શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ભારતીય પુરુષોને કેવી પત્ની ગમે?.....ભલે હોય મમ્મી પણ દેખાવે હોય યમ્મી

ભારતમાં બાળજન્મનું અનેરું મહત્ત્વ છે. તાજેતરમાં કરાયેલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ભારતના મોટાભાગના પુરુષો પોતાની પત્નીને બાળકના જન્મ બાદ પણ ફિલ્મનટીઓ જેવી સોહામણી અને સાગના સોટા જેવી જ જોવા માગે છે. પત્ની ભલે એક કે બે બાળકની માતા બની જાય, એ દેખાવમાં તો યમ્મીમમ્મી જ દેખાવી જોઇએ.

પુરુષ આખરે તો પુરુષ જ રહેવાનો. એ ભલે દેખાવમાં ગમે એવો હોય, એને પત્ની તો કોઇ ફિલ્મનટી જેવી જ જોઇએ. પત્ની માટેની સુંદરતાના માપદંડમાં એ જરાય બાંધછોડ કરવા તૈયાર નથી થતા. આ વાતની સાબિતી જોઈતી હોય તો તમે કોઇપણ ગુજરાતી નાટક જોવા જાવ અને એમાં પોતે લગ્ન કરીને કેવા ફસાયા છે એ વિશેના જોક્સ તો હોવાના જ. એમની ફાંદ ભલે બહાર નીકળી ગઇ હોય, પોતે ભલે વિચિત્રવીર્ય જેવાં દેખાતા હોય પણ પત્ની તો એમને સ્વર્ગની અપ્સરા જેવી જ જોઇએ.

લગ્ન થાય એટલે મોટાભાગના યુગલો આપણાં દેશમાં એક વર્ષની અંદર જ એક બાળકનાં માતાપિતા બનવામાં ગૌરવ અનુભવતા હોય છે. એ વાત જુદી છે કે હવે શહેરોના અમુક કહેવાતા આધુનિક યુગલો આ બાબતે વેઇટ એન્ડ વોચ એટલે કે એટલી જલ્દીથી એવી ઝંઝાળમાં નથી પડવું જેવી વિચારધારા અપનાવી રહ્યા છે. આવાં યુગલો પહેલાં બાળક માટે ઘણીવાર એટલું મોડું કરતા હોય છે કે પછી, જ્યારે તેઓ બાળકના જન્મ માટે તૈયાર થાય છે ત્યારે એમનો પ્રજન્નોત્પાદનનો સમય વહી ગયો હોય છે. પછી શરૂ થાય છે વિવિધ સ્પેશ્યાલિસ્ટોની મુલાકાતો, ચોક્કસ પ્રકારની મોંઘા ભાવની દવાઓ અને વિવિધ પ્રકારના ટેસ્ટ. આ બધાથી જ્યારે કશું ન વળે ત્યારે વૈદ્ય, હકીમના દરવાજે પહોંચે છે. આ બધાયથી જ્યારે કશું ન વળે ત્યારે છેવટે એમને યાદ આવે છે ભગવાન. અમુક યુગલો તો વળી એક બાળક બાદ જ ફૂલસ્ટોપ મૂકી દે છે. એમાંય આપણાં ગુજરાતીઓમાં તો આજકાલ એક બાળકની જાણે ફેશન થઇ પડી છે. જોે કે, આ તદ્દન જુદો વિષય છે, આપણે આજે ભારતીય પુરુષોની પત્ની કેવી હોવી જોઇએ એ બાબતની પસંદગી વિશે જાણીશું. તાજેતરમાં કરાયેલ સર્વેક્ષણની વાત માનવામાં આવે તો ૯૨% પુરુષોને પોતાની પત્ની જયારે ગર્ભવતી હોય ત્યારે એક્સ્ટ્રા લાર્જ એટલે કે ગોળમટોળ થાય એ ગમે છે, પણ જેવો બાળકનો જન્મ થાય એટલે તુરત પત્નીને શિલ્પા શેટ્ટી કે કરીના કપૂર જેવી જોવાની ઇચ્છા ધરાવે છે. આ ૯૨% પુરુષોમાં તમારા પતિદેવનો પણ સમાવેશ થયો હોઇ શકે. હવે તમે જ કહો, આ પુરુષોનું ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય કે નહીં.

અત્રે રસપ્રદ બાબત એ છે કે નવા નવા પિતા બનનાર ૯૧% ટકા પુરુષોએ તો પોતાની પત્નીને ડિલીવરી બાદ પાતળી પરમાર બને એ માટેના ઉપાયો વિશે અગાઉથી જ વિચારી રાખ્યું છે.

મહિલાઓને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ૮૪% મહિલાઓએ બાળકના જન્મ બાદ એમની કમનીય કાયાના હાલહવાલ એટલે કે શરીર પર જામનારા ચરબીના થર અને વધેલું વજન ઊતરશે કે નહીં તથા પેટ પરના સ્ટ્રેચ માર્ક જશે કે નહીં એ મોટી ચિંતાનો વિષય હોવાનું જણાવ્યું હતું.

પહેલીવાર માતા બનતી અથવા તો બનવા માગતી મહિલાઓના મનમાં સ્ટ્રેચ માર્ક વિશે સૌથી વધુ ભય જોવા મળ્યો હતો. આ સાથે એમના મનમાં સ્ટ્રેચ માર્ક વિશે ખોટી માન્યતાઓ પણ પ્રવર્તમાન હોવાનું જાણવા મળ્યું હતું. દાખલા તરીકે ૭૬% મહિલાઓનું માનવું હતું કે ગર્ભાધાન દરમિયાન સ્ટ્રેચ માર્ક ફક્ત પેટ પર જ થશે. આ વાત તદ્દન ખોટી છે. ખરી વાત એ છે કે પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેચ માર્ક પેટ, છાતી, નિતંબ, સાથળ, હિપ્સ, લોવર બેક અને કુલા પર થતા હોય છે. સ્ટ્રેચ માર્ક શરીર પર કોઇપણ ઠેકાણે થઇ શકે. શરીરના જે ભાગમાં મોટા પ્રમાણમાં ચરબી જમા થાય એ ઠેકાણે સ્ટ્રેચ માર્ક થવાની શક્યતા હોય છે. ગર્ભાધાન દરમિયાન ઉપર જણાવેલ અંગોમાં મોટા પ્રમાણમાં ચરબી ભેગી થતી હોય છે અને માટે એ અંગો પર સ્ટ્રેચ માર્ક થાય એ સ્વાભાવિક છે.

જો કે ૬૬% મહિલાઓ એ જાણે છે કે સ્ટ્રેચ માર્કનો કોઇ ઇલાજ નથી. આમ છતાં તેઓ ગાયનેક પાસે સ્ટ્રેચ માર્ક દૂર કરવા માટેના શ્રેષ્ઠ ક્રિમ અને લોશન વિશે ભલામણ કરવાનો આગ્રહ રાખતી હોય છે. બજારમાં પણ સ્ટ્રેચ માર્ક દૂર કરવા મોંઘા ભાવની વિવિધ ક્રિમ મોટે પાયે વેચાય છે. હવે આ વાત જાણતા હોવા છતાં એવી ક્રિમ ખરીદો તો એમાં વેચનારનો વાંક તો ન જ ગણાયને.

બાળકના જન્મ બાદ પોતાનું શરીર કેવું હોવું જોઇએ એ વિશે મહિલાઓ શું વિચારે છે ? આ સવાલના જવાબમાં ૮૦% મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ બાળકના જન્મ બાદ ફરીથી પોતાનું અગાઉ હતું એવું ફિગર થાય એવું ઇચ્છે છે. તો એનો અર્થ એ થયો કે પુરુષોનો વાંક નથી. મહિલાઓ પણ એવું જ ઇચ્છે છે કે તેઓ પાતળી પરમાર જેવી જ દેખાય અને એમના પતિઓ પોતા તરફ આકર્ષાયેલા રહે. સ્ટ્રેચ માર્ક અને ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે ૮૨% મહિલાઓએ કુદરતી ઔષધિઓ અને ઉપાયો અજમાવવાનું પસંદ કર્યું હતું.

જો કે શક્ય છે કે આ સર્વેક્ષણમાં ભાગ લેનાર મોટાભાગની કદાચ નોકરી કે વ્યવસાય કરતી મહિલાઓ હોઇ શકે. બાકી આપણી ઘરેલું ગુજરાતી મહિલાઓ શું માને છે એ તો તમે મને જણાવશો તો જ ખબર પડશે, કેમ ખરુંને? અત્યારે તો હું એમ જ વિચારું છું કે જો આ વિશેનું ગુજરાતીઓનું સર્વેક્ષણ કરાય, તો ટકાવારી ઉપર જણાવ્યા પ્રમાણે આવે કે એમાં કોઇ ફેરફાર થાય?