શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. ગાંધી જયંતિ વિશેષ
Written By જયદીપ કર્ણિક|

ગાંધીજીએ કર્યા ‘ડખ્ખા’ અને જામ રણજીની ટીમને હરાવી!

લગભગ સવાસો વર્ષ પૂર્વે રાજકોટની રાજકુમાર કોલેજમાં રમાયેલી એક ઐતિહાસિક ક્રિકેટ મેચની રોચક દાસ્તાન!
P.R

બે રન બાકી હતા ત્યારે ગાંધીજીએ
રણજીને ‘ડખ્ખા’ કરી આઉટ કર્યા !
રણજીએ પાછળથી ગાંધીજી વિશે શું
કહ્યું ? તેમનો અભિપ્રાય શો હતો?

રણજીની ટીમની ઉપરાઉપરી બીજી ત્રણ વિકેટો પડી ગઇ ! છેલ્લો બેટ્સમેન બિલ રણજી સાથે જોડાયો. હવે બે રન જ કરવાના હતા. બિલે ગાંધી સામે બેટિંગ કરવાનું હતું. એક ઝડપી રન લઇ સ્ટ્રાઇક લેવા માટે રણજીએ વહેલું ‘બેકિંગ અપ’ કર્યુ ને ચતુર બોલરએ, બોલ ફેંકવાને બદલે, નોન સ્ટ્રાઇકર્સ એન્ડનાં ચકલાં ઉડાવી અપીલ કરી, ને રણજી રન આઉટ! અંગ્રેજી અમ્પાયર મેકનોટનનો અભિપ્રાય સ્પષ્ટ હતો કે બોલર નિયમોની મર્યાદામાં રહીને જ વર્ત્યો છે. રણજીની ટીમ હારી! ક્રિકેટના નિયમોની દ્રષ્ટિએ જામ રણજી બેશક આઉટ હતા. પરંતુ ખેલદિલીની દ્રષ્ટિએ જોઇએ તો બોલરએ રમતનો સ્પિરિટ જાળવ્યો ન ગણાય! આજે પણ આવી રીતે બોલરને મોકો મળે તો પણ નોનસ્ટ્રાઇક પરના બેટ્સમેનને એ આઉટ કરતો નથી. પરંતુ અહીં બોલરએ, કાઠિયાવાડીમાં કહીએ તો ‘ફંદા’ કર્યા. અને એ બોલર પણ કોણ! બીજા કોઇ નહીં, ખુદ મોહનદાસ કરમચંદ ગાંધી! રાજકોટના રાજકુમાર કોલેજમાં ૧૮૮૩ આસપાસ રમાયેલી આ મેચમાં ગાંધીજીની ટીમનો રણજીની ટીમ સામે વિજય થયો હતો. મહિલા કોલેજનાં એક મહિલા પ્રોફેસર, ભાવનાબેન ખોયાણીએ રજૂ કરેલા શોધ નિબંધમાં આ બધી વાતો નોંધવામાં આવી છે:

રણજીનું આરંભનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં થયેલું. ત્યાં તેમને એક પારસી કોચ દ્દ્વારા માર્ગદર્શન મળ્યું. ઉપરાંત અહીંના હેડમાસ્તર દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું. અહીં તેમણે જાગૃતિપૂર્વક અને રસથી ક્રિકેટની પ્રેકિટસ કરેલી. અહીં રાજકોટમાં ૧૮૮૩ થી ૧૮૮૭ વચ્ચે એક વિરલ ઘટના બની. એમ.કે. ગાંધી અને કે.એસ. રણજિતસિંહજી, ભારતમાતાના ભિન્ન ભિન્ન ક્ષેત્રના બે સપુતો અહીં એક મેચમાં સામસામે આવી ગયા. છેક ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા તેમજ ભારતમાં સત્યાગ્રહી તરીકે જાણીતા થઇ ગયા પછી, રણજી પોતાના મિત્ર ચાર્લીને ગાંધીજી વિશે લખે છેઃ ‘વિશ્વ ક્રિકેટના રાજકુમાર રણજી’ (પ્રવિણ પ્રકાશન, પાના નં.૯) પુસ્તકમાં જામ રણજીનો ગાંધી વિશેનો અભિપ્રાય પ્રકાશિત થયો છેઃ તેમાં તેઓ લખે છે કે, ‘હા, આ એમ.કે. ગાંધી જ (જેણે અત્યારે સમગ્ર ભારત વતી અંગ્રેજો સામે જંગ માંડ્યો છે તે) ત્યારે રાજકોટની શાળાના ગોલંદાજ ને સુકાની હતા.
મેચને દિવસે ઠંડી સારી હતી પરંતુ પિચ કઠણ, ધુળભરેલી ને રાજકોટની શાળાના સુકાનીની બોલીંગ માટે અનુકૂળ હતી. તે (ગોલંદાજ અને સુકાની) દીવાનનો પુત્ર હતો, જ્ઞાતીએ વાણિયો હતો ને તેનું નામ એમ. કે. ગાંધી હતું. તે મૃદુભાષી હતો ને અંગ્રેજી કડકડાટ બોલતો હતો.’

વધુ આગળ


P.R
ગાંધીજીની ટીમે પ્રથમ દાવ લઇ ૧૬૮ રન કર્યા. તેમાં ગાંધીજીનો ફાળો પાંચ રનનો હતો પછી રણજીની ટીમનો દાવ આવ્યો. રણજી પોતાના મિત્રને લખે છેઃ ‘મેં લગભગ ચારેક રન કર્યા હતા. અમારી ચાર જ વિકેટો બાકી હતી. સ્પષ્ટ હતું કે મારો સૌથી જોખમી પ્રતિસ્પર્ધી ગાંધી હતો. તેના ધીમા લેગબેક બોલથી એ વિકેટ પર રમવાનું મુશ્કેલ બની ગયું હતું.’

ગાંધીજીના કાર્યક્ષેત્રને તેમજ તેમના જીવનના તત્ત્વજ્ઞાનને ને ક્રિકેટને બે ધ્રુવો જેટલું અંતર. આમ છતાં એ ભિન્ન ક્ષેત્રમાં કિશોરવયે ગાંધીજીએ પોતાની નિર્ણયશકિત, તજજ્ઞતા ને ક્ષમતા થકી રણજી જેવાની પ્રશંસા મેળવી છે તે નોંધપાત્ર છે. રણજી લખે છે, ‘અમને તેમની તાકાતનો ડર નહોતો. બધા વાણિયાબ્રાહ્મણ જ હતા, પણ તેઓ ચાલાક હતા.’ ગાંધીજીની એ ચાલાકીનો પરિચય પછીથી જગતના પ્રખર મુત્સદ્દીઓને પણ થવાનો હતો. આ આખી ઘટના એ બંને મહાનુભાવોના વ્યકિતત્વમાં નવું, રસપ્રદ ને સંતોષપ્રદ પરિણામ ઉમેરે છે.

પોતાના વિદ્યાર્થીકાળમાં ગાંધીજી કેવી પ્રવૃત્તિ કરતા અને તેમનો શોખ શું હતો? તેની ઘણી માહિતી ઓછી જાણીતી રહી છે. પણ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલના ગાંધીજીના સ્હાધ્યાયી. જેઓ પાછળથી આલ્ફ્રેડ હાઇસ્કૂલના હેડમાસ્ટર થઇને નિવૃત્ત થયા હતા, તે એ વખતના શિક્ષણ શાસ્ત્રી રતિલાલ ઘેલાભાઇ મહેતાએ જાણીતા પત્રકાર હરિશ બૂચને આપેલી એક મુલાકાતમાં ગાંધીજી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. રતિલાલ મહેતાએ બાપુના ઓછા જાણીતા પાસા તેમના ક્રિકેટ પ્રેમ અંગે કહ્યું કે, ગાંધીજી બહુ સારા ક્રિકેટર હતા અને શાળાના વિદ્યાર્થી તરીકે તેઓને ક્રિકેટમાં ઉંડો રસ હતો. એ બહુ જાણીતી વાત નથી.

રતિભાઇએ જૂના સ્મરણો તાજા કરતા કહ્યું હતું કે અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા હતા અને ગાંધીજીની બેટિંગ અને બોલીંગ બંને સારા હતા. જો કે શાળામાં વ્યાયામ તરફ ગાંધીજીને બહુ રૂચિ નહોતી આ વાત તેમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખી છે. રતિભાઇ મહેતાએ બહુ જાણીતી નથી એવી વાત એક રમુજી શૈલીમાં કરી છે કે, ગાંધીજી એક વખત વિદ્યાર્થી તરીકે બહુ તેજસ્વી નહોતા અને તેમનો સ્વભાવ મળતાવડો ન હતો. થોડા ઓછા બોલા સ્વભાવના હતા. મસ્તીખોર છોકરાઓની સંગતથી તે દૂર રહેતા. વિદ્યાર્થીકાળમાં ગાંધીજીને કેવો શોખ હતા એ પણ જાણવા જેવું છે. શાળાના મિત્રો સાથે ગાંધીજી પત્તા રમતા. ગાંધીજીને વિદ્યાર્થીકાળમાં સંગીતનો પણ શોખ હતો. કોઇ વખત તેમના જોડીદારનું વાયોલીન વગાડવા બેસી જતા. તેઓ શાળામાં અંગરખું અને ધોતીયું પહેરતા અને સાથે ભરત ભરેલી ટોપી પહેરતા હતા. જે આઠ આનામાં મળતી હતી.

ઈંગ્લેન્ડની એક ટીમ ગાંધીજીને મળવા ગઇ. આ ટીમે ત્યારે એક બેટ ગાંધીજીને ભેટ આપ્યું હતું. આ બેટમાં ગાંધીજી બારમાં ખેલાડી તરીકે પોતાનો ઓટોગ્રાફ કરી આપ્યો. આમ તો એ વખતે તેઓ અંગ્રેજી સલ્તનતને ભારતના ‘દુશ્મન’ ગણતા. છતાં અંગ્રેજ ખેલાડીઓ સાથે ગાંધીજીએ કેવી ખેલદીલી બતાવી હતી. ગાંધીજી ભણતા ત્યારે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં હેડમાસ્ટર તરીકે દોરાબજી એદલજી જીમી હતા. ગાંધીજી ૧૮૮૮માં ઈંગ્લેન્ડ ગયા ત્યારે જીમી સાહેબે શાળામાં નોંધ મૂકી કે આપણા ગામના તેજસ્વી વિદ્યાર્થી મોહનદાસ ક. ગાંધી ઈંગ્લેન્ડ બેરીસ્ટર થવા જાય છે.