ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: વડોદરા , સોમવાર, 29 જૂન 2015 (17:57 IST)

કુરિયર મારફત બોગસ નોટો ઘૂસેડવાનો કારસો

ભારતીય અર્થતંત્રને ખોખલું કરવામાં કાર્યરત દેશદ્રોહી ટોળી અવનવા કારનામા આચરી ચલણમાં બોગસ નોટો ઘૂસેડવા સતત સક્રિય રહે છે. 'આકા'ઓ દ્વારા બોગસ નોટો વિવિધ રીતે એજન્ટો દ્વારા ફરતી કરાય છે ત્યારે પાણીગેટ દરવાજા પાસેની બુરહાની પ્રોવિઝન સ્ટોર ઝેરોકસ સેન્ટરમાં 'આકા' દ્વારા કુરિયર મારફત મોકલાવાયેલી રૂ.૩૮૩૦૦ની જાલી નોટનું બન્ડલ રંગેહાથ ઝડપી પાણીગેટ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી સઘન પૂછતાછ અર્થે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે પાણીગેટ વિસ્તારની જીઇબી ઓફિસ સામે બુરહાની પ્રોવિઝન સ્ટોર ઝેરોકસ સેન્ટર છે. જેનું સંચાલન શાહા હસન દાહોદવાલા અને તેના પિતા હસનજી અબ્બાસ કાટવાલા (બંને રહે. ઉત્તમચંદ ઝવેરીની પોળ, જમનાબાઇ હોસ્પટલ પાસે) કરે છે.
બુરહાની પ્રોવિઝન સ્ટોરમાં બોગસ ચલણી નોટો કુરિયરથી આવવાની હોવાની જાણ પાણીગેટ પોલીસ ઇન્સ્પેકટર એચએમ વાઘેલાને થઇ હતી. જેથી પો.ઇ. સહિત સ્ટાફના હે.કો. રમેશ સહિત જવાનો ધર્મેન્દ્ર, નાસીર મહમદ, આનંદ, અજીત, ઇમદાદ, ગોપાલ અને નિકમ , ડીસ્ટાફ પીએસઆઇ કીરીટ પટેલ અને એએસઆઇ વલ્લભભાઇ ત્રિકમભાઇ સાથે અન્યો વોચમાં ગોઠવાયા હતા.
દરમિયાન સયાજીગંજ વિસ્તારના પ્રોફેશનલ કુરિયર સેન્ટરેથી બોય પાર્સલ લઇને આવ્યો હતો. જેથી પોલીસે કુરિયરનું પાર્સલ તત્કાળ કબજે લીધું હતું. જયારે બીજી બાજુ પાર્સલ ખોલતા જ પોલીસ ચોંકી ઉઠી હતી. પાર્સલમાંથી નીકળેલા કવર પર ગુજરાતી ભાષામાં નોંદ લખવામાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે વ્યકિત આવવાનો હોત પરંતુ રમઝાનના રોઝાના કારણે આવ્યો નથી જેથી કુરિયર મોકલ્યું છે.
કવરમાંથી ૧૦૦૦-૫૦૦ અને ૧૦૦ના દરની કુલ ૭૩ નોટો મળી હતી. રૂપિયા ૩૩૮૦૦ની નોટો અંગે પોલીસે એફએસએલ વડા ગોંડલીયાનો તત્કાળ સંપર્ક કર્યો હતો. એફએસએલની પ્રાથમિક તપાસમાં તમામ નોટો બોગસ હોવાનો ભાંડો ફૂટયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયા એક હજારની જાલી નોટો પૈકી ૧૭ નોટના નંબર એક સમાન જયારે અન્ય નોટો જુદી જુદી સીરીઝની જણાઇ હતી. તેવી જ રીતે ૫૦૦ના દરની ૨૮ નોટો પૈકી ૧૫ નોટના નંબર એક સમાન જણાયા હતા.
જયારે અન્યના નંબર અલગ હોવાનું ખૂલ્યું હતું.
ઉપરાંત જાલી નોટના કાગળની ગુણવતા હલકી કક્ષાની જણાઇ હતી. તથા નંબરનું એમ્બોસ પ્રિન્ટીંગ કયાયં જણાયું નથી. જયારે જાલી નોટો કલર ઝેરોકસ સહિત અસલ ચલણી નોટથી સાઇઝમાં નાની હોવાનું પણ એફએસએલની તપાસમાં જણાયું હતું.
જાલી નોટના કવર પર અંગ્રેજીમાં હું હસન અબ્બાસ કાટવાલા (હમીદ) દાઉદી વ્હોરા મુસાફર ખાના પાવર હાઉસ સામે વડોદરા (બરોડા) સહિત ટેલીફોન નંબર પણ લખવામાં આવ્યો હતો. જયારે મોકલનાર તરીકે જોહરભાઇ સુરત અને મોબાઇલ નંબર સહિત અન્ય શેખ હસનજી મુલ્લા અલીહસન કઇડાવાલા હાઇકલાસ બિલ્ડીંગ દાહોદનું પણ નામ પીનકોડ સહિત ગુજરાત સાતે સ્પષ્ટ લખવામાં આવ્યું હતું. જેથી પોલીસે તમામ બોગસ ચલણી નોટો કબજે લઇ પ્રોવિઝન સ્ટોર સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરી રિમાન્ડના ચક્રો ગતિમાન કરવા સહિત સઘન પૂછતાછ આદરી હતી.
રમજાનના રોજાથી વ્યકિત નહીં આવતા કવર પર કુરિયર કરાયાની સ્પષ્ટતા
વડોદરા : જાલી નોટ કુરિયરથી આવતા પોલીસે બાતમી મુજબ પાર્સલ કબજે કર્યું હતું. જેમાંથી નીકળેલા કવર પર સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે વ્યકિત આવવાનો હતો પરંતુ રમઝાનના રોઝાના કારણે આવ્યો નથી જેથી કુરિયર મોકલ્યું હોવાની સ્પષ્ટતા પણ મોકલનાર દ્વારા કરવામાં આવી હતી.
કુરિયર મોકલનારામાં સુરત-દાહોદના વ્યકિતઓના નામ
વડોદરા : બોગસ ચલણી નોટના આવેલા કુરિયર પાર્સલ પર મોકલનાર તરીકે સુરતના જોહરભાઇ અને મોબાઇલ નંબર જણાવાયો હતો. ઉપરાંત અન્ય નામ દાહોદનું હતું.જેમાં શેખ હસનજી મુલ્લા અલીહસન કઇડાવાલા- હાઇકલાસ બિલ્ડીંગ દાહોદ પીન ૩૮૯૧૧૧ અને ગુજરાત પણ સ્પષ્ટ જણાવાયું હતું.
અનેક જાલી નોટના નંબર એકસરખા : સાઇઝમાં નાની
વડોદરા : પાણીગેટના બુરહાની પ્રોવિઝન સ્ટોરમાં 'આકા' દ્વારા કુરિયરમાં મોકલાયેલી રૂપિયા ૩૩૮૦૦ની નોટો એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં બોગસ જણાઇ હતી અનેક નોટના નંબર એક સમાન હતા. જયારે અસલ નોટથી પ્રમાણમાં સાઇઝ નાની હતી તથા કલર ઝેરોકસ હોવાનું સ્પષ્ટ જણાતું હતું. ઉપરાંત નંબર એમ્બોઝ કરેલો કયાંય જણાયો નથી.