શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2015 (16:00 IST)

આયા રંગો કા ત્યૌહાર...બાળ પાત્રોવાળી પિચકારીઓની ડિમાન્ડ

રંગોનો તહેવાર હોળી જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રંગનું બજાર તેજીમાં આવી રહ્યું છે. તેમાંય પિચકારી માર્કેટમાં તો આ વર્ષે ખૂબ વિવિધતા જોવા મળી રહી છે. ટીવી શોમાંથી છોટાભીમ, કીટી, મિકીમાઉસ, ડોરેમોન, ડાયનાસોર વગેરે પાત્રોની પિચકારીની બજારમાં માગ વધી છે. એટલું જ નહીં, પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન મટી દેશના વડા પ્રધાન ભલે બન્યા, પરંતુ ગુજરાતમાં તેમના નામ અને ચિત્રવાળી પિચકારીઓ ધૂમ મચાવી રહી છે.

બજારમાં આ વિશે પિચકારીના વેપારીઓ જણાવે છે કે બાળકોની પસંદગીના કાર્ટૂન પાત્રો પરથી પિચકારીઓ બની રહી છે. જેની ડિમાન્ડ સૌથી વધુ છે.

આ વર્ષે પિચકારીઓના ભાવમાં ૨૦થી ૨૫ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અત્યારે દિલ્હી દરવાજા સહિતના બજારમાં બાળકોની પસંદગીની આ પિચકારીઓના માલ ઠલવાયા છે. ડોરેમોન, ગણેશ, છોટાભીમ, મિકીમાઉસ, કીટી, ડાયનાસોર, બેનટેન સહિતની પિચકારીઓની ખરીદી વધી છે. આ પિચકારીઓની કિંમત રૂ. ૧૮૦થી લઈને ૬૦૦ સુધી છે. જેના પાણીની નાની ટેંકમાં ૩ લિટરથી પાંચ લિટર સુધીનું પાણી ભરી શકાય છે.

આ સિવાય એરગન પમ્પવાળી પિચકારીઓ પણ મળે છે. જેની કિંમત રૂ. ૨૦થી ૩૫૦ સુધીની છે.

આ વખતે પિચકારી સાથે સાથે બજારમાં હોળી સ્પેશિયલ ફટાકડા પણ મળે છે. જેમાં હાથમાં રાખીને સળગાવાથી તેમાંથી રંગબેરંગી ગુલાલ નીકળે છે.

આવા ફટાકડા લગ્નપ્રસંગે વપરાય છે, પરંતુ ફટાકડામાંથી ગુલાલ નીકળતું હોવાને કારણે હોળીમાં પણ આ ફટાકડાની માગ થઈ રહી છે. આવા પાંચ ફટાકડા રૂ. ૧૫૦ના મળે છે. પિચકારી, ફટાકડા અને આ વખતી મોદીટેટુ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વળી મ્યુઝિકલ પિચકારીની પણ માગ વધી રહી છે. રંગમાં પણ આ વર્ષે વેલવેટ, મેજન્ટા, સિલ્કી વગેરે જેવા નવા રંગો ઉમેરાયા છે.