શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 ઑક્ટોબર 2014 (14:58 IST)

જૂની ઘરવખરી, ભંગાર અને પસ્તી પણ હવે ઓનલાઇન વેચાવા લાગ્યા

દિવાળીના તહેવારો અગાઉ ઘરની સાફસફાઇ કરી લોકો જૂની ઘરવખરીને વેચીને નવી ખરીદતા હોય છે. ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે હવે અમદાવાદીઓ પસ્તીથી માંડીને ટીવી,ફ્રિજ સહિતની વસ્તુઓ જૂની ચીજવસ્તુ ખરીદનારાં ભંગારના વેપારીઓને આપવાને બદલે શોપિંગ વેબસાઇટના માધ્યમથી વેચતા થયાં છે. આ બદલાવને કારણે અમદાવાદમાં પસ્તી - ભંગારના વેપારીઓના ધંધા પર અસર જોવા મળી રહી છે.

ઇન્ટરનેટના વધતા પ્રભાવને કારણે હવે લોકો ઘેર બેઠા જ શોપિંગ કરવાનું પસંદ કરી રહ્યાં છે. દિનપ્રતિદિન ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે તે સંજોગોમાં જૂની ઘરવખરી જેવી ફ્રિજ,ટીવી,ઓવન,સોફાસેટ, ડાઇનીંગ ટેબલ વેચવા માટે અત્યાર સુધી લોકો જૂની વસ્તુઓની લે વેચ કરનારાંની કાગડોળે રાહ જોતાં હતાં. હવે સમય બદલાયો છે. હવે એવુ નથી. લોકો જે તે વસ્તુઓના ફોટા પાડીને કિંમત લખીને વેબસાઇટ પર મૂકી દે છે અને ઘેર બેઠાં જ જૂની ઘરવખરીના સોદા કરીને વેચાણ કરે છે. વેબસાઇટને કારણે ગ્રાહક શોધવાની ઝંઝટ રહેતી નથી. સંતોષકારક કિંમત મળી રહે છે. ગ્રાહકો સામે ચાલીને ફોન કરીને જૂની ઘરવખરીની ખરીદી કરે છે. આ કારણોસર વિવિધ ઘરવખરીની વસ્તુઓની લે વેચ કરતી વેબસાઇટોની તહેવારોમાં બોલબોલા છે. મહત્વની વાત એ કે, વેબસાઇટ પર લે વેચ માટેનો કોઇ ખર્ચ કરવો પડતો નથી. હવે તો પસ્તી પણ ઓનલાઇન વેચાઇ રહી છે. એટલું જ નહી, એક ફોન કરોને ઘેર બેઠા પસ્તી લેવા આવી જાય તેવી સુવિધા પણ પસ્તી ડોટ કોમ દ્વારા શરૃ થઇ છે.
જોકે, ઓનલાઇન લે વેચની વેબસાઇટને કારણે ભંગાર,પસ્તી કે જૂની ચીજવસ્તુઓ ખરીદનારાં નાના વેપારીઓના ધંધા પર અસર થઇ છે.તેમનું કહેવું છે કે, એક સમયે દિવાળી અગાઉ પોશ એરિયામાંના બંગલા-ફલેટોમાંથી સસ્તાના ભાવે ઘરવખરી આપી દેતાં જેનું નાનુમોટુ સમારકામ કરીને વેચીને વેપારીઓ સારી એવું કમાઇ લેતાં હતાં. ઓનલાઇનને કારણે લોકો જૂની ઘરવખરી આપતાં જ નથી. આમ, અમદાવાદીઓએ ઘેર બેઠાં જ ઘરવખરી વેચવા સારો માર્ગ શોધી કાઢયો છે.