શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 9 ડિસેમ્બર 2015 (17:28 IST)

જામનગર બાંધણીને જીઆઇ પેટન્ટ મળી

જામનગર બાંધણીને જીઆઇ પેટન્ટ મળી

જામનગરની ઓળખ સમાન વિખ્યાત 'જામનગર-બાંધણી' ને જીઓગ્રાફીકલ ઇન્ડીકેશન(જીઆઇ) ટેગ મળ્યો છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જીઆઇ ટેગ માટેની અરજીને પેટન્ટ ઓફિસે મંજુર કરી છે. આમ સંખેડા ફર્નિચર, ગીર કેસર કેરી, પાટણના પટોળા બાદ જીઆઇ ટેગ મેળવનાર આ ગુજરાતની નવમો ટેગ છે.

"વર્ષ ૨૦૦૮માં અમે બાંધણીના જીઆઇ ટેગ માટે અરજી કરી હતી, પરંતુ તે વખતે અમે ગુજરાત બાંધણી તરીકે અરજી કરી હતી, જે મંજૂર રહી ન હતી કારણ કે અમે જામનગરની વિશેષતાને સમગ્ર રાજયની વિશેષતા ન બતાવી શકીએ જેથી જામનગર બાંધણી (ટાઇડ એન્ડ ડાય) તરીકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ફરી અરજી કરી હતી, જેને કાપડ મંત્રાલય અંતર્ગત આવતી પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક કચેરીએ મંજુરી આપી છે. જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળતા આ વિસ્તારની બાંધણીનું જામનગર બાંધણી તરીકે બ્રાન્ડીંગ કરી શકાશે." તેમ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ શ્રેણિક મહેતાએ જણાવ્યું હતું.

મહેતાએ જણાવ્યું હતુ કે, "આ મંજૂરીને પગલે હવે રાજકોટ કે ભુજ જેવા અન્ય વિસ્તારમાંથી કોઇ બાંધણી વેચનાર જામનગર બાંધણી તરીકે તેમની પ્રોડકટ વેચી નહીં શકે અને જામનગર બાંધણી તેની ઓળખ વધુ મજબુત બનાવશે, જેના પગલે ઉદ્યોગો અને ૪૦,૦૦૦ જેટલા કારીગરોને ફાયદો થશે." રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગ્રૃપ વાઇસ પ્રેસિડન્ટ પરીમલ નથવાણીએ ટવીટ કરીને ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે," આખરે વિશ્વ વિખ્યાત જામનગર બાંધણીને જીઆઇ પેટન્ટ મળી અને હજારો કારીગરોને તેનો ફાયદો થશે."

ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપટી કાયદા સાથે સંકળાયેલા પેટન્ટ એટર્ની જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,"આ પ્રકારની કેટગરીમાં જે તે વિસ્તારની ઓળખને આઇપીઆર કાયદા મુજબ પેટન્ટ ન કહેતાં જીઓગ્રાફીકલ ઇન્ડીકેશનના રાઇટસ કહેવાય, જે જામનગરના વેપારી એસોસિએશન કે બાંધણી બનાવનારાઓના જુથને મળશે. આનાથી તેમને કાયદા સામે રક્ષણ મળે છે. કોઇ ત્રાહિત વ્યકિત જામનગરની બનાવટ ન હોય અને તેને જામનગરની બાંધણી તરીકે વેચે તો તે ગુનો બને છે અને તેની સામે કાયદાથી રક્ષણ મળે છે."

અત્યાર સુધીમાં ગુજરાતને કુલ નવ જ જીઆઇ પેટન્ટ મળી છે, જેમાં વર્ષ ૨૦૦૮-૦૯માં સંખેડા ફર્નિચર, ખંભાતના અકીક, અને કચ્છ એમ્બ્રોડરી નામની ત્રણ જીઆઇ પેટન્ટ મળી હતી. ૨૦0૯-૧૦માં તંગલીયા શાલને હેન્ડીક્રાફટ કેટગરીમાં, વર્ષ ૨૦૦૧૦-૧૧માં સુરત જરી ક્રાફટ, વર્ષ ૨૦૧૧-૧૨માં ગીર કેસર કેરી, ભાલીયા ‌ઘઉં, વર્ષ ૨૦૧૨-૧૩માં ક્ચ્છી શાલ અને હવે વર્ષ ૨૦૧૪-૧૫માં જામનગર બાંધણીને જીઆઇ પેટન્ટ મળી છે.