ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુતહેવારો
Written By કલ્યાણી દેશમુખ|

જન્માષ્ટમી

ગુજરાતને આમ તો તહેવારોની નગરી કહેવાય છે માટે તેમાં ઘણાં બધા તહેવારો ઉજવાય છે. અને પ્રત્યેક તહેવાર પોતાનું આગવું મહત્વ ઘરાવે છે. શ્રાવણ માસની કૃષ્‍ણપક્ષની આઠમે આવતો આ તહેવાર ખાસ કરીને બે-ત્રણ દિવસ માટે ઉજવાય છે. પહેલા દિવસે કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. અને દિવસભર ફળ સિવાય કશુ લેતા નથી.

ભગવાન કૃષ્ણના દરેક મંદિરોને ખૂબ સરસ રીતે સજાવવામાં આવે છે, ભગવાન માટે સરસ મઝાનું પારણુ તૈયાર કરવામાં આંવે છે. એવુ લાગે છે કે સાચે જ કોઈ બાળક આવવાનું હોય ! ફૂલોના હાર, ફુગ્ગાઓ વગેરેથી પારણાને સજાવવામાં આવે છે.

સામાન્ય રીતે દરેક ભગવાનના જન્‍મદિવસને મંદિરોમાં ભજન, કિર્તન, આરતી, પ્રસાદ અને લોકો દ્વારા વ્રત કરીને ઉજવવામાં આવે છે. પણ કૃષ્ણ ભગવાનનો જન્‍મદિવસર જ એવો છે કે જે કંઈક અલગ જ ઉજવાય છે તેનુ કારણ છે કે ભગવાન કૃષ્ણએ તેમના બાળપણમાં ઘણી લીલાઓ કરી એટલે આજે પણ લોકોને બાળગોપાલ વઘુ પ્રિય છે. લોકોના ઘરે પણ કનૈયાના બાળપણના રુપના ફોટા કે મૂર્તિ વધુ જોવા મળશે.

બાળકોને આ દિવસ ખૂબ સારો લાગે છે . તેમને એવુ લાગે છે કે ભગવાન પણ આપણી જેમ જ જન્મદિવસ ઉજવે છે. તેથી તેઓ આ દિવસે વિશેષ રુપે ભાગ લે છે. દિવસભર ઉજવણીના ભાગ રૂપે વિવિઘ ધાર્મિક કાર્યક્રમો ચાલે છે. ‍જાહેર માર્ગો પર વિશાળ શોભાયાત્રા નિકળે છે.

ભગવાન કૃષ્ણને માખણ ખૂબ ભાવતું હતુ અને તે હંમેશા માખણ ચોરીને ખાતા હતા. તેથી આ દિવસ મટકી ફોડ તરીકે પણ ઉજવાય છે. આ દિવસે ગલીઓમાં કે શેરીઓમાં ખૂબ ઉચે દહીં અને માખણ ભરેલી મટકી બાંઘવામાં આવે છે. અને યુવકો પોતપોતાના જૂથ બનાવીને તેને તોડવાની કોશિશ કરે છે. આજના આધુનિક યુગમાં દહીં અને માખણની સાથે-સાથે ચોકલેટે પણ જોવા મળે છે.

દિવસભાર ઉજવણી થયા બાદ મધ્યરાત્રીના બાર વાગે મંદિરોમાં ઘંટનાદ સાથે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી' સાંભળવા મળે છે. માખણ અને પંજુરીનો પ્રસાદ વેહેંચાય છે.

બીજા દિવસે લોકો ઉપવાસના પારણા કરે છે એટલે કે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો વ્રત તોડે છે. આ દિવસે નંદ-જશોદાને ઘેર કૃષ્ણ ભગવાનના આગમનથી આખા ગોકુળમા ખુશીથી ઉત્સવ ઉજવાયો હતો. તેથી આ દિવસને પણ અનોખી રીતે ઉજવાય છે.

આમ, જન્માષ્ટમી બાળકો, યુવાનો અને વડીલોનો માનીતો તહેવાર છે.