શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2016 (12:11 IST)

સાબરકાંઠામાં સાતમી સદીથી અડીખમ ઉભેલું પક્ષી મંદિર ધીરે ધીરે નાશ પામી રહ્યું છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતરે રોડા ગામ આવેલું છે. રોડા ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરો આવેલા છે. સાત મંદિરોનો સમૂહ ધરાવતું આ પ્રાચીન સ્થાપત્યમાં પૂર્વ ચાલુક્ય શૈલીની કલા- કારીગરી જોવા મળે છે. આ મંદિરો રોડાના મંદિર તરીકે ઓળખાય છે.મહત્ત્વની વાત એ છે કે આ મંદિરમાં સુશોભન કરેલી ધાતુઓની તકિતમાં દેવ- દેવી કે સંત- મહાત્માની જગ્યાએ પ્રાણીઓ અને પક્ષીઓના આકાર કોતરેલા છે. તેથી આ મંદિર પશુ- પક્ષીના મંદિર તરીકે ઓળખાય છે. અને ભારતમાં આ એક માત્ર પશુ- પક્ષીઓનું મંદિર છે.

આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉફર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે મંદિરની અંદર દેવ- દેવતા અથવા સંત મહાત્માની મૂર્તિઓ હોય છે, પરંતુ આ મંદિરમાં પશુ- પક્ષીઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ અંગે હિંમતનગરના હરીશ પરમાર કહે છે કે, સાતમી સદીમાં બનેલા આ પક્ષી મંદિરો આપણને રાજા- રજવાડાઓના પક્ષી પ્રેમની યાદ અપાવે છે, પરંતુ આજની પેઢીને આવા અલભ્ય સ્થાપત્યો પ્રત્યે જાગૃત કરવી ખૂબ જ જરૃરી છે.આ સાત મંદિરોના સમૂહમાંથી બે મંદિરો સમયની સાથે નાશ પામ્યા છે.

મંદિરની અંદરની કેટલીક પ્રતિમાઓ પણ આજે હયાત નથી. આ મંદિરો એ વાતની સાક્ષી આપે છે કે આજે પશુ- પક્ષીઓને બચાવવા માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પડે છે. ત્યારે નવમી સદીમાં લોકો દેવી- દેવતાની સાથે સાથે પશુ- પક્ષીઓની પણ પૂજા કરતા હતા.આ મંદિરની આસપાસ અસંખ્ય વૃક્ષો આવેલા છે. જેના પર આજે પણ હજારો પક્ષીઓ વાસ કરે છે. મંદિર તથા મંદિરની આજુબાજુનું વાતાવરણ આજે પણ પક્ષીમય બની જાય છે. આ મંદિરો પૈકી સૌથી જૂનું મંદિર અદ્વિતિય અને અજોડ સ્થાપત્ય શૈલી ધરાવે છે.૧૪૦૦ વર્ષ જુનું આ પક્ષી મંદિર હવે ધીરે ધીરે નાશ પામી રહ્યું છે. દેશ- વિદેશથી આવતા અનેક પર્યટકો આજે પણ આ પક્ષી મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી.