શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (15:43 IST)

ભારતમાં પશુઓની સંખ્યા ઘટી રહી છે

આપણે ત્યાં પશુઓની સંખ્યાની ગણતરી દર પાંચ વર્ષે એકવાર થાય છે. વર્ષ ૨૦૧૨માં થયેલી ગણતરી અનુસાર અખિલ ભારત કક્ષાએ ૩.૩૩ ટકા એટલે કે લગભગ સાડા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમાં ખાસ કરીને ઘેટાં, બકરાંની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. તેમની કતલ મોટા પાયે થાય છે તેનું આ પ્રમાણ છે.

જંગલો ઉગાડવામાં અને પર્યાવરણની જાળવણીમાં ઘેટાં કેટલા ઉપયોગી છે તે વ્યવહારુ અનુભવ ધરાવનાર વ્યક્તિ જ સમજી શકે છે. ભારતમાં દૂધ અને દૂધ આધારિત વ્યવસાય પશુપાલન ક્ષેત્રે ૧૦ કરોડ લોકો રોજગારી મેળવે છે. આનો અર્થ એ થયો કે ૧૦ કરોડ કુટુંબનો જીવનનિર્વાહ પશુપાલનથી થાય છે.

સૌથી વધુ ઉપેક્ષિત જો કોઈ ક્ષેત્ર હોય તો તે પશુપાલન છે. કૃષિને હજુ મહત્ત્વ મળે છે, પરંતુ પશુપાલન ક્ષેત્રના પ્રશ્ર્ન, તેની સમસ્યા, તેમાં કાર્ય કરતાં લોકોની વાતને સમજવી કે સાંભળવી અને નિરાકરણ કરવું તે બાબતની અવગણના થઈ છે. આથી આ ક્ષેત્રમાં બહુ જ અંધાધૂંધી પ્રવર્તી રહી છે.

જ્યારથી ડેરીઓ આવી છે આ ક્ષેત્રમાં કામ કરતાં પશુપાલકો અને ભરવાડ- રબારી કોમનું શોષણ થયું છે. બકરાંની સંખ્યા વર્ષ ૨૦૦૭થી ૩.૮૨ ટકા ઘટીને ૧૩ કરોડ ૫૧ લાખ ૭૦ હજાર થઈ છે તો ઘેટાંની સંખ્યા ૯.૦૭ ટકા ઘટીને ૬ કરોડ ૫૦ લાખ થઈ છે. એક સમયે બહારગામની મુસાફરી દરમ્યાન ટ્રેન કે બસમાંથી રસ્તાની બંને બાજુ સેંકડોની સંખ્યામાં પશુપાલકો ઘેટાં-બકરા ચરાવતા હતા તે દૃશ્ય જોવા મળતું હતું.

હજુ વિગતવાર ગાય, ભેંસ, બળદ, વાછરડાંની સંખ્યા કેટલી ઘટી છે તે અંગે માહિતી ઉપલબ્ધ નથી પરંતુ માંસની નિકાસ થઈ રહી છે તે વધી છે એટલે શું બની રહ્યું છે તેનો અંદાજ સમજદાર નાગરિક સારી રીતે મેળવી શકે છે. માછલી અને તેને સંલગ્ન નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

જેમ કે વર્ષ ૨૦૦૯માં માછલીના ઉત્પાદનોની નિકાસ ૬,૭૮,૪૩૬ ટન હતી અને વિદેશી મુદ્રાની આવક ૧૦ હજાર કરોડની થઈ હતી તે વર્ષ ૨૦૧૩-૧૪ના સમયગાળામાં વધીને ૯ લાખ ૮૩ હજાર ૭૫૬ ટન થઈ હતી અને વિદેશી મુદ્રાની આવક રૂા. ૩૦ હજાર ૨૧૩ કરોડની થઈ હતી. મચ્છીમારી ક્ષેત્રમાં અંદાજે દોઢ કરોડ લોકો સંકળાયેલા છે.

જો કે ગુજરાતમાં આ સમયગાળા દરમ્યાન પશુઓની સંખ્યામાં ૧૫.૩૬ ટકાનો વધારો થયો હતો. તેવી જ રીતે અન્ય રાજ્યમાં જેમ કે ઉત્તર- પ્રદેશમાં ૧૪ ટકા, આસામમાં ૧૦.૭૭ ટકા, પંજાબમાં ૯.૫૭ અને બિહારમાં ૮.૫૬ ટકા, સિક્કીમમાં ૭.૯૬ અને મેઘાલયમાં ૭.૪૧ ટકા અને છત્તીસગઢમાં ૪.૩૪ ટકા પશુ સંખ્યા વધી હતી.

રાજસ્થાન, કચ્છ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પશુઓની સંખ્યા બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ ભારતમાં પશુઓની જે ગણતરી કરવામાં આવે છે તેમાં ધણી ક્ષતિ રહી જાય છે. આથી વાસ્તવમાં પશુઓની સંખ્યામાં ૩.૩૩ ટકા નહિ, પરંતુ તેનાથી વધુ ઘટાડો થયો હોવાની શંકા રહે છે.

માંસની નિકાસમાં પ્રતિવર્ષ વૃદ્ધિ થઈ રહી છે. ઠેર ઠેર ગેરકાયદે કતલખાના ચાલી રહ્યા છે. તેમાં ઘેટાં-બકરાં તો નાના હોવાથી તેમની કતલ સરળતાથી થાય છે. પોલીસતંત્ર, સ્થાનિક અસામાજીક તત્ત્વો અને કેટલાક લેભાગુ લોકોની સાંઠગાંઠને કારણે એટલું તો નુકસાનીનું કાર્ય થાય છે કે રૂપિયા, આના, પૈસામાં તે માપી શકાય તેમ નથી.

માંસની નિકાસ કરવાની નીતિ સામે જન આક્રોશ ઘણો ઉગ્ર છે અને તેને ધ્યાનમાં લેવાની જરૂર છે.

(૧) પશુઓની કતલથી જમીનને કુદરતી ક્રમમાં પશુઓના ગોબર મારફતે જે સત્ત્વો મળે છે તે બંધ થાય છે અને જમીનની રસાળતા, ફળદ્રુપતા ઘટે છે. કોઈ કેમિકલ ફર્ટીલાઈઝર તે જમીનના સત્ત્વ પૂરા પાડનાર વિકલ્પ બની શકતું નથી.

(૨) પ્રજાને તેમની સુખાકારી અને આરોગ્ય માટે ઘેટાં-બકરાં, ગાય-ભેંસ વગેરેના દૂધનો જે પુરવઠો મળે છે તેમાં આવી કતલથી વિક્ષેપ પડે છે. આખી સાંકળ તૂટી જાય છે અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર પડે છે. સ્થાનિક પશુપાલકની આવક ઘટતાં તે ચોરી ચપાટીને રવાડે ચડી જાય છે અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્ર્નો ઊભા કરે છે.

(૩) ભારતની ૯૦ ટકા પ્રજા શાકાહારી છે અને દૂધ, ઘી, માખણ, છાશ, દહીં તેમની દૈનિક જરૂરિયાત છે. ઘી અને માખણ તેમના શરીર માટે લુબ્રિક્ધટનું એટલે કે ઓઈલિંગનું કાર્ય કરે છે. સાંધા- શરીરના અવયવો, હાથપગ સરળતાથી કાર્ય કરે છે તે માટે ઘી-તેલ બહુ જરૂરી છે. આધુનિક મેડિકલ સાયન્સ ભલે ગમે તે અભિપ્રાય આપે.

(૪) પશુઓ, જમીન, પર્યાવરણ અને ગ્રામ્ય અર્થતંત્ર આ ચારેય બાબત એકબીજા સાથે એવી રીતે વણાયેલી છે કે પશુઓ પછી ગમે તે હોય, ઘેટાં-બકરાંનું યોગદાન નોંધપાત્ર છે અને અજ્ઞાનતાને કારણે તેમની થઈ રહેલી કતલ સમગ્ર માનવજાતને માટે અભિશાપ છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે મૂંગા અબોેલ પશુઓના યુનિયન નથી એટલે જ તેમની કતલ થાય છે.

કુદરતે જેમને દિમાગ આપ્યું છે- વિચાર કરવાની અને પરિણામને મૂલવવાની શક્તિ આપી છે તે મનુષ્ય જ પોતાની પાશવી શક્તિનો ઉપયોગ અબોલ ઘેટાં-બકરાંની કતલ કરવામાં કરે છે તેને માનવીની અધોગતિ જ ગણવી કે બીજું કંઈ? શહેરી પ્રજાએ દાનની રકમનો પ્રવાહ બદલાવીને પશુઓના સુખાકારી- કલ્યાણને અગ્રતા આપવી રહી.