શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

સાડીઓ માટે જાણીતુ શહેર સુરત

P.R

ગુજરાતની અંદર આવેલ સુરત આખા ભારતભરમાં સાડીઓ માટે ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ માટે પણ તે જાણીતું છે. સુરતની અંદર સાડીઓનાં હજારો કારખાનાં આવેલ છે જ્યાંથી આખા ભારત અને વિદેશમાં પણ સાડીઓ જાય છે. આ ઉપરાંત સુરત ખાણીપીણી માટે ખુબ જ શોખીન શહેર હોવાથી ત્યાં ઘણી અલગ અલગ વેરાયટી પણ મળે છે અને ખાસ કરીને ઘારી, લોચો, પોંખ વગેરે માટે તો તે ખુબ જ પ્રખ્યાત થયેલ છે.

સુરત ગુજરાતમાં દક્ષિણ ભાગે આવેલું છે અને તાપી નદીને કિનારે આવેલું હોવાથી તેની રમણીયતા ખુબ જ સુંદર છે. સત્તરમી અને અઢારમી સદીની અંદર સુરત ખુબ જ સમૃધ્ધ બંદર હતું. મહાકવિ નર્મદનો જન્મ સુરતની અંદર થયો હતો.

1930માં ગાંધીજી દ્વારા કરાયેલી દાંડીયાત્રાને લીધે તેણે નકશાની અંદર સ્થાન મળી ગયું હતું. દરિયાકિનારે આવેલ દાંડી અત્યારે પણ મીઠાના ઉત્પાદન માટે મહત્વનું કેન્દ્ર છે.

આ સિવાય સુરતની અંદર ચૌદમી સદીમાં બંધાયેલ જૂનો કિલ્લો પણ આવેલ છે જે મહમંદ તઘલક દ્વારા બંધાવડાયો હતો.
P.R

સુરતથી માત્ર 17 કિ.મી.ના અંતરે આવેલ દરિયાકિનારો જે ડુમ્મસના નામથી ઓળખાય છે તે પણ પ્રવાસન માટેનું સ્થળ છે. આ ઉપરાંત ઉભરાટ સુરતથી 42 કિ.મી.ના અંતરે આવેલ છે અને ત્યાં પણ સુંદર દરિયાકિનારો છે જે પ્રવાસીઓને આકર્ષે છે.

સુરતથી 94 કિ.મી. દૂર ઉકાઈયોજના આવેલ છે જે ગુજરાતનો મહત્વનો બહુહેતુક સિંચાઈ એકમ છે.

આ ઉપરાંત ગોપીપુરા જે સંત ગોપીના નામ પરથી પડ્યું છે તે વિસ્તારની અંદર કોતરણી ધરાવતી ખુબ જ સુંદર હવેલીઓ છે.

હજીરા સુરતથી માત્ર 28 કિ.મી.ને અંતરે આવેલ છે. આ સ્થળ ભારતના મહત્વના ઔદ્યોગીક વસાહતોમાંનું એક છે. તીથલ સુરતથી 108 કિ.મી.ના અંતરે આવેલ છે જ્યાં ખુબ જ સુંદર દરિયાકિનારો આવેલ છે. અહીંયા પ્રવાસીઓને રોકાવા માટેની સારી એવી વ્યવસ્થા પણ છે.

આ ઉપરાંત સુરતનું કાપડ બજાર ખુબ જ પ્રખ્યાત છે જે વ્યાપાર માટે મહત્વનું કેન્દ્ર છે.