શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (15:01 IST)

ATVM : હવે રેલવે સ્ટેશનો પર લાંબીલચક લાઇનમાં ઉભા રહેવું નહી પડે

પશ્ચિમ રેલવે દ્વારા તેના અમદાવાદ ડિવિઝનમાં ૧૪ મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે ૪૦ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન(ATVM)મુકવાનો ખૂબ જ મહત્વનો અને સુવિધાજનક નિર્ણય લેવામાં આવ્યો છે.જેના કારણે હવેથી રેલવે સ્ટેશનો પર ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ કે મુસાફરીનો માસિક પાસ કઢાવવા માટે લોકોએ લાંબીલચક લાઇનમાં લાંબો સમય સુધી ઉભા રહેવું નહી પડે.મુસાફરો જાતે જ તેમના ગંતવ્ય સ્થળની ટિકિટ મશીનમાં પૈસા નાંખીને કે સ્માર્ટકાર્ડ દ્વારા સરળતાથી મેળવી શકશે.અમદાવાદ રેલવે સ્ટેશન પર આવા કુલ ૧૪ મશીન મુકવામાં આવનાર છે.સાડા સાત લાખની કિંમતનું આ મશીન બે માસના ટૂંકાગાળામાં જ શરૃ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

રેલવે સ્ટેશનો પર ટિકિટબારીઓ પરની લાંબી લાઇન વચ્ચે ટિકિટ લેવા જતા ટ્રેન ચૂકી જવાના બનાવ અવારનવાર બનતા હોય છે.છુટા પૈસાની માથાકુટ, પ્લેટફોર્મ ટિકિટ માટેની અલગ લાઇનો મુસાફરોનો ખૂબજ સમય લઇ લેતા હોવાથી રેલવેતંત્રને આ મામલે મળેલી વ્યાપક ફરિયાદના અનુસંધાને આ સમસ્યાનો હલ લાવવા માટે તેમજ મુસાફરનો મહત્તમ સમય બચાવવા માટે ગુજરાતમાં પ્રથમ વખત જ રેલવે પ્લટફોર્મ પર ATVM મશીન મુકવાનો નિર્ણય લેવાયો છે.ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન થકી મુસાફરો હાથવેતમાં જ અનઆરશ્રિત ટિકિટ મેળવી શકશે.ટિકિટના પૈસા મશીનમાં નાંખતાની સાથે જ ટિકિટ તેમજ પ્લેટફોર્મ ટિકિટ મળી રહેશે.મુસાફરો માટે સ્માટકાર્ડ પણ ઇશ્યુ કરવામાં આવશે જેના થકી પણ તેઓ ટિકિટ મેળવી શકશે.આ મશીન ૨૪ કલાક ચાલુ રહેશે એટલું જ નહિ પરંતું માસિક પાસ પણ આ મશીન થકી કાઢી શકવાની સુવિધા પુરી પડાશે.આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ ભારતભરમાં આવા કુલ ૫૦૦૦ ATVM મશીન રેલવે સ્ટેશનો પર મૂકવામાં આવનાર છે.જેમાંથી અમદાવાદ ડિવિઝનમાં કુલ ૪૦ મશીનો મૂકવા માટેનો નિર્ણય લેવાયો છે જે ટૂંક સમયમાં જ મૂકી દેવામાં આવશે.જેનાથી પ્લેટફોર્મ પરની ટિકિટબારી પરની લાંબી લાઇનો દુર કરી શકાશે અને મુસાફરોની સવલતમાં વધારો થશે.હાલ મુંબઇમાં આવા મશીનો લાગી ગયા છે ત્યાં આ પ્રયોગ સફળ રહ્યો છે.