શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2017 (13:33 IST)

વડોદરામાં સરકારી કર્મચારીઓના 900થી વધુ મતો અમાન્ય, તાલીમ હોવા છતાં ભૂલો કરી

વડોદરા શહેર-જિલ્લાની દસ વિધાનસભા બેઠકો પર ગઇકાલે થયેલી મતગણતરી દરમિયાન ૯૫૫ જેટલા મતો રીજેક્ટ કરવામાં આવ્યા હતાં. મહત્વની બાબત એ છે કે અમાન્ય ઠરેલા આ મતો ચૂંટણીની મહત્વની કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલુ મતદાન છે. મતદારયાદીમાં નોંધાયેલા હોય તેવા જાહેર નાગરિકો જેઓ ઘર નજીક આવેલા બુથ પર જઇને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોય તેવા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિદ્યા આપવામાં આવે છે. દરેક વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા પોસ્ટલ બેલેટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૃરી બેલેટ પેપર પણ પુરા પડાય છે. પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનના નિયમ મુજબ જે દિવસે મતગણતરી હોય તે દિવસે સવારે આઠ વાગે પોસ્ટ દ્વારા આવેલા તમામ મતોને માન્ય ગણવામાં આવે છે જેથી ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી દરમિયાન હાથ ધરાયેલી આ મતોની ગણતરીમાં બેલેટ પેપર અથવા એકરાર પત્ર ના હોય તેવા વિવિધ કારણોસર પોસ્ટલ બેલેટને નામંજુર કરવામાં આવતા હોય છે. સરકારી કર્મચારીઓ દ્વારા થતી ભુલો જોઇ ચૂંટણી અધિકારી પણ આશ્ચર્ચમાં મુકાઇ જતા હોય છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકારી કર્મચારીઓ માટેના વોટિંગ માટે તાલીમ પણ રાખવામાં આવી હતી તેમજ વડોદરામાં ત્રણ સ્થળે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર, છાણી પોલીસ હેડક્વાર્ટર અને દરેક મામલતદાર ઓફિસમાં ખાસ બુથ તૈયાર કરવામાં આવ્યા હતા અને મતદાન માટે આવનારા કર્મચારીઓએ મતદાન કેવી રીતે કરવુ તે અંગે સમજાવવામાં પણ આવતા હતા તેમ છતા મતદાન માટે અનેક ભુલો કરવામાં આવી હતી અને તેના કારણે આ મત અમાન્ય ઠરતા હતાં. પાદરા બેઠક પર આર્મીના જવાનના ચાર સર્વિસ વોટર્સના મત આવ્યા હતા પરંતુ તેમા અધુરા પુરાવાના કારણે ચારેયના મત અમાન્ય ઠર્યા હતાં.