શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 એપ્રિલ 2014 (18:16 IST)

ગુજરાત નંબર વનઃ સોનાની દાણચોરી માટે

દેશના અન્ય આંતરરાષ્ટ્રીય વિમાની મથકોની સરખામણીમાં અમદાવાદનું સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાના દાણચોરો માટે સ્વર્ગ બની રહ્યું હોય એમ ગત નાણાંકીય વર્ષમાં દાણચોરીના ૩૦ કિસ્સા નોંધાયા હતા. જેના થકી ૩૮,૧૧૫ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
 
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત ઉપર ભારે અંકુશ લાદવામાં આવતા તેના સ્મગલિંગનો ધંધો પૂરબહારમાં ખીલ્યો હતો. અમદાવાદનું હવાઈમથક દાણચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય એમ એક વર્ષમાં દાણચોરીના કિસ્સામાં પંદર ગણો વધારો નોંધાયો હતો.
 
વર્ષ ૨૦૧૩-૧૪માં કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સોનાની દાણચોરીના ૩૦ કિસ્સા શોધી કાઢી રૂા. ૯.૫૨ કરોડની કિંમતનું ૨૮.૮ કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેની સરખામણીમાં વર્ષ ૨૦૧૨-૧૩માં સોનાની દાણચોરીના માત્ર બે કિસ્સા શોધી કાઢી પોણા બે કરોડની કિંમતનું ૬.૧૩ કિ.ગ્રા. સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૩-૧૪ના છેલ્લા ત્રણ માસમાં જ રૂ. ૫.૪ કરોડની કિંમતનું ૧૮ કિલો સોનું પકડી લેવામાં આવ્યું હતું.
 
કસ્ટમ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં દાણચોરીના મુખ્ય પાંચ બનાવોનો ઘટસ્ફોટ કરી ૧૨ કિલો સોનુ જપ્ત કરાયું હતું. જ્યારે તેના અગાઉના વર્ષમાં આ પ્રમાણ રૂ. ૩.૪૦ લાખની કિંમતના ૧૩૬ ગ્રામ સોના પૂરતું સીમિત હતું.
 
સોનાની દાણચોરી માટે સોનાની આયાત પર લાદવામાં આવેલી ડ્યૂટીને જવાબદાર ગણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં સોના પરની આયાત ડ્યૂટી બે ટકાથી વધારીને ૧૦ ટકા જેટલી કરવામાં આવી છે. તેવી જ રીતે કાચા સોના પરની ડ્યૂટીમાં પણ બમણો વધારો ઝીંકાયો છે. સોનાની દાણચોરીના મહત્તમ કિસ્સા દુબઈ-શારજહા- દોહા રૂટ પર સર્વાધિક ધ્યાન પર આવ્યા છે. આ દેશો વચ્ચે ભાવના તફાવત મુખ્ય કારણ મનાય છે. દુબઈમાં પ્રતિકિલો રૂ. ૨.૭ લાખ ડ્યૂટી ચૂકવનાર દાણચોરને ભારતમાં કિલોએ રૂ. ૭૫ હજારનો ફાયદો થાય છે.