શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 1 એપ્રિલ 2015 (14:45 IST)

સમર ફેશન - આવી મૌસમ જાત-જાતની ને ભાત-ભાતની ટોપીઓ પહેરવાની

ફૅશનની દુનિયામાં કોઈપણ આઉટફિટ અને એક્સેસરીસને લોકપ્રિય બનાવવા સૅલિબ્રિટીઓનો જંગી ફાળો હોય છે. તેમને મળતી આવતી દેહયષ્ટિ ધરાવતા શોખીનો એકવાર પોતાની માનીતી સૅલિબ્રિટીને આઉટફિટ અને અનુષાંગિક એક્સેસરીસમાં જુએ એટલે તેમને પણ તેમના જેવા જ દેખાવાનું મન થાય છે.

જૂના જમાનાની ફિલ્મોથી લઈને આજ સુધીની ફિલ્મોમાં લગભગ દરેક અભિનેતાએ પોતાના કૉસ્ચ્યુમ સાથે સુમેળ સાધે તેવી કૅપ અને હૅટ પહેરી જ છે. પછી તે ગાંગુલી ભાઈઓની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ હોય કે દેવાનંદ કે રાજકુમારની ફિલ્મ હોય, તેઓ પોતાના પાત્ર સાથે સુસંગત થતી કૅપ કે હૅટમાં અભિનયની છટા વિખેરી ગયા છે. આમ તો સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં બ્લુ કલરના આઉટફિટ સાથે મૅચ થતી કૅપ તેણે પહેરી હતી તે જમાનામાં તે ખૂબ લોકપ્રિય હતી. હૅટની વાત કરું તો હાલમાં મિ. પરફેક્ટ આમિર ખાને ‘બોલર્સ હૅટ’નો નવો લૂક અપનાવ્યો છે. આ બૉલર્સ હૅટ અભિનેત્રી કરીના કપૂરને પણ ખૂબ ગમે છે. રણબીર કપૂર પણ જાત-જાતની કૅપ અને હૅટ ટ્રાય કરી ચૂક્યો છે.

બ્લેક સૂટ હૅટ, કાઉબૉય હૅટથી તમે પરિચિત તો હશો જ. ઉનાળામાં સૂર્યના પ્રખર કિરણોથી માથાનું રક્ષણ કરે તે માટે યોગ્ય કૅપ ખરીદી લેવી પડે. નહીંતર લૂ લાગી જતાં ‘મજાની સજા’ થઈ જતી હોય છે. આજકાલ માર્કેટમાં સમર લિનન કૉટન, બ્લેન્ડેડ સિકસ પૅનલ ડકબિલ વાઈસર ગોલ્ફ આઈવી, ડ્રાઈવર કૅપ નીતનવા રંગ અને સાઈઝની મળે છે. કૅપ ખરીદવા જાવ ત્યારે એક બાબતનું ધ્યાન રાખો કે તે હળવી હોવી જોઈએ. કૅપની સ્ટાઈલની વાત કરું તો ડકબિલ, કર્વબિલ આઈકોનિક કૅપ સદાબહાર છે.

આ પાછળનું કારણ એ છે કે કૅપની અંદરનું લાઈનિંગ પરસેવો શોષે તેવું અને પાછળથી પણ માથાના આકાર સાથે બંધબેસે તેવું હોય છે. આવી કૅપમાં સુંવાળાં સુતરાઉ કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. રેટ્રોપ્રિન્ટ કૅપમાં અંદરની લાઈનિંગ ગરમ હવામાનમાં સૂર્યના પ્રખર યુવી કિરણો સામે રક્ષણ આપે છે. આ કૅપની વિશેષતા એ છે કે તે રોજ પહેરી શકાય છે. તમારા આઉટફિટ સાથે સુમેળ સાધે તેવી કૅપ પસંદ કરીને ટ્રાય કરવાની રહે છે.

વૅકેશનમાં પ્રવાસ વખતે પહેરશો તો ફાયદો તમારો છે.

લિનન ન્યૂઝબૉય કૅપ: આવી કૅપ સ્માર્ટ લૂક આપે છે. હળવી ન્યૂઝબૉય કૅપ અનેક રંગ અને ડિઝાઈનમાં મળે છે. સાટિનની લાઈનિંગ હોવાથી લાંબો વખત ટકે છે. તેની કિંમત પણ પરવડે તેટલી છે. અંદરથી સાટિનની લાઈનિંગ ધરાવતી આવી કૅપ ગ્રે, બ્લેક, ક્રિમ, વાઈટ, નૅવી બ્લુ, રેડ કૉપર, બ્રાઉન, બર્ગન્ડી વગેરે કલરમાં મળે છે.

ડાંગના આદિવાસીઓ તડકાથી રક્ષણ મેળવવા વાંસ અથવા ઘાસની સાથે કૉટનના લાઈનિંગવાળી કૅપ પહેરે છે. ઘણાં સ્ટ્રૉ હૅટ પહેરે છે. જુદી જુદી જાતની કૅપમાં બકેટ ફ્લેટ, કૅડેટ કૅપ, ફેધર કૅપ વગેરેનો સમાવેશ થાય છે.

ઘણાંને હૅટ પહેરવાનું ગમે છે. પ્રાચીન કાળથી હૅટ પહેરવાનું ચલણ હોવાનું જણાયું છે. પહેલાના જમાનામાં હૅટ પુરુષના સામાજિક દરજ્જા પ્રમાણે પહેરવામાં આવતી હતી. લશ્કરી સૈનિકો તેમના દેશના પ્રતીકવાળી હૅટ અને હૅલ્મેટ પહેરતા હતા.હજુ પણ તેઓ પહેરે છે. લશ્કરી દળમાં સૈનિકોને રૅન્ક અને રેજિમેન્ટ પ્રમાણે હૅટ પહેરવાના નિયમનું પાલન કરવું પડતું હતું. વિશેષ પર્વ અને ખાસ સમારંભ વખતે પુરુષો હૅટ પહેરતા હતા. આપણા દેશમાં પદવીદાન સમારંભમાં હાજર દરેકે મોર્ટાર બોર્ડ કૅપ પહેરવી પડે છે.

પ્રખર ઉનાળા દરમિયાન બહાર જતી વખતે આખો ચહેરો અને ખભાને રક્ષણ આપે તેવી રીતે બનાવવામાં આવે છે. ચૅફસ ટોક્વી હૅટ આવા પ્રકારની છે. ગુજરાત અને પંજાબમાં પણ પુરુષો પાઘડી પહેરે છે. મહારાષ્ટ્રમાં પુરુષો માથે ફેંટો પહેરે છે.

હૅટ પહેરવાનું ચલણ આમ તો મધ્ય યુગમાં વધ્યું હતું. એવી વાયકા છે કે ૩,૦૦૦ બીસીમાં કાંસ્ય યુગમાં ઑસ્ટ્રેલિયા અને ઈટાલી વચ્ચેની પર્વતમાળામાં એક ઑટઝી (હુલામણું નામ) હૅટ પહેરેલા એક પુરુષનું હાડપિંજર થીજેલી અવસ્થામાં મળી આવ્યું હતું. પટ્ટાવાળી એ હૅટ રીંછના ચામડાંમાંથી બનાવેલી હોવાનું સંશોધકોને જણાયું હતું. ઈજિપ્તમાં સ્ટ્રૉ હૅટ, ગ્રીસમાં મુક્ત કરવામાં આવેલા ગુલામો ફેર્યેગીઆન કૅપ પહેરતા હતા. મધ્ય યુગમાં યહૂદીઓ પોતાની ઓળખ માટે જ્યુડેનહૅટ પહેરતા હતા. એ સામાન્ય રીતે પીળા રંગની અણિયાળી અથવા ચોરસ આકારની બનાવવામાં આવતી હતી. પશ્ર્ચિમના દેશોમાં જાત જાતની અને ભાતભાતની ડિઝાઈન અને રંગની કૅપ તથા હૅટ ખૂબ લોકપ્રિય છે.

કૅપ અને હૅટની વરાઈટીમાં એસ્કૉટ, અકુબ્રા, બાલા ક્લાવ(માત્ર આંખો જ ખુલ્લી રહે) બાલમોરલ બૉનેટ, બેઝ બૉલ કૅપ, ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા અમેરિકા અને યુ.કે.માં પહેરાતી બીઈની (બ્રિમલેસ કૅપ), બૅરસ્કિન કૅપ બૅરીટ, બિકોર્ની, ઉપર ફુમતાવાળી બિરીટ્ટા સ્કેવર કૅપ, બૉની હૅટ, બૉલર કૅપ / ડર્બી હૅટ, બકેટ હૅટ, લશ્કરીઓ પહેરે છે તેવી બુશબી હૅટ, કૅમ્પેઈન હૅટ, શંકુ આકારની કૅપ્રિકૉટ (સ્પેનમાં ધાર્મિક સપ્તાહની ઉજવણી દરમિયાન પહેરાય છે), ૧૫૯૦ અને ૧૬૪૦ના દાયકા દરમિયાનની કૅપ્ટન હૅટ, ગોળ કાપ્પેલો રૉમાનો હૅટ, ૧૯૪૦-૫૦ના દાયકાની કાર્ટવ્હીલ હૅટ, આયર્લેન્ડની કાઉબીન, સાઈલિસ્ટ કૅપ, આખા માથાને રક્ષણ આપે તેવી ચિલોટી કૅપ, પેરુવિયન અથવા બૉલિવિઅન હૅટ ચુલ્લુ નામે ઓળખાય છે. ચિલીમાં ચુપાલા હૅટ ઘાસ અને વાંસની ચિપમાંથી બને છે. ક્રિકેટના દિવાના માટે ક્રિકેટ કૅપ, કોર્ડોબા સ્પેનની સોમબ્રીરો કોર્ડોબિસ, કોનોનિઅલ એશિયન હૅટ, કૅનેડા અને અમેરિકામાં ૧૮ અને ૧૯મી સદીમાં પ્રચલિત બનેલી કૉનસ્કીન કૅપ, કસ્ટોડિયન હૅલ્મેટ, ફેડોરા હૅટ, આરબ દેશોની ફેઝ કૅપ ફ્લેટ સોફ્ટ કૅપ, કોરિયાની પરંપરાગત ગાટ હૅટ, અમેરિકામાં લોકપ્રિય બનેલી ગાટ્સબૅ કૅપ, ટ્રકર્સ હૅટ અને કૅપ વગેરેનો સમાવેશ થાય છે.

કૅપ અને હૅટની માવજત : તમારી પસંદગીની કૅપ અને હૅટ ખરીદ્યા પછી તેની સાથે સ્ટ્રૉ ફ્લેટ ક્લિનર સોલ્યુશન પણ ખરીદો. મેજિક ફ્લેટ ક્લિનિંગ સ્પોન્જથી બરાબર સ્વચ્છ કરો. ગાઢા રંગની ફેલ્ટ હૅટ માટે ડાર્ક ક્લિનર લેવું જરૂરી છે. ક્લિનરમાં હૅટ સ્ટ્રેચર, ફેલ્ટ હૅટ બ્રશ, વિનાઈલ હૅટ કવર પણ મળે છે.

પ્લાસ્ટિકની હૅટ કે કૅપ પાણીથી ધોઈ શકો. કૅપ કે હૅટ પર કોઈ કારણસર ડાઘા પડ્યા હોય તો સ્ટેઈન રિપેલન્ટ, સ્પોટ ક્લિનરનો ઉપયોગ કરવાનું સારું પડે છે. બહાર જતી વખતે હૅટ પહેરી હોય તો ઘરે આવ્યા પછી સ્પોન્જથી સાફ કરો. કોરા કટકાથી સાફ કરો. સ્ટીફનરનો ઉપયોગ કરવાથી હૅટ લાંબા સમય સુધી ટકી રહે છે. તો હવે રાહ શેની જુઓ છો ? મનગમતી કૅપ, હૅટ પહેરીને આરામથી ઉનાળો માણો.