શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 23 જૂન 2017 (12:50 IST)

દિલ્હીના નેતાઓની અનિર્ણયાકતાથી ‘આપ’ હવે ચૂંટણી નહીં લડે તેવા સંદેશા વાઇરલ-કાર્યકરો નારાજ

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવા સંદેશા દિલ્હીથી વાઇરલ થતા રાજયભરના આપના કાર્યકરોમાં પક્ષના આવા વલણ સામે ભારે નારાજગીની લાગણી ઊભી થવા પામી હતી. જો કે આપના પ્રવક્તા દ્વારા આવો કોઇ નિર્ણય હજુ સુધી લેવાયો નહીં હોવાનું અને તે માટે બેઠક મળી નહીં હોવાનો દાવો કરાયો છે. પાર્ટીના રાજયના નેતાઓ દ્વારા સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિતના અગ્રણીઓને ગુજરાતમાં ચૂંટણી લડવા અંગેની તૈયારીનો રિપોર્ટ સુપરત કરાયાને પખવાડિયા જેટલો સમય થઇ ગયો હોવા છતાં પાર્ટી હજુ સુધી સ્પષ્ટ નિર્ણય લઇ શકી નથી.

તેની વચ્ચે દિલ્હીથી પહેલા આપ ગુજરાતમાં પસંદગીની બેઠકો પર ચૂંટણી લડશે તેવી વિગતો બહાર આવી હતી જયારે હવે આપના નેતાઓ વધુ એક હારના ડરથી અત્યારથી ચૂંટણી લડવાના મૂડમાં નથી તેવો નિર્ણય લઇ રહ્યા હોવાની માહિતી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. જેની સામે આપના કાર્યકરો નારાજ થવા સાથે અનેક છેડો ફાડવાની તૈયારી કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે આપના પ્રવક્તા હર્ષિલ નાયકને આ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, હજુ સુધી દિલ્હીમાં ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિર્ણય લેતી પાર્લામેન્ટરી અફેર્સ કમિટીની બેઠક મળી નથી અને પક્ષ ચૂંટણી લડશે કે નહીં તેની સત્તાવાર રીતે કોઇ જાણ કરવામાં આવી નથી.