શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By

અક્ષરધામ

\

અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી.

આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.

અક્ષરધામ’ સાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.
  P.R

વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મુકેલા છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં કરવામાં આવેલ છે. અત્યાર સુધી આ મંદિરની મુલાકાત લાખો શ્રધ્ધાળુઓ લઈ ચુક્યા છે. પીકનીક માટે ખુબ જ ઉત્તમ સ્થળ છે. અહીં સારૂ એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે જેની અંદર આખો દિવસ આરામથી પસાર થઈ શકે છે.

અહીં પહોચવા માટે સૌથી નજીકનું હવાઈમથક અમદાવાદ છે. ગાંધીનગર અને અમદાવાદથી ઘણી રેલ્વે છે તો રેલ્વે દ્વારા પણ જઈ શકાય છે. વળી અહીં જવા માટે બસની પણ સારી એવી વ્યવસ્થા છે.