ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 જુલાઈ 2014 (13:20 IST)

ઓનલાઇન ટ્રાવેલ બુકિંગના લાભ પણ છે ને ગેરલાભ પણ છે

ઓનલાઇન ટ્રાવેલ બુકિંગના વધતા વલણથી એજન્ટોને ભલે ફટકો પડ્યો હોય પરંતુ તેને કારણે મુસાફરોને તો જલસો પડી ગયો છે. ટેકનોલોજીને કારણે ખર્ચમાં ઘટાડો અને સવલતમાં વધારો થઇ રહ્યો છે.

એક અંદાજ અનુસાર આ વર્ષે ઉનાળાના વેકેશન દરમિયાનના બુકિંગમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટૂર પ્લાન કરી આપતી વેબસાઇટ અને પોર્ટલ પર ઓનલાઇન ટ્રાવેલ બુકિંગના વધતા વલણથી એજન્ટોને આ ફટકો પડ્યો હતો.

મોરેશિયસમાં કયો રિઝોર્ટ બીચથી સૌથી નજીક છે? દાર્જિલિંગની કઈ હોટેલમાં જૈન ફૂડ મળી રહેશે?

બાલીમાં ક્યાં સૌથી લક્ઝુરિઅસ વોટર-સ્પોર્ટ્સ કરી શકાય? ટિકિટ કે હોટેલનાં બુકિંગ ઉપરાંત ટ્રિપ પ્લાનિંગ કરતી વખતે જરૂરી નાની-મોટી અનેક માહિતી આજે ઇન્ટરનેટ પરનાં ખાસ ટ્રાવેલ પોર્ટલ પર મળી રહે છે.

આ પ્રકારની સવલત આપનાર સાઇટોમાં પણ હરીફાઇ ઓછી નથી. ટ્રિપ એડવાઇઝર, યાત્રા, મેક માય ટ્રિપ, ટ્રાવેલ ગુરૂ, એક્સપિડીયા, મુસાફિર, એવી અનેક વેબસાઇટ છે જે આજે લોકો માટે ઓનલાઇન ટ્રાવેલ એજન્ટ બન્યા છે.

આ માધ્યમે વધતા જતા ઓનલાઇન બુકિંગને કારણે ટ્રાવેલ એજન્ટોનાં ધંધામાં દ્યટાડો જોવા મળ્યો છે. શહેરનાં ટ્રાવેલ એજન્ટો આ વાતને સ્વીકારવાની સાથે, ઓનલાઇન બુકિંગમાં ખાસ કાળજી લેવાની સલાહ આપે છે.

એક ટ્રાવેલ એજન્ટ કહે છે કે, ઓનલાઇન બુકિંગ સુવિધાને કારણે લોકો હવે ઘર બેઠા જાતે જ તમામ માહિતી ભેગી કરી, હોટેલ અને ટિકિટ બુકિંગ કરાવી લે છે. જેનાથી ટ્રાવેલ એજન્ટોની ઘરાકીમાં ચોક્કસ ઘટાડો જોવા મળ્યો છે.’

તેઓ જણાવે છે કે ખાસ કરીને યુવા પેઢી જેઓ ઇન્ટરનેટથી પરિચિત છે અને ટેક-સેવી છે, તેઓ ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલની સુવિધા વધુ પસંદ કરે છે.

અલબત્ત, વડિલો અને વૃદ્ધો હજી પણ એજન્ટ પાસે બુકિંગ કરાવતા હોય છે. એક અન્ય ટ્રાવેલ એજન્ટ જણાવે છે કે, આ વર્ષે ઉનાળાનાં વેકેશન દરમિયાનનાં બુકિંગમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. પણ રેલ્વે, એરલાઇન્સ અને હોટેલનાં બુકિંગ તો હાઉસ-ફૂલ જ રહ્યાં.

આનો મતલબ એમ થયો કે લોકો હવે જાતે જ ઓનલાઇન બુકિંગ કરાવતા થયા છે. ભારત અને વિદેશની ટુર છેલ્લાં બે વર્ષથી ઓનલાઇન બુક કરનાર એક શેરદલાલ જણાવે છે કે, ઇન્ટરનેટનાં ટ્રાવેલ પોર્ટલ્સ પર હવે સાચા ફીડબેક મળી રહે છે.

આ ઉપરાંત રૂમ અને ફૂડનાં ફોટા પણ જોવા મળે છે.

ટ્રાવેલ પેકેજિઝની બેસ્ટ ડીલ્સ માટે ઓનલાઇન બુકિંગ કરાવવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જાણીતી વેબસાઇટ પર બુકિંગથી છેતરામણીનું જોખમ રહેતું નથી.

ઓનલાઇન બુકિંગના લાભ અનેક છે, જેમ કે, ઘર બેઠા દેશ-વિદેશની ટ્રિપ પ્લાન કરી શકાય છે. ટિકિટ, હોટેલ, વોટર-એક્ટિવિટી, ટેક્સી, બુકિંગ સરળતાથી શક્ય બને.

એ જ રીતે, ઓનલાઈન ટિકિટ બુક કરાવતા ઘણાં સસ્તા પેકેજ મળી રહે છે. જયારે ટ્રાવેલ એજન્ટ પાસે કરાયેલાં બુકિંગ મોંઘા સાબિત થઈ શકે છે, કારણે કે તેમાં સરખામણી કરવાની તક અને પારદર્શકતા ઓછી હોવાની શક્યતા હોય છે.

ટ્રાવેલ વેબસાઈટ પરનાં ફીડબેક કમેન્ટ્સથી ટ્રાવેલ ડેસ્ટિનેશન અને ત્યાંની હોટેલની નાનામાં નાની માહિતી અંગે અગાઉ મુસાફરી કરેલાં લોકોનાં મંતવ્યો જાણવા મળી રહે છે.

વેબસાઈટ પર ટ્રાવેલ ડિસ્કશન પ્લેટફોર્મનો પણ લાભ ઉઠાવી શકાય છે, જેમાં મુસાફરી અંગે કોઈ મુંઝવણ હોય તો તેનાં જવાબ મળી રહે છે. અલબત્ત દરેક સિક્કાની બે બાજું હોય છે, એ નિયમે અહીં ગેરલાભ પણ છે.

જેમ કે, ટ્રાવેલ એજન્ટ પાસે બુકિંગ કરાવ્યું હોય તો મુસાફરી દરમિયાન કોઈ પણ મુશ્કેલી આવે તો ટ્રાવેલ એજન્ટનો કોઈ પણ સમયે સંપર્ક કરી શકો છો. ઓનલાઇન બુકિંગમાં આ શક્ય નથી.

એ જ રીતે, વિદેશ ટુર માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવતા જો ટ્રાન્ઝિટ વિઝાની માહિતી ન મેળવી હોય તો મુશ્કેલીમાં પડી શકો છો અને એ વખતે અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ કરવાનો ભારે અફસોસ થાય છે.

જો ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે પાસપોર્ટની એક્સપાયરી તારીખનું ધ્યાન ન રાખવામાં આવે કે પછી અન્ય કોઈ ભૂલ થઈ જાય તો, બુકિંગની રકમ પાછી મેળવી શકાતી નથી. ક્યારેક ઇન્ટરનેટની ટ્રાવેલ વેબસાઇટ પર હોટલનાં રૂમ અને અન્ય સુવિધાનાં ગેરમાર્ગે દોરતા ફોટા મુકાય છે.