ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2015 (15:00 IST)

97 પાલિકાની આર્થિક સ્થિતિ નબળી લાઇટ બીલના નાંણાં નથી

ગુજરાતમાં આગામી ત્રણ માસમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સરકારે વિવિધ તૈયારીઓ હાથ ધરી છે. એક તરફ વણથંભી વિકાસ યાત્રા મારફતે વિવિધ વિસ્તારોમાં માળખાકીય કામો, લોકહિતની યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત થઇ રહ્યા છે બીજી તરફ આ પાલિકાઓ, મહાપાલિકાઓને આર્થિક રીતે પગભર થાય તેવા પગલાં લેવાની શરૂઆત પણ કરી છે. ખાસ કરીને 159 પાલિકામાંથી 97 પાલિકાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ વીજ કંપનીઓના બાકી બિલોના લેણાં પેટે નાણાકીય સહાય કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડારીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 97 પાલિકાઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સની બાકી વીજ બિલની મુદ્દલ તથા પેનલ્ટી સહિતની રૂ.544.55 કરોડની રકમ વીજ કંપનીઓને ચૂકવવાની બાકી છે. માર્ચ 2014ની સ્થિતિએ આ રકમ બાકી છે અને હવે આ રકમ બોર્ડ પાસે માગવામાં આવી છે. આથી કાયમી નીતિ નક્કી કરીને આ રકમ વન ટાઇમ સેટલમેન્ટ તરીકે બાકી બિલની ફક્ત મુદ્દલ રકમ સંબંધિત કંપનીઓને ચૂકવવા તથા ડિલે પેમેન્ટ ચાર્જીસ (ડીપીસી)ની રકમ માંડવાળ કરવાનું નક્કી કરાયું છે. આ માટેના જરૂરી આદેશો બહાર પાડી દેવાયા છે. 97 પાલિકા પાસેથી વોટર વર્ક્સ પેટે રૂ.310.25 કરોડની રકમ મુદ્દલ પેટે બાકી છે જ્યારે ડીપીસીની રકમ રૂ.211.92 કરોડની થાય છે. જ્યારે સ્ટ્રીટ લાઇટની બાકી રકમમાં રૂ.11.39 કરોડ મુદ્દલ તથા ડીપીસી પેટે રૂ.10.99 કરોડ મળી કુલ રૂ.544.55 કરોડની રકમ થાય છે. આમ, રૂ.222.91 કરોડ જેટલી રકમ ડીપીસી પેટે વીજ કંપનીઓને ચૂકવાશે નહીં. આ સિવાયની રૂ.321.63 કરોડની મુદ્દલની રકમ વીજ કંપનીઓને ચૂકવવા માટે ગુજરાત અર્બન મિશનમાંથી ગ્રાન્ટ બોર્ડના હસ્તક મુકવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ રકમની ચૂકવણી સંબંધિત વીજ કંપનીઓને કરતાં પહેલાં ફાયનાન્સ બોર્ડ અને સંબંધિત પાલિકા સાથે સમજૂતિ કરાર કરાશે. જે મુજબ 97 પાસિકા પૈકી 73 પાલિકા સાથે સમજૂતી કરાર કરાયા છે. જ્યારે ચાણસ્મા અને બરવાળાના કિસ્સામાં વોટર વર્ક્સ તથા સ્ટ્રીટ લાઇટની ફક્ત ડીપીસી રકમ સંબંધિત વીજ કંપનીઓને ચુકવવાની બાકી છે. જ્યારે મુદ્દલ રકમની ચૂકવણી પૂરેપૂરી કરેલી હોવાથી ડીપીસીની રકમ માંડવાળ કરવાની થાય છે. જેથી આ બે પાલિકા સાથે સમજૂતી કરાર કરવાનો રહેતો નથી.

પંદર નગરપાલિકામાં ઉંઝા, વલ્લભ વિદ્યાનગર, આંકલાવ, ગણદેવી, ઉમરગાવ, તરસાડી, રાજુલા, ચલાલા, વેરાવળ, સિક્કા, ચોરવાડ, ભાણવડ, તળાજા, મોરબી અને ગોંડલ દ્વારા વીજ બિલની મુદ્દલ તથા ડીપીસીની પૂરેપૂરી રકમની ચુકવણી વીજ કંપનીઓને કરેલી હોવાથી આ પાલિકાઓ સાથે સમજૂતી કરાર કરવાનો રહેતો નથી. બાકી વીજ બિલ હેઠળ આવરી લેવાયેલી 97 પૈકી 22 પાલિકા ચલાલા, ખંભાત, પાલનપુર, સાણંદ, સિદ્ધપુર, પાટણ, વિસનગર, કલોલ, ધ્રાંગધ્રા, ચકલાસી, કેશોદ, અંજાર, સુરેન્દ્રનગર, વંથલી, અમરેલી, દહેગામ, મહેમદાવાદ, વિરમગામ, ડભોઇ, ભચાઉ, પાલિતાણા, માંડવી (કચ્છ)માં કોર્ટ કેસ થયેલો છે. જ્યારે 75 પાલિકામાં વીજ બિલના ચુકવણા વખતે કોઇ કોર્ટ કેસ થયો નથી જેથી કોર્ટ કેસ થયા છે તેનો નિકાલ કરવા પાલિકાઓને સૂચના આપવામાં આવી છે.

રૂ.248.24 કરોડની ચુકવણી રૂ.144.77 કરોડ ડીપીસી પેટે બાકી

રાજ્યની 90 પાલિકાઓની વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટની મુદ્દલ રકમ રૂ.248.24 કરોડની રકમ વીજ કંપનીઓને ચૂકવાશે. જ્યારે રૂ.144.77 કરોડની ડીપીસીની રકમ માંડવાળ કરાશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી 39 પાલિકાની કુલ બાકી રૂ.162.55 કરોડની રકમ પૈકી આ નિર્ણયથી રૂ.131.25 કરોડની મુદ્દલની રકમ ચૂકવાશે. જ્યારે રૂ.31.29 કરોડની ડીપીસીની રકમ માંડવાળ થશે. ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં 20 પાલિકાના 144.34 કરોડના લેણાં છે આ પૈકી રૂ.65.10 કરોડની રકમ ચૂકવાશે જ્યારે રૂ.79.23 કરોડની ડીપીસીની રકમ માંડવાળ થશે. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આવતી 24 પાલિકાના રૂ.74.91 કરોડની બાકી રકમમાંથી રૂ.40.80 કરોડ ચૂકવાશે અને રૂ.34.10 કરોડની ડીપીસીની રકમ માંડવાળ થશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી 7 પાલિકાની રૂ.11.23 કરોડની બાકી રકમમાંથી રૂ.11.08 કરોડ ચૂકવાશે અને રૂ.14.36 લાખની રકમ ડીપીસી પેટે માંડવાળ થશે. આમ, 90 પાલિકાની રૂ.393.10 કરોડની રકમ બાકી છે તેમાંથી રૂ.248.24 કરોડની રકમ ચૂકવાશે અને રૂ.144.77 કરોડની રકમ ડીપીસી પેટે બાકી છે તે માંડવાળ થશે.
97 પૈકી 90 પાલિકાના બાકી વીજ બિલના ચૂકવણાં વીજ કંપનીઓને કરાતાં 7 પાલિકાના બિલના નાણાં બાકી રહે છે. સમજૂતી કરાર ન થયેલા હોઇ એવી સાત પાલિકામાં નડિયાદ, સાવરકુંડલા, દામનગર, હળવદ, ધોળકા, કપડપંજ, રાજપીપળાનો સમાવેશ થાય છે. આ પાલિકાઓ સમજૂતી કરાર કરશે પછી વીજ બિલ ચૂકવાશે.
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા સંબંધિત વીજ કંપનીઓના ચુકવાયેલી આ રકમની વસૂલાત ઓક્ટ્રોય ગ્રાન્ટ અને અન્ય યોજનાઓમાંથી વાર્ષિક કપાત કરાશે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ રકમ બોર્ડ ગ્રાન્ટ તરીકે નહીં, પરંતુ લોન તરીકે ગણશે. હવે પછી વીજ બિલના નાણાં પાલિકાએ જ કરવાના રહેશે અને તેમાંય કર્મચારીઓના પગાર પછી સૌથી અગ્રતાક્રમે વીજ બિલની રકમ ચૂકવવાની રહેશે. પાલિકાએ તેનું રજિસ્ટ્રર મેન્ટેઇન કરવાનું રહેશે.