શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 એપ્રિલ 2014 (11:35 IST)

મતદાન જેટલું વધારે થાય તેટલો ભાજપને ફાયદો

લોકસભા ચૂંટણીમાં મતદાનના છ તબક્કા પૂર્ણ થયા પછી મોદીની બદલાયેલી બોડી લેંગ્વેજથી એનડીએની સરકાર રચાશે તેમ બુકીઓને લાગી રહ્યું છે. આવી બારીકાઈથી ચૂંટણી પ્રક્રિયાને ઓબ્ઝર્વ કરતાં બુકીઓ કહે છે કે, ગુજરાતમાં મતદાન વધે તો ભાજપની બેઠકો વધશે. આમ છતાં, બુકીઓ ગુજરાતમાં ભાજપને ૨૦-૨૨ બેઠક મળવાની ગણતરી રાખે છે.

લોકસભાની રસપ્રદ બની રહેલી ચૂંટણીના સટ્ટા સાથે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના સટ્ટાના બબ્બે લાડવા બુકીઓના હાથમાં છે. જો કે, બુકીબજાર કહે છે કે વર્ષ ૨૦૦૯માં પણ ક્રિકેટ ટૂર્નામેન્ટ હતી ત્યારે ચૂંટણી સટ્ટો બુક થતો હતો તેના પ્રમાણમાં આ વખતે પ્રમાણ ઓછું છે. ગુજરાતમાંથી ૧૫૦૦ કરોડથી વધુનો સટ્ટો બુક થવાની ધારણા હતી તે હજુ સુધીમાં માંડ ૧૦૦૦ કરોડે પહોંચ્યું છે. જો કે, આખરી ત્રણ દિવસોમાં સટ્ટાનું પ્રમાણ વધવાની ધારણા બુકીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

બુકીબજારના સૂત્રો ચર્ચે છે કે, પ્રથમ છ તબક્કામાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે તે ભાજપ માટે ફાયદારૂપ થઈ શકે છે. આથી જ, બુકીબજાર હવે ભાજપને ૨૩૫-૨૪૦ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરે છે. છ તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બોડી લેંગ્વેજમાં આવેલા બદલાવને બુકીબજાર નોંધપાત્ર ગણાવે છે. સૂત્રો કહે છે કે, ભાજપની બેઠકોમાં નોંધપાત્ર ઉછાળો આવશે અને એનડીએની સરકાર બનશે તેવો વિશ્વાસ મોદીના ભાષણની ભાષાશૈલીમાં જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૧૫ બેઠકો મેળવી ત્યારે ૪૭.૯૦ ટકા મતદાન થયું હતું. જોગાનુજોગ એ વખતે પણ ૩૦ એપ્રિલે મતદાન યોજાયું હતું અને કાળઝાળ ગરમી હતી. દેશમાં ભારે મતદાનના ટ્રેન્ડથી વિપરીત મુંબઈગરાઓએ ઓછું મતદાન કરી ભાજપને ચોંકાવી દીધું હતું. આથી જ, મોદી અને ભાજપે ગુજરાતમાં મતદાન વધે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ગુજરાતમાં મતદાનની ટકાવારી વધશે તો ભાજપની બેઠકો વધી શકે છે. બુકીબજાર હાલમાં ભાજપને ગત લોકસભા ચૂંટણી કરતાં ૫-૭ વધુ એટલે કે ૨૦-૨૨ બેઠકો મળશે તેવી ધારણા વ્યક્ત કરે છે. બુકીઓના મતે ગુજરાતમાં મતદાનની ટકાવારી ૬૦ ટકાથી વધી શકે છે. આમ છતાં, મતદારોનો મિજાજ કળી શકાય તેવો નથી તેવી દ્વિધા વચ્ચે બુકીબજારની નજર ગુજરાતમાં યોજાનાર મતદાન ઉપર છે.

મોટાભાગના બુકીઓને ચૂંટણી કરતાં આઈ.પી.એલ.ના સટ્ટામાં વધુ રસ છે. સૂત્રો કહે છે કે, આ વર્ષે આઈ.પી.એલ.માં સટ્ટાનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. માત્ર ત્રણ કલાકમાં ફેંસલો થતો હોવાથી અને સેસનના સોદાનું પ્રમાણ વધવાથી ચૂંટણીના સટ્ટાને થોડી અસર પહોંચી છે. આઈ.પી.એલ.ના કારણે ચૂંટણીનો સટ્ટો થોડો મંદો ચાલી રહ્યો છે.

રાજકોટ, મહેસાણા અને જામનગરમાં ભર્યું નાળિયેર ભાજપના મતે ગુજરાતમાં ચૂંટણી 'વન સાઈડેડ' છે. બુકીબજાર કહે છે કે, ભાજપની અને કોંગ્રેસની નિશ્ચિત ગણાતી બેઠકો ઉપર સટ્ટો લેવાનું બુકીઓ ટાળે છે. ખોટનો ધંધો કરવાના બદલે બુકીઓએ ક્રિકેટ સટ્ટા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ છતાં, રાજકોટ, મહેસાણા અને જામનગર જેવી રસાકસીભરી બેઠકો ઉપર મોટા પ્રમાણમાં સટ્ટો બુક થઈ રહ્યો છે.

જામનગરમાં માડમ 'કાકા-ભત્રીજી' વચ્ચે લડાઈ છે. રાજકોટમાં કોંગ્રેસના બાવળિયાના ગઢ જસદણ-વિંછીયા સામે ભાજપના કુંડારિયાના પડધરી-ટંકારા વિસ્તારની ટક્કરથી રાજકોટ, ગોંડલ સહિતના શહેરી વિસ્તારોના મતદાન ઉપર પરિણામ આધારિત રહેશે તેમ મનાય છે. તો, મહેસાણામાં કોંગ્રેસના અનુભવી નેતા સામે ભાજપના મહિલા ઉમેદવારની ટક્કર રસપ્રદ ગણાવાય છે. બુકીઓ કહે છે કે, આ ત્રણ બેઠકો ઉપર બન્ને પક્ષના ઉમેદવાર કસોકસ ચાલી રહ્યાં છે અને છેવટ સુધી ભર્યા નાળિયેર જેવી સ્થિતિ છે.