ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 ઑગસ્ટ 2014 (12:26 IST)

ગામડોઓમાં આજે પણ બ્રાહ્મણ જ રાખડી આપી જાય છે

રક્ષાબંધનના તહેવારમાં રાખડીઓનું બજાર ગરમ બન્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાખડીઓની ખરીદીમાં વધારો થયો છે અને માર્કેટમાં અવનવી રાખડીયો આવી છે. આવુ અમદાવાદના વેપારીઓ જણાવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં મનપસંદ વેરાયટીની રાખડીઓ નહી મળે તેવુ સમજીને બહેનો હવે રાખડીઓ ખરીદવા માટે ઉમટી રહી છે. જયારે  બાળકો ટીવી પર આવતી સિરીયલો પ્રમાણે રાખડીઓ ખરીદવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. નાની બાળાઓ આવીને ઘણી વખત તેણે ટીવ પર જોયેલી રાખડીને ખરીદવા માટે આમ તેમ ફાંફા મારીને આખી દુકાનમાં પડેલી રાખડીઓ ફેંફોડી નાંખતી હોય છે.

રમેશભાઈ પટેલ કહે છે કે  મોંઘવારીની અસર હવે રક્ષાબંધનના તહેવાર ઉપર પણ પડી છે. શ્રાવણ માસ શરૃ થતાની સાથે જ વેપારીઓએ રાખડીઓ વેચવાની તૈયારીઓ શરૃ કરી દીધી હતી. પણ છેલ્લા બે ત્રણ દિવસથી ઘરાકોનો ધસારો શરૃ થયો છે. ડાયમંડ, ક્રિસ્ટલ પારા, સિલ્વર, ફૂલ તેમજ દેવ-દેવીઓમાં ગણેશ, રાધાકૃષ્ણ અને શ્રીનાથજી, વગેરે પ્રકારની રાખડીઓની વેરાયટીઓ બજારમાં આવી છે. જયારે બાળકોમાં છોટા ભીમ અને ડોરેમાન જેવી ટીવી પર આવતી સિરીયલોને અનુરૃપ અને રમકડાંની  રાખડીઓ બજારમાં આવી છે. નાની બાળાઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ પોતાની તેમજ પોતાના ભાઈની પસંદગી મુજબની રાખડીઓ ખરીંદે છે.

દૂર રહેતા ભાઈઓ માટે બહેનોએ હવેથી જ રાખડીઓ ભાઈને મોકલવાનું શરુ કર્યુ છે જેથી કરીને રાખડીની ખરીદીમાં પણ વધારો થયો છે.  આ વર્ષે રવિવારે રક્ષાબંધન છે.

શહેરના વેપારી કયુરભાઈ  કહે છે  આમાં ટીવી પર આવતી સિરીયલો, સમાજના રીત રિવાજ અને દેખાદેખી મહત્વનો ભાગ ભજવે છે. એક વખત હતો જયારે ભાભીના નામથી જાણીતી બનેલી રાખડી રાજસ્થાની  પરિવારો વધારે ખરીદતા હતા.
ગામડોઓમાં આજે પણ એક બ્રાહ્મણ દ્વારા રાખડી બાંધવાનો રિવાજ ચાલુ છે. ઘરે ઘરે બ્રાહ્મણ જઈને ઘરના તમામ પુરુષોને  રાખડી બાંધે છે એના બદલામાં ઘર માલીકે તેને દક્ષિણામાં દાણા આપવાના હોય છે હવે દાણાના બદલે પૈસાની પરંપરા આવી છે. ગામડાં વરસો જૂની પરંપરા ચાલી રહી છે. ગામડાંમાં આધુનિક સમયની  ફેશનેબલ રાખડીઓની પણ ધૂમ જોવા મળે છે.