શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (15:33 IST)

કેવીપીમાં રોકાણ કરવું કે પીપીએફમાં!

એક જમાનામાં કિસાન વિકાસ પત્રોએ બચતકારો અને રોકાણકારોમાં ધૂમ મચાવી હતી. જોકે, એ વાત નોંધવી રહી કે એ જમાનામાં રોકાણ અને બચત માટે આજે ઉપલબ્ધ છે એટલા વિકલ્પો ઉપલબ્ધ નહોતાં!

એ ઉપરાંત વ્યાજદના દરો પણ એ વખતે ખૂબ આકર્ષક લાગતા હતા અને સરકારી યંત્રણા હોય એટલો રોકાણકારોને આ બચતપત્રોની વિશ્ર્વાસપાત્રતા પણ ઊંચી જણાતી હતી.

જોકે, હવે બદલાયેલા સમયમાં સરકારે જયારે આ પત્રો ફરીથી રજૂ કરવાનું વિચાર્યું છે ત્યારે રોકાણકારોની બદલાયેલી માનસિકતા અને રોકાણ માટે ઉપલબ્ધ વિકલ્પોની બાહુલ્યતા જોતા આ યોજનાને કેવો પ્રતિસાદ મળે છે એ જોવું રહ્યું!

આપણે યોજનાની સફળતાનો કે તેને મળનારા પ્રતિસાદની ચિંતા બાજુએ મૂકીને રોકાણકારોની દૃષ્ટિએ વિચાર કરીએ તો એવું લાગે કે રોકાણકારોને આ ડેટ ફંડ જેવી ઓછું વળતર આપનારી યોજનામાં કદાચ રસ ન પડે.

ઇન્વેસ્ટમેન્ટ પ્લાનર્સ જોકે જૂદો વિચાર વ્યક્ત કરે છે. નિષ્ણાતો કહે છે કે, અલબત્ત, નવેસરથી રજૂ થયેલા કિસાન વિકાસ પત્ર (કેવીપી) અન્ય નિશ્ર્ચિત આવક આપતી યોજના કરતા ઓછું વળતર આપે છે. જોકે, કેવીપી સારી પ્રવાહિતતા અને રોકાણની સરળતા જેવા અન્ય ફાયદા ધરાવે છે.

બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવા કેવીપી ૮.૭ ટકા વ્યાજ ઓફર કરે છે, જે અગાઉના કેવીપીના વ્યાજ કરતા ૦.૩૦ ટકા ઊંચું વ્યાજ દર્શાવે છે.

જોકે, આમ છતાં શહેરી રોકાણકારો તેને સારો પ્રતિસાદ આપશે કે કેમ તેની નિષ્ણાતોને પણ શંકા છે. ટોચની કંપની માટે કરવેરા સલાહકાર સેવા આપનારનું કહેવું છે કે, "અત્યારે બજારમાં નવા કેવીપી કરતા વધારે વળતર ઓફર કરતી નિશ્ચિત આવક આપતી યોજનાઓ ઉપલબ્ધ છે."

આ અંગે દાખલો આપતા તેમણે કહ્યું હતું કે, દાખલા તરીકે પીપીએફ કરવેરામુક્ત ૮.૭ ટકા વળતર ઓફર કરે છે. પણ આની સામે કેવીપી પણ ૮.૭ ટકા વ્યાજ ઓફર કરે છે, પરંતુ તેની આવક સંપૂર્ણપણે કરવેરાને પાત્ર છે,

આનો અર્થ એ થયો કે, કરવેરા પછીનું વળતર ગણીએ તો વર્ષે રૂ. ૧૦ લાખથી વધારે આવક કરતા રોકાણકારો માટે ઘટીને છ ટકા થઈ જાય છે. આમ જો કોિ આવી ગણતરી માંડે તો કળશ કેવીપી પર નહીં પરંતુ પીપીએફ પર જ ઢોળે!

સરકાર કેવીપીને માટે ઝૂંબેશ ચલાવશે એમાં કોઇ શંકા નથી. કેવીપીનું વેચાણ શરૂઆતમાં પોસ્ટ ઓફિસ મારફતે કરવામાં આવશે, પણ પછી સરકારી બેન્કોની શાખાઓમાં ઉપલબ્ધ થશે.

અલબત્ત, અહીં કેટલાક પ્લસ પોઇન્ટ પણ છે. જેમ કે, રોકાણ પર ટોચમર્યાદા નથી. નિષ્ણાતોના મતે કેવીપીનું સૌથી આકર્ષક પાસું છે એ છે કે તેમાં રોકાણની કોઇ ટોચમર્યાદા નથી.

જોકે, ફરી અહીં સ્પર્ધા છે તો ખરી જ! જેમ કે, બેન્ક ડિપોઝિટ્સ અત્યારે કેવીપી કરતા વધારે ઊંચું વળતર ઓફર કરે છે. કેટલીક નાની ખાનગી બેન્કો અને કેટલીક સરકારી બેન્કો ૮થી ૧૦ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર નવ ટકા સુધીનું વળતર ઓફર કરે છે.

આ ઉપરાંત તમે સ્વૈચ્છિક પ્રોવિડન્ટ ફંડ મારફતે તમારા પ્રોવિડન્ટ ફંડમાં નાણાં મૂકીને વધુ ઊંચું વળતર મેળવી શકો છો. એટલું જ નહીં નવા કેવીપી વરિષ્ઠ નાગરિક રોકાણકારો માટે ઓછા આકર્ષક છે.

વરિષ્ઠ નાગરિક રોકાણકારો બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ્સ પર ૦.૨૫થી ૦.૩ ટકા ઊંચું વ્યાજ મેળવી શકે છે. ઉપરાંત સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ) તેમને ૯.૨ ટકા વળતર તેમજ સેક્શન ૮૦સી હેઠળ કરવેરાના ફાયદા મળે છે.

હવે આપણે કેવીપીના ફાયદા જોઇ લઇએ. ઉપરોક્ત મર્યાદાઓ હોવા છતાં કેવીપીના કેટલાંક ફાયદા છે. તેઓ રોકાણકારોને ઊંચી પ્રવાહિતતા ઓફર કરે છે, જે તેમને લઘુતમ ૩૦ મહિનાના લોક-ઇન સમયગાળા પછી રોકાણ રીડિમ કરવાની છૂટ આપે છે.

આ ગાળા પછી રોકાણકારો છ મહિનાના સમયાંતરે પ્રમાણપત્રો રીડિમ કરી શકે છે. લોન માટે બોન્ડ પ્રમાણપત્રોને બાયંધરી તરીકે મૂકી શકાશે. તેઓ ત્રીજી વ્યક્તિને વેચી પણ શકાશે.

એ પણ સબળ પાંસું છ કે, સરળતાથી હસ્તાંતરિત ન થઈ શકતા ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સથી વિપરીત કિસાન વિકાસ પત્રની માલિકી સરળતાથી બદલાઈ શકે છે.

એ જ રીતે, નાણાં ભેટ આપવાનું આ અતિ અનુકૂળ માધ્યમ છે. જોકે મર્યાદા એ છે કે, પોસ્ટ ઓફિસની જે શાખામાંથી કેવીપી ઇશ્યૂ થયા હોય તે જ શાખામાં તે રિડીમ કરી શકાશે.

અહીં એક વ્યવસ્થા મોજૂદ છે. જો આ રીતે બોન્ડ ભેટમાં મેળવનાર વ્યક્તિ પોસ્ટ ઓફિસની જે શાખામાંથી કેવીપી ઇશ્યૂ થયા હોય તે શહેરની બહાર કોઇ અન્ય શહેરમાં હોય તો અન્ય પોસ્ટ ઓફિસમાં બોન્ડ હસ્તાંતરિત કરવા પડશે.

વળી અહીં એક અન્ય સમસ્યા પણ છે.

કેવીપીનું વેચાણ ત્રીજી વ્યક્તિને કરવાની સુવિધા હોવા છતાં નાણાકીય આયોજકોને ડર છે કે નાણાકીય સમજણ ન ધરાવતા રોકાણકારો વ્યાજની ખોટી ગણતરી કરે અને ડિસ્કાઉન્ટ પર બોન્ડ્સનું વેચાણ કરે તો તેમને નુકસાન થઈ શકે છે.

જોકે નાણાકીય આયોજકોનું કહેવું છે કે નવા કેવીપી બેન્કની સુવિધા ન ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં અપીલ કરશે. સરકાર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પર ભાર આપી રહી છે ત્યારે આ વાત યોજનાની સફળતાનું આકર્ષક પરિબળ બની શકે છે.

ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફર્મના સીએફપીનું કહેવું છે કે, " આનું કારણ એ છે કે, કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા ચેક બુક અને બેન્ક ખાતાની આવશ્યકતા નથી, એટલે જ્યાં બેન્ક ન હોય એવા વિસ્તારોમાં કેવીપી ગ્રામીણ નાગરિકો માટે ઉપયોગ થશે.

અગાુ જણાવ્યાં અનુસાર સરકારના દૃષ્ટિકોમથી યોજના સફળ તાય કે નહીં તે જૂદી ચર્ચા છે, પરંતુ રોકાણકારો માટે તો વિવિધ પાંસાનો અભ્યાસ કરતા ડેટ ફંડ્સ જ વધુ ફાયદાકારક જણાય છે.

નિષ્ણાતો કહે છે કે, વધુ સંકળાયેલા રોકાણકારો માટે ડેટમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાન્સ અને ડેટ ફંડ્સ બની શકે છે. ડેટ ફંડ્સ કરવેરો બચાવવા વધુ અસરકારક છે, કારણ કે તેમને મૂડી અસ્કયામતો તરીકે ગણવામાં આવે છે.

રોકાણકારો ત્રણ વર્ષથી વધારે સમય રોકાણ જાળવી રાખે તો ઇન્ડેક્શેસન ફાયદો ઉઠાવી શકે છે. તેમાં રોકાણ જાળવી રાખવાના સમયગાળા દરમિયાન ગ્રાહક મોંઘવારી ગણતરી લેવામાં આવે છે અને તે પ્રમાણે રોકાણનો ખરીદભાવ સરભર કરે છે.