ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત ગૌરવ દિવસ
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2015 (12:54 IST)

ગુજરાત ગૌરવ દિવસ પર આવો સાથે મળીને એક સ્વપ્ન સેવીએ: લેટ્સ હેવ અ ડ્રીમ ટુડે

પ્રિય મિત્રો,

ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા સૌ ગુર્જરબંધુઓને આજે રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિન’ની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેનો દરજ્જો અપાવનાર સંતસમાન દૂરંદેશી મહાપુરુષોને અને રાજ્યની સ્થાપના માટે પોતાના જાન ન્યોચ્છાવર કરનાર સપૂતોને હું વંદન કરું છું.
 
આજના સૂર્યોદયે શાંતિથી બેસીને વીતેલા વર્ષો પર નજર કરી તો અનેક સારી-નરસી ઘટનાઓની યાદ તાજી થઈ ગઈ. એક બાજુ ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના સુખદ સ્મરણો છે, નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યું પછી ગુજરાતે તેજ ગતિથી કરેલા સર્વાંગી વિકાસનો હરખ છે, જ્યારે બીજી બાજુ દુકાળ, પૂર અને ધરતીકંપની ઘટનાઓની મન ધ્રુજાવતી યાદો છે. પણ એક વાત તો કહેવી પડે કે હરખ અને શોકની આ ઘટમાળની વચ્ચે ગુજરાતીઓએ કાયમ પોતાનું ખમીર ટકાવી રાખ્યું છે, અને વિકાસ સાથેનો પોતાનો નાતો જાળવી રાખ્યો છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સામર્થ્યથી જે સતત દૈદિપ્યમાન બની રહી છે એ ગુજરાતી અસ્મિતાને આજે હું સલામ કરું છું.
 
મિત્રો, આવો આજે ‘ગુજરાત ગૌરવ દિવસ’ના અવસરે આપણે સૌ સાથે મળીને રાજ્યના વિકાસ માટેનું એક સ્વપ્ન સેવીએ. આ ‘વિકાસ’ શબ્દની પાછળ અત્યારે આખી દુનિયા પડી છે. સામાન્ય રીતે જ્યારે આપણે વિકાસ અંગે વિચારીએ ત્યારે વિદેશો ભણી જ નજર દોડાવતા હોઈએ છીએ. પણ હું કહીશ કે આપણા સ્વપ્નમાં આપણી માટીની સોડમ ભળેલી હોવી જોઈએ. આપણું સ્વપ્ન ફોરેનથી ઈમ્પોર્ટ કરેલું ન હોવું જોઈએ.
 
આપણા નગરો અને ગામડાઓને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી સજ્જ કરવાની દિશામાં ગુજરાત સરકાર ભગીરથ પ્રયાસ કરી રહી છે. ‘સ્માર્ટ સીટીઝ’ના નિર્માણનો એક નવો આયામ રાજ્ય અને કેન્દ્ર સરકારે અપનાવ્યો છે. વિકસિત દેશોના નાગરિકોને મળે છે તેવી તમામ ભૌતિક સગવડો આપણે પણ વિકસાવવી છે, આપણા ગામ અને નગરોને આપણે પણ એવા જ સુંદર બનાવવા છે.
 
પણ…પણ…પણ… શું માત્ર ઈંટ-ચૂનાથી બનેલી ગગનચૂંબી ઈમારતો કે માણસના હાથમાં રહેલા આધુનિક ગેજેટ્સને જ વિકાસનું પરિમાણ ગણી શકાય?
 
કામધંધે જતી વખતે વૃધ્ધ માતાપિતાને પગે લાગીને નીકળતો દીકરો, પાડોશીના સુખદુ:ખને પોતાના સુખદુ:ખ માનીને એક પરિવારની જેમ રહેતા લોકો, ધોમધખતા તાપમાં મુસાફરો માટે રસ્તા પર બનાવેલી પરબો, એક પણ પૈસો લીધા વિના માત્ર સેવાભાવથી ચાલતા અન્નક્ષેત્રો, મંદિરનો પ્રસાદ, ભક્તિભાવથી યોજાતા ઉત્સવો, મેળાઓ… આ બધી વાતો આપણી પોતીકી છે. વિકાસની દોડમાં આપણા આ માનવીય મૂલ્યો ભૂલાઈ જાય એ આપણને ન પાલવે.
 
જ્યાંની આધુનિકતામાં નૈતિકતાનો આધાર હોય, બૌધ્ધિકતામાં સંવેદનાનો સ્પર્શ હોય, સમૃધ્ધિમાં સંસ્કારોની સોડમ હોય, જ્યાંની શાંતિ સોહાર્દપૂર્ણ અને વિકાસ સાતત્યપૂર્ણ હોય તેવા માનવ સંસ્કૃતિના મોડલરૂપ વૈશ્વિક ગુજરાતનું નિર્માણ આપણે કરવું છે.
 
છેલ્લા ૨૦૦૦ વર્ષની ગુલામીમાં આપણે આપણી પોતાની ચીજોની કદર કરવાનું ભૂલી ગયા છીએ. આપણો યોગ ‘યોગા’ બનીને પાછો આવે ત્યારે જ આપણે તેને સ્વીકારીએ છીએ. હવે જરૂર છે કે આપણે માનસિક રીતે સ્વાવલંબી બનીએ. આપણને કેવા મકાન, કેવા રસ્તા, કેવા ગામ, કેવા શહેર, કેવી ટેક્નોલોજી, કેવા કપડા, કેવા ઉદ્યોગ જોઈએ છે તેનો વિચાર આપણે જાતે કરીએ.
 
આપણી કલા, આપણા ઉત્સવો, આપણી રમતોને એવો નિખાર આપીએ કે દુનિયા તેને અપનાવવા ઘેલી થાય. આપણી ટેક્નોલોજી સ્થાનિક જરૂરિયાતો અનુરૂપ કોઠાસૂઝથી બનેલી અને ટકાઉ હોય, આપણા સ્થાપત્યો સુંદર અને ભવ્ય હોવાની સાથે પ્રાકૃતિક તત્વોનું સંતુલન પણ જાળવતા હોય… આપણે ત્યાં સુવિધા હોય, સમૃધ્ધિ હોય અને એને ભોગવવા માટે સ્વાથ્ય અને ફુરસદ પણ હોય… શું આમ ન હોવું જોઈએ?
 
પશ્ચિમે કરેલી ભૌતિક પ્રગતિ ખરેખર અદભુત છે, જ્યારે સામાજિક ઢાંચો અને મૂલ્યો આપણા વધુ મજબૂત છે. પશ્ચિમની ટેક્નોલોજીકલ સહાય, તેમની શિસ્ત, મહેનત અને સ્વચ્છતાના ગુણો આપણે લેવાના છે, અને તેમાં આપણા સંસ્કાર, સામાજિકતા અને સમજણ ઉમેરવાના છે. પશ્ચિમના સાયન્સ અને પૂર્વની સંસ્કૃતિનો સંગમ આપણે ગુજરાતમાં કરવો છે.
 
મારું આ સ્વપ્ન છે. મારું ચોક્કસ માનવું છે કે ઋષિમુનિઓના સંતાન એવા આપણા લોકો ખરેખર આ આવા સ્વપ્નને સિધ્ધ કરી શકવા સક્ષમ છે.
 
અમેરિકાની યાત્રાએ ગયેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રમુખ ઓબામા સાથે જેના સ્મારક પર જઈને શ્રધ્ધાંજલિ પાઠવવા વિશેષ સમય ફાળવ્યો હતો એ માર્ટિન લ્યુથર કિંગે આજથી ૫૦ વર્ષ પહેલા એક અદભુત વક્તવ્ય આપેલું, જેમાં તેમણે પોતે કેવું અમેરિકા જોવા ઈચ્છે છે તેની વાત કરી હતી. “ I have a dream today” – તરીકે જાણીતા આ વક્તવ્યએ અમેરિકન પ્રજા સહિત આખી દુનિયાના લોકોના હ્રદય હચમચાવી દીધા. પોતાના દેશ-પ્રદેશ માટે લોકોએ સેવેલા સ્વપ્નની તાકાત શું હોય એનો ખ્યાલ દુનિયાને આ વક્તવ્ય પછી આવ્યો.
 
તો આજે ‘ગુજરાત ગૌરવ દિવસ’ના અવસરે આવો આપણે પણ સાથે મળીને દિવ્ય અને ભવ્ય ગુજરાતના વિકાસનું એક સ્વપ્ન સેવીએ, અને પછી રોજેરોજ આ સ્વપ્નને હળવેકથી માવજત આપતા રહીએ. લેટ્સ હેવ અ ડ્રીમ ટુડે.
 
આપની આનંદીબેન