બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 ઑક્ટોબર 2016 (14:33 IST)

ભાજપ કોંગ્રેસમાં કપાસ અને મગફળીના મુદ્દે રાજકારણ ગરમાયું

ગુજરાતમાં મગફળી અને કપાસનું ઉત્પાદન વેચાણ માટે બજારમાં આવી ગયું છે. ખેડૂતોને મગફળીના એક મણના રૂ. 600 અને કપાસના રૂ. 700થી 750 જ મળતા હોવાથી માર્કેટયાર્ડમાંથી માલને પરત લઈ જવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી તેમના વતી રજૂઆત કરવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ધારાસભ્ય રાઘવજી પટેલે કૃષિ મંત્રી ચિમન સાપરિયાને મળ્યા હતા. આ સમયે કૃષિ મંત્રી તેમની રજૂઆત સાંભળવાને બદલે એવું કહ્યું કે, ‘ખેડૂતોને પૈસાની જરૂર નથી. આવેદનપત્ર આપવાનારા કોંગ્રેસના નેતાઓ રાજકીય લાભ ઉઠાવી રહ્યા છે.’ પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે આ સંવાદનો વીડિયો પણ રજૂ કર્યો હતો. દરમિયાનમાં સરકારે કપાસ અને મગફળી દિવાળી પછી ખરીદવાની જાહેરાત કરી પણ ટેકાના ભાવની જાહેરાત કરી નથી. કિસાન ખેત મજદૂર કોંગ્રેસના અધ્યક્ષ ઠુંમરે મીડિયા સમક્ષ કૃષિ મંત્રીએ કરેલા નિવેદનની વિડીયો કલીપીંગ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી. કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ એ‌વો આક્ષેપ કર્યો હતો કે ભાજપની ગળથૂથીમાં જ ભારોભાર જુઠ્ઠાણું ભર્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે એવી માગણી કરી હતી કે રાજ્ય સરકારે એક મણ એટલે કે 20 કિ.ગ્રા.ના મગફળીના આશરે રૂ. 840 અને કપાસના રૂ. 832 રાખ્યા છે,પણ ખેડૂતોને તેના કરતા મગફળી એક મણના રૂ. 600 અને કપાસના ભાવ રૂ. 700થી750ના વેચવી પડે છે. આથી કોંગ્રેસના નેતાઓએ રાજય સરકારને રજૂઆત કરી હતી કે ખેડૂતોને પડતર કિંમત કરતા ભાવ ઓછા મળતા હોવાથી મગફળીના એક મણના રૂ. 1200 અને કપાસના એક મણના રૂ. 1500 ભાવ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.