષ્ઠાન, જપ-તપ અને દાન કરે છે, તો બીજી તરફ ખાસ કરીનેબાળકો, યુવાવર્ગ અને પરીવારજનો સવારથી જ પતંગો અને માજા લઇને ઘાબે ચઢી જાય છે.

સવારથી જ એક અલગ માહોલ બની જાય છે. અબાલ-વૃધ્ધ સૌ કોઇ પતંગ ચગાવવાનો, પેચ કરીને બીજાનો પતંગ કાપવાનો અને કપાયેલા પતંગ લૂંટવાનો જે આનંદ મળે છે તે અકલ્પનીય હોય છે. તેમાં પણ જ્યારે વધારે પતંગોનો પેચ લડાઇ જાય અને બુમો-ચીચીયારીઓ સાથે ઢીલ આપીને કે દોરી ખેંચીને પતંગ કાપવામાં આવે ત્યારે દરેક વ્યક્તિનો જુસ્સો અને ઉત્સાહ ચરમસીમાએ પહોંચી જાય છે. એ...કાપ્યો..છે.., અરે...ઢીલ તો છોડ..., એ...લપેટ..,જેવા અનેક વાક્યો સંભળાતા રહે છે.

પતંગોની પણ અનેક વેરાઇટી જોવા મળે છે- ફૂદ્દી, ખીયો, ચીલ, ચાંદેદાર, ઘેંસીયો, કાણીયો, કાગડો, ઢાલીયો, પ્લાસ્ટિકીયો, રોકેટ જેવા અનેક પ્રકારોના પતંગો આકાશમાં જોવા મળે છે.

દિવસ દરમ્યાન ખાસ આ પર્વને અનુલક્ષીને તલ, શીંગ,મમરાની ચીકીની સાથે-સાથે લાડુ તથા બોર ખાસ વહેંચવામાં અને જમવામાં આવે છે. આ સિવાય ગુજરાતમાં ઉત્તરાયણ નિમિત્તે ઉંધિયું અને જલેબી પણ ખૂબ ખવાય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સાંજ થવા આવે ત્યારે અલગ જ માહોલ બની જાય છે. લાકો મશાલો જલાવી અને ફટકડા ફોડીને પણ આનંદ વ્યક્ત કરે છે.

હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ એવો તહેવાર છે જે અંગ્રેજી મહિનાની નિશ્વિત તારીખ પ્રમાણે મનાવાય છે. ચૌદમી જાન્યુઆરી બાદ પંદરમી જાન્યુઆરીને વાસી-ઉત્તરાયણ તરીકે મનાવાય છે. પતંગ રસીકો આ દિવસની પણ મન ભરીને ઉજવણી કરે છે.

ગુજરાતમાં પતંગો અને માંજાઓનો કરોડો રૂપીયાનો વેપાર થાય છે. દેશ-વિદેશમાં વસતા અને ગુજરાતીઓ ખાસ ઉત્તરાયણ મનાવવા ગુજરાત આવવાનું ચૂકતા નથી..

ઉલ્લાસ, આનંદ અનેકતામાં એકતાના પ્રતિક જેવા આ ઉત્તરાયણ તહેવારની ગુજરાતીઓ દર વર્ષે આતુરતાપૂર્વક રાહ જુવે છે.