ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2016 (17:27 IST)

સ્ત્રીઓ કરતા પુરુષો વધારે કચકચ કરે છે

લગભગ બધાં જ લોકોના મનમાં એક ગેરસમજ છે કે સ્ત્રીઓ બહુ કચકચિયણ હોય છે. સ્ત્રીઓની મથરાવટી જ મેલી, કંઈ પણ નકારાત્મક બાબતની વાત આવે કે તરત જ એનો ઈલ્જામ સ્ત્રીના માથે આવે. સ્ત્રીઓ કચકચિયણ હોય છે, સ્ત્રીઓ સતત ફરિયાદ કરતી રહે છે, સ્ત્રીઓ સતત વાંક કાઢ્યા કરે છે, સ્ત્રીઓ સતત પજવ્યા કરે છે કે ચીડવ્યા કરે છે. આ બધું સ્ત્રીઓ જ કરે છે? પુરુષો તો બિચારા ડાહ્યાડમરા, તેઓ કાંઈ આવું બધું કરે? આ બધું તો સ્ત્રીઓ જ કરે. આખરે હલકું લોહી હવાલદારનું. જોકે આ માન્યતાને ખોટી ઠેરવીને આજે લોકો સ્વીકારે છે કે પુરુષ સ્ત્રી કરતાં પણ વધારે નેગ (કચકચ) કરે છે. ચોવીસે કલાક ફરિયાદ કરવાની પુરુષની આદત કાંઈ આજકાલની નથી, તે તો વર્ષોથી આમ કરતો જ આવ્યો છે. આ તો હવે વાતનો સ્વીકાર થયો છે. આજે તો આ બાબતે પુરુષો તેમ જ સ્ત્રીઓ બંને સંમત થાય છે કે ભલે પુરુષ કદાચ સ્ત્રી કરતાં વધારે નેગ નહીં કરતો હોય, પરંતુ તેનાથી ઓછો પણ ઊતરતો નથી.

પુરુષો સ્વકેન્દ્રી

પુરુષો સ્વકેન્દ્રી હોય છે, જ્યારે સ્ત્રીઓનું કેન્દ્રબિંદુ પોતે નહીં પણ પરિવારજનો હોય છે. સ્ત્રીઓ મોટા ભાગે પતિનું બાળકો તરફ બેધ્યાન કે ઘર તરફની બેદરકારી જેવી બાબતો માટે બડબડાટ કરતી હોય છે. જ્યારે પુરુષનો બડબડાટ પોતાના અંગત અસંતોષ માટે હોય છે. પુરુષ જ્યારે બડબડાટ કરે છે ત્યારે તે ઘરના લાભ માટે નથી હોતો. ખૂબ જ ઓછા પુરુષો ઘરકામની ફરજ પોતાની મરજીથી ખુશ થઈને પત્ની સાથે શેર કરે છે. પ્રાચીન પ્રથા અનુસાર પુરુષો પ્રોવાઈડર્સ ગણાતા હતા. સ્ત્રીઓ ગૃહકાર્ય સંભાળતી અને પુરુષ કમાવા જતો. કમાઈને લાવનાર પુરુષનો વટ ઘરમાં વધારે રહેતો હતો. આજે એકવીસમી સદીમાં આ બધી બાબતો ભૂતકાળ બની ગઈ છે. સ્ત્રી પણ ઘરની બહાર નીકળીને અથવા તો ઘરમાં બેસીને પણ કમાઈ રહી છે, છતાં પણ પુરુષનો પ્રવેશ ગૃહકાર્ય ક્ષેત્રે હજી પણ જોઈએ એટલો પ્રમાણમાં નથી થયો. પોતાનાં જોબ કમિટમેન્ટ્સ ઉપરાંત ઘરને વ્યવસ્થિત રીતે ચલાવવાની જવાબદારી જાણે ફક્ત સ્ત્રીની જ છે. જોકે ખુશીની વાત એ છે કે આજના યુવકો થોડે અંશે બદલાઈ રહ્યા છે અને ગૃહકાર્યમાં પત્નીને મદદ કરતા થયા છે. છતાં પણ વધુ પડતી જવાબદારી સ્ત્રીના માથે જ રહે છે, એ પણ નરી વાસ્તવિકતા જ છે.

આ વિષયમાં વાત કરતાં કમ્પ્યુટર એન્જિનિયર ચેતન મહેતા કહે છે, ‘પુરુષ સ્પેશ્યલી ભારતીય પુરુષ પૈસા કમાવા અને પરિવારનું ભરણપોષણ કરવા સિવાયની કોઈ બાબત વિશે વિચારતો જ નથી. તેને પોતાની પત્ની પર કામનું કેટલું દબાણ છે એ વિશેની સમજણ જ નથી. સ્ત્રીઓના મગજમાં ઘણી બધી વાતો એકસાથે ચાલતી હોય છે. તેને ઓફિસના તો કેટલાંયે કામ સંભાળવાના જ છે એ ઉપરાંત ઘરમાં અનાજ લાવવાનું છે. બાળકોની યુનિટ ટેસ્ટ છે, પેરેન્ટ્સ-ટીચર્સ મીટિંગ એટેન્ડ કરવાની છે, કાકીનો ભાઈ મૃત્યુ પામ્યો છે તેની પ્રાર્થનાસભામાં જવાનું છે. પાડોશીની પુત્રવધૂના સીમંતમાં જવાનું છે, મામાની ખબર કાઢવા હોસ્પિટલમાં જવાનું છે. ગામમાંથી મહેમાન આવવાના છે એ માટેની વ્યવસ્થા કરવાની છે, પણ સ્ત્રીઓ આ બધાં કામ એવી સરસ રીતે કરે છે કે ન પૂછો વાત. તેથી જ ઘરના પુરુષને સોંપેલું એકાદ કામ પણ જો તે વ્યવસ્થિત રીતે કરી ન શકે ત્યારે તેને સમજાતું નથી કે જો હું આટલાં બધાં કામ વ્યવસ્થિત રીતે કરી શકું છું તો શું તે એક કામ પણ બરાબર ન કરી શકે? ઘણી વાર તો કામ કરવાનું જ પુરુષ ભૂલી જતો હોય છે. એટલે તેને એ કામ કરવાનું છે એની યાદ વારંવાર અપાવવી પડે છે અને કામ ન થાય ત્યારે સ્ત્રી કચકચ કરે તે સ્વાભાવિક છે. સ્ત્રીઓ કચકચિયણ નથી પણ તેને આપણે ફોર્સફૂલી કચકચિયણ બનાવી દઈએ છીએ.

પુરુષો મોટા નેગ છે

પૂરબ કોહલી નામના એક એક્ટરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું મારી પત્ની યામિની કરતાં વધુ મોટો નેગ છું. મહિલાઓ એકસાથે એટલાં બધાં કામ વ્યવસ્થિત રીતે કરી શકે છે તેથી પુરુષ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. સ્ત્રીઓ વિચારે છે કે આ કામ કરવું છે તો પછી કરીને જ રહે છે, જ્યારે પુરુષનું મગજ ફક્ત એક જ ટે્રેક પર ચાલે છે. પુરુષો એક સમયે એક જ કામ કરી શકે છે. અને જ્યાં સુધીમાં એક કામ પૂર્ણ કરે છે, બીજાં પેન્ડિંગ કામ તે ભૂલી જાય છે. તો પછી સ્ત્રી શું કરે, જ્યારે તેણે પોતાના પુરુષને સોંપેલું કામ કરવાનું પુરુષ ભૂલી જાય? સ્ત્રીઓ પાસે તો નેગિંગ માટે કારણો પણ છે જ્યારે પુરુષ તો પોતાના શર્ટનું બટન ન ટંકાયું હોય, રસોઈમાં કંઈ ઊણપ રહી ગઈ હોય, કપડાં ઈસ્ત્રી ન થયાં હોય, રૂમાલ ન મળતો હોય, પોતાનો રૂમ વેરવિખેર હોય તેવા કારણોસર કચકચ કરતો હોય છે. નાની નાની બાબતો માટે તેની કચકચ ચાલુ જ રહે છે.

પરસ્પરને સહયોગ આપો

નેગિંગથી બચવા માટે પરસ્પરને મદદ કરવી જરૂરી છે. પુરુષે એ સમજવાની જરૂર છે કે સ્ત્રી ફક્ત ગૃહિણી હોય તો પણ તે ઘરમાં આળસુની જેમ બેસી નથી રહેતી. તેને ઘણાં કામ છે. દંપતીએ પરસ્પરના કામને સન્માનની નજરથી જોવું જોઈએ. જો પતિ બાળકને સ્કૂલેથી લઈ આવે તો પત્નીએ પ્રશંસા કરવી જોઈએ. સ્ત્રીઓ પુરુષની વાત સહેલાઈથી માની લેતી હોય છે. જ્યારે પુરુષોને તેણે શું કરવું જોઈએ એવું કહેવામાં આવે તો ગમતું નથી, કારણ કે પુરુષ માને છે કે હુકમ કરવાનો ઈજારો તેનો છે. એટલે સ્ત્રી તેને કંઈ કરવાનું કહે તો તે છેડાઈ પડે છે. પુરુષને કોઈ પ્રશ્ર્ન પૂછો કે કંઈ યાદ કરાવો તો તેને તે નેગિંગ લાગે છે. ઘણી વાર એવું બને છે કે બહુ જ બિઝી હોવાને કારણે કોઈ બાબત ભૂલી જવાય છે. પુરુષો પોતાનું કામ માંડ માંડ છેલ્લી મિનિટ સુધી કરતા હોય છે, તેથી ઘણી વાતો ભૂલી જાય છે. ઈન્ટેન્શલી તેઓ આવું કરતા નથી. નેગિંગ ભલે ઈરિટેટિંગ લાગે પણ કોઈ વાર ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર તો એ ઘણી સારી વાત છે કે સ્ત્રીઓ પુરુષોને તેનાં કામ યાદ અપાવતી રહે છે.

ફરિયાદ કરવાનું બંધ કરો

અઠવાડિયાના ચોવીસે કલાક ફરિયાદ કરવાનું બંધ કરો, નાની નાની બાબતમાં સ્ત્રીઓ સાથે માથાઝીંક કરવાનું ટાળો. જો તમારા પરિવારની સ્ત્રી નેગિંગ કરતી હોય તો તેની મુશ્કેલી પણ સમજો તમારા તરફથી નેગિંગ બંધ કરો. આખો વખત નેગિંગ કરનાર પુરુષ બનવાને બદલે સપોર્ટિવ પુરુષ બનજો. તો ભાઈઓ, તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને નેગનું લેબલ લગાડતા પહેલાં સો વાર વિચારજો.