શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 26 નવેમ્બર 2015 (17:20 IST)

RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી રજાના દિવસે પણ ચાલુ રહેશે

આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતા અરજદારો માટે ખુશખબર છે. હવે આરટીઓની ઓફિસ શનિ-રવિની રજામાં એટલે કે વીકએન્ડ દરમિયાન પણ ચાલુ રહેશે અને આ રજાઓમાં ડ્રાઇવિંગ માટેના ટેસ્ટની કામગીરી પણ ચાલુ રહેશે.

રાજ્યના માર્ગ પરિવહન વિભાગે આરટીઓની જુદી જુદી કચેરીઓને શનિ-રવિની રજાઓમાં પણ ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજીઓના ટેસ્ટ ચાલુ રાખવા સૂચના આપી છે. ડ્રાઇવિંગ લાઇસન્સના અરજદારો માટે એક મોટા રાહતરૂપ પગલાંમાં હવે આવા અરજદારોને ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટની એપોઇન્ટમેન્ટ મેળવવાનું વધુ સરળ રહેશે અને ધાર્યા કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ લાઇસન્સની કામગીરી હાથ ધરાશે તેમજ તેના કામનું ભારણ હળવું થશે.

નવા અરજદારો હવે વીકએન્ડ માટે પણ એપોઇન્ટમેન્ટ મેળવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ ખાતે દરરોજ ૧૨૦ દ્વિચક્રી વાહનો અને ૬૦ ફોર વ્હિલર્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવે છે, જ્યારે માસિક ધોરણે ૨૦૦૦ દ્વિચક્રી વાહનો અને ૧૨૦૦ ફોર વ્હિલર્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવે છે.

આરટીઓના એક કર્મચારીએ જણાવ્યું હતું કે પૂરતા સ્ટાફના અભાવે આરટીઓ ખાતે પડતર કામગીરીનો ભરાવો વધવાથી અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વહેલી એપોઇન્ટમેન્ટ મળતી ન હતી. આથી માર્ગ પરિવહન વિભાગે આરટીઓ ઓફિસને શનિ-રવિની રજામાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રાખવા સૂચના આપી છે.