શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (17:22 IST)

ચેકપોસ્ટ કૌભાંડનો રેલો આરટીઓ અધિકારીઓ સુધી પહોંચ્યો

રાજયના 14 ચેકપોસ્ટ પર ખાનગી ડેટા ઓપરેટર અને સુપરવાઈઝર દ્વારા આચરવામાં આવતાં કૌભાંડનો રેલો આખરે આરટીઓ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. એસીબીની તપાસમાં આરટીઓના સંખ્યાબંધ અધિકારીઓનાં નામો બહાર આવ્યાં છે. એટલું જ નહીં આઠ સુપરવાઈઝર અને ડેટા ઓપરેટરને એસીબી શોધી રહી છે.બીજી તરફ રિમાન્ડ પરના આરોપી જયેશ પટેલના પાટણ ખાતેની બેંકમાં તપાસ કરતાં 10 લાખ મળી આવ્યા હતા.જયારે વડોદરામાં વિપુલ અને જયેશના વડોદરામાં ખરીદેલા ફલેટોના દસ્તાવેજો મળી આવ્યા હતા. ચેકપોસ્ટો પર સરકારી બાબુઓ દ્વારા કેવી રીતે કૌભાંડ આચરવામાં આવતું હતું, તેનો ખાનગી અહેવાલ એસીબી સરકારને આગામી દિવસોમાં સોંપે તેવી શકયતાઓ છે.

એસીબીના જોઈન્ટ નિયામક ડો. સમશેરસિંગની સીધી સૂચના હેઠળ એસીબીના ઓપરેશન હેડ ટી.કે.પટેલની આગેવાની હેઠળ તપાસ માટે સાત ટીમ બનાવવામાં આવી છે.ચેકપોસ્ટ કૌભાંડમાં પકડાયેલા આઠ આરોપીઓની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે.જેમાં જયેશ પટેલ અને વિપુલ દ્વારા ચેક પોસ્ટ પર મૂકવામાં આવેલા ડેટા ઓપરેટર અને સુપરવાઈઝરમાંથી આઠ જણા ચેકપોસ્ટ પરથી પસાર થતી ટ્રકોનાં નાણાં ઉધરાવતા હતા. આ નાણાં ચેકપોસ્ટ નજીક ખાનગી જગ્યાએ મૂકવામાં આવતી હતી.

આ રેકેટમાં આરટીઓના અધિકારીઓનાં નામો બહાર આવ્યાં છે.જો કે, એસીબીને એવી શંકા છે કે, જો અધિકારીઓનાં નામો જાહેર કરવામાં આવે તો નાસી જાય તેમ છે અથવા તપાસ પર અસર થઈ શકે તેમ છે. હાલમાં એસીબી એ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આઠ સુપરવાઈઝર અને ડેટા ઓપરેટરને શોધી રહી છે. એસીબીના જોઈન્ટ ડાયરેકટર ડો.સમશેરસિંગે જણાવ્યું હતું કે, એસીબીના અધિકારીઓએ ગઈકાલે જયેશ પટેલના પાટણ ખાતેના ઘરે સર્ચ કરતા બેંકના દસ્તાવેજો મળ્યા હતા.જે બેકમાંથી 10 લાખ મળી આવ્યા હતા. જયારે જયેશ પટેલ અને વિપુલે વડોદરામાં ખરીદેલા બે ફલેટના દસ્તાવેજો મળી આવ્યા હતા.જેમાં કુલ 30 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવેલ છે. ઉપરાંત જયેશની 15 લાખની એફડી મળી આવી છે.
આરટીઓ અધિકારીઓનાં નામો બહાર આવ્યાં છે. પરતુ હાલ નામો જાહેર કરી શકાય તેમ નથી. એસીબીને એવી શંકા છે કે, વિપુલ અને જયેશના લોકરમાંથી મહત્વના દસ્તાવેજો અને સોનું મળી શકે તેમ છે. એસીબીના અધિકારીઓ સરકારી પંચોને સાથે રાખીને ચાર લોકરોની તપાસ હાથ ધરનાર છે.  એસીબીને જયેશ પટેલના સાત,વિપુલના સત્તર ખાતાં સીઝ કર્યા બાદ તેમને બેંક દ્વારા કરેલી વ્યવહારોની તપાસ કરવા માટે બેંકના સ્ટેટમેન્ટ મગાવ્યાં છે. એસીબીએ બન્નેની ઓફિસમાંથી કબજે લીધેલાં 10 કમ્પ્યૂટર અને બે લેપટોપ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યાં હતાં.જેની એફએસએલમાંથી માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે. એસીબીના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ ચેકપોસ્ટ કૌભાંડની રકમ અબજો રૂપિયા ઉપર પહોંચી શકે તેમ છે. એસીબીના તપાસનીશ અધિકારીને ફલાઈંગ સ્કવોડની સંડોવણી અંગે પૂછતાં તેમને કહ્યુું કે,હાલમાં તપાસ ચાલી રહી હોવાથી કાંઈ કહી શકીએ તેમ નથી.