ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ન્યુઝ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (17:14 IST)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એકસરસાઇઝનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના અખાતમાં મુન્દ્રા નજીક હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુસન રીસ્પોન્સ એકસરસાઇઝનું નિરીક્ષણ કર્યું હતું. ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતની વ્યુહાત્મકતા ધ્યાને લઇને કોસ્ટગાર્ડ દ્વારા પ્રથમવાર આ કેસરસાઇઝ ગુજરાતમાં યોજવામાં આવી છે.

વિજયભાઇ રૂપાણીએ આ એકસરસાઇઝ દ્વારા સમુદ્રના પાણીમાં પ્રસરતું આોઇલ અને અન્ય પ્રદૂષકો દૂર કરવાની સાથે જો કોઇ દુર્ઘટના આના પરિણાામે સર્જાય તો તેને કઇ રીતે રોકી શકાય તે માટેની સમગ્ર પ્રક્રિયાનું બે કલાકથી વધુ સમય ચાલેલી આ એકસરસાઇઝ દરમિયાન રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ત્યારબાદ માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને ગંદકી મુક્ત કરવા ઉપાડેલા જનઆંદોલન સ્વચ્છ ભારતની જેમ જ તટરક્ષક દળે સ્વચ્છ સાગર માટે આ મહાઅભિયાન ઉપાડયું છે. તેમાં તટરક્ષક દળને પૂરો સહયોગ આપીશું. મુખ્યમંત્રીશ્રીએ સામુદ્રીક જૈવિક સંપદાના રક્ષણ તથા સાગર સીમા સાચવવાના દાયીત્વમાં ભારતીય તળરક્ષકની જે અહંંમ ભૂમિકા રહી છે તેની પણ પ્રસંશા કરી હતી.

તેમણે ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા કામોની વિગતો પણ રજૂ કરી હતી અને ગુજરાતના પોર્ટના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ એક્સરસાઈઝમાં નેવી, એરફોર્સ સમેત સેનાના ૨૫૦થી વધુ જવાનોએ ભાગ લીધો હતો અને અકસ્માતે દરિયામાં ઓઇલ પ્રસરવા દરમિયાન એને કેવી રીતે રોકી શકાય તેનું નિદર્શન કર્યું હતું. 

૭૩૦૦ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલા કચ્છના અખાતમાં કંડલા, મુન્દ્રા જેવા બંદરો આવેલા છે, જ્યાંથી ભારતના કુલ આયાતના ૭૪ ટકા કાચાતેલની આયાત થાય છે. ભારતના કૂલ ૨૭ સિંગલ મૂરિંગ પોઇન્ટ પૈકી ૧૧ માત્ર કચ્છના અખાતમાં છે અને વળી, રિલાયન્સ તથા એસ્સાર કંપનીની રિફાયનરી કચ્છના અખાતમાં જ કાર્યરત છે. એથી અહીં આયાત તથા કાચા તેલની આયાત મોટા પ્રમાણમાં રહે છે.

 કચ્છના અખાતમાં મેન્ગ્રુવ અને પરવાળાના બેટ પણ આવેલા છે. જે જૈવિક સંપદાનો એક ભાગ છે. આ જૈવિક વિવિધતાને દરિયાઇ પ્રદૂષણના કારણે નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા માટે ભારતીય તટરક્ષક દળને નોડેલ એજેન્સી નિયુક્ત કરવામાં આવી છે. ભારતીય જળ સીમામાં માલવાહક જહાજમાં અકસ્માતના કારણે ઓઇલ પ્રસરવાની શક્યતા વધુ રહે છે.

આવા સંજોગોમાં પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય એની કવાયત કોસ્ટ ગાર્ડ દ્વારા છેલ્લા ૬ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ વખતે કચ્છના અખાતમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા પોર્ટ નજીક સ્વચ્છ સાગર અભિયાન હેઠળ હાથ ધરવામાં આવેલી નેશનલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઈઝ, નેટપોલરેક્ષ-૬ કવાયતમાં બે પોલ્યુશન કન્ટ્રોલ વેસેલ, બે ઓફ શોર પેટ્રોલ વેસેલ, બે ઇન્ટરસેપ્ટર બોટ, બે ફાસ્ટ પેટ્રોલિંગ બોટ, એરફોર્સના બે એરક્રાફ્ટ, એક હેલીકોપ્ટરે ભાગ લીધો હતો.

જેમાં તટરક્ષક દળના જવાનોએ દરિયાઇ સફર દરમિયાન જહાજમાં આગ લાગે ત્યારે તેને કેવી રીતે કાબુમાં લઇ શકાય, લોકોને સલામત રીતે બચાવવાની કામગીરી કેવી રીતે થાય છે, એનું બખુબી નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત દરિયામાં પ્રદુષણ અટકાવવા માટેની વિશેષ કવાયત દર્શાવવામાં આવી હતી.


જેમાં હેલી સીમર દ્વારા ઓઇલ એકત્ર કરી તેનો નિકાલ કરવો, ટાઇડલ વેવ્ઝ હોય ત્યારે પણ ઓઇલને પ્રસરતું અટકાવવામાં આવે છે, તે જવાનો દ્વારા નિદર્શિત કરવામાં આવ્યું હતું. એરફોર્સના એરક્રાફ્ટ દ્વારા પોલ્યુશન કન્ટ્રોલ ડ્રિલ કરવામાં આવી હતી. આ કવાયત ત્રણ કલાક સુધી ચાલી હતી. જેને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રસપૂર્વક નિહાળી હતી. આ ડ્રિલને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, મોરેશિયસના સુરક્ષા અધિકારીઓએ નિહાળી હતી. આ વેળાએ મહાનિર્દેશક શ્રી રાજેન્દ્રસિંહ, ઉપમહાનિર્દેશક શ્રી નટરાજન, ઓઇલ કંપનીના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.