શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 જાન્યુઆરી 2015 (13:13 IST)

જે બેંક ખાતા બિલકુલ ઉપયોગમાં ન હોય તેને બંધ કરી દો - નિષ્ણાંતો કહે છે

અમુક લોકો ઉપયોગમાં ન લેવાતા હોય એવા બેન્ક ખાતા પણ વર્ષો સુધી ચાલુ રાખતાં હોય છે. જોકે, નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો એવી તાકીદ કરે છે કે મહેરબાની કરીને આવાં ઉપયોગ ન કરતાં હોવ તેવા બેંક ખાતા વહેલી તકે બંધ કરો.

સામાન્ય રીતે નોકરી બદલાય ત્યારે આ પ્રકારે બેન્ક ખાતું નિષ્ક્રીય બની જતું હોય છે. વર્ષો દરમિયાન દરેક જોબ બદલવાની સાથે તમે તમારી પાછળ ઘણા બેન્ક ખાતાઓ છોડો છો જે કોઈપણ કામકાજના અભાવે નિષ્ક્રિય થઇ જાય છે.

નિષ્ણાતો કહે છે કે, આવા નકામા થઇ ગયેલા બેન્ક ખાતા બંધ કરો અથવા જો તેમાં રકમ હોય તો તે રકમ, તમે જે ખાતું નિયમિત ઉપયોગમાં લેતા હો તેમાં ટ્રાન્સફર કરાવી લો અને પેલું ખાતું બંધ કરો.

એક અગ્રણી સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનરે આ સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે, તમારે તમારું નિષ્ક્રિય ખાતું બંધ કરવું જોઈએ અથવા તેને કોર બેન્કિંગ મારફત ટ્રાન્સફર કરવું જોઇએ કેમ કે આવા ખાતાઓના પોતાના જોખમ હોય છે.

પ્રથમ તો બેન્ક ખાતું નિષ્ક્રિય હોય તો તમારે મિનિમમ બેલેન્સ જાળવવું પડતું હોય છે. આ લઘુતમ સ્તરથી બેલેન્સ નીચે જાય તો બેન્ક તમને દંડ લાગુ કરશે, જે સામાન્ય રીતે રૂ. ૨૫૦-૭૫૦ જેટલું પણ હોય છે.

ઉપરાંત અમુક બેન્ક કર્મચારીઓ દ્વારા ગેરકાયદે સોદા માટે તેનો ઉપયોગ થઈ શકે છે અને તેને કારણે ક્યારેક કાનૂની જાળમાં સપડાઇ જાવ અથવા તો કરવેરાની સમસ્યા ઊભી થાય અથવા તેમાં કોઇ ખોટા વ્યવહાર થયા હોય તો તપાસ અને પુછપરછનો સામવનો કરવો પડે!

આ પ્રકારના બેન્ક ખાતા બંધ કરવાના લીધે તમને નાણાકીય રીતે ફાયદો થવાની સાથે તમારે તેના પર ધ્યાન પણ રાખવું નહીં પડે. આ સાથે તમે ભવિષ્યમાં તેના પર લાગનારા દંડથી પણ બચી જશો તે મહત્ત્વનું છે.

નિષ્ણાતો કહે છે કે, કોઈપણ વ્યક્તિએ પોતાના નિષ્ક્રીય બેન્ક ખાતાને બને તેટલા વહેલા બંધ કરાવવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં તો તે ભવિષ્યમાં તકલીફમાં મૂકાઈ શકે છે. તેથી આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો તમે બેન્ક તમને દંડ ફટકારવામાં જરા પણ વાર નહીં કરે.

નવા વર્ષમાં નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે કેટલીક અન્ય બાબતો પર પણ ધ્યાન આપવું આવશ્યક છે. જેમ કે, બિલ ભરવા માટે ઓટોપે સુવિધાનો ઉપયોગ કરવો લાભમાં રહેશે.

આજે સામાન્ય રીતે કોઇપણ પરિવારને મહિને લગભગ છથી આઠ યુટિલિટી બિલ્સ ભરવાના થતાં હોય છે, જેમાં કેટલાક કાર્ડના પેમેન્ટનો પણ સમાવેશ થતો હોય છે.

તમે આ બિલ ભરવાનું ચૂકી જાવ તો પેનલ્ટી કે દંડ થાય છે. સામાન્ય રીતે નાણાંના અભાવે નહી, પરંતુ ભુલી જવાના કારણે તમારે ૩૦૦-૫૦૦ સુધીની લેટ પેમેન્ટ ફી ભરવી પડે છે.

તમારી બેન્ક સાથે ઓટોપે સુવિધા લાગુ કરવાથી પેમેન્ટ કરવામાં અને રકમ ચુકવવાની છેલ્લી તારીખ યાદ રાખવામાં રાહત મળે છે. તમે નેટ બેન્કિંગ મારફત ઓટોપે સુવિધા સક્રિય કરી શકો છો.

મોટાભાગની બેન્કો આ સુવિધા મફત પણ આપે છે. વધારે જાણવા તમારી બેન્કની વેબસાઈટ જોવી જોઈએ. ઓટોપેના ઉપયોગના કારણે તમે વિના વિઘ્ને કાર્યક્ષમ રીતે નાણાકીય ચૂકવણી કરી શકો છો.

નાણાકીય દસ્તાવેજો પર પણ નવા વર્ષે નજર ફેરવી લેજો. આ દસ્તાવેજોમાં તમારા સંપર્કની વિગતો અપડેટ કરતાં રહો એ આવશ્યક છે, કારણ કે એના ફેરફારોની નોંધ મહત્ત્વની હોય છે.

તમે ઘર બદલાવો અથવા નોકરી બદલાવો ત્યારે તમારે રોકાણના દસ્તાવેજોમાં આ વિગતો અપડેટ કરાવવી જોઇએ. તમે અગાઉની કચેરીનું ઈમેલ એડ્રેસ સેક્ધડરી ઈમેલ એડ્રેસ તરીકે આપ્યું હોય તો તેને તત્કાળ બદલાવી નાખો.

પેન કાર્ડમાં તમારું જૂનું સરનામું હોય તો તેને તુરંત અપડેટ કરો કારણ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પેન એડ્રેસને અનુસરી શકે છે. આ રીતે બેન્ક ખાતું કોલવાથી માંડીને અનેક ઠેકાણે પેન કાર્ડ આવશ્યક હોવાથી તેની ખાસ
કાળજી લો.

એ જ પ્રકારે, જ્યારે પણ સરનામુ અને ફોન નંબર બદલાય તો આ પ્રકારની વિગતો અપડેટ કરાવવાનું ન ચૂકો. ઘણી વખત વિગતો સમયસર અપડેટ ન કરવાના લીધે ઘણું નુકસાન વેઠવું પડતું હોય છે. તેથી આ પ્રકારની ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં.

તમને મોકલવામાં આવતાં તમામ મેઈલ ચેક કરો. ઘણી નાણાકીય સંસ્થાઓ તમને ઈમેલ મોકલતી હોય છે જેને તમે ઘણી વાર ચેક કરતા નથી.

નિષ્ણાતો કહે છે કે, તમારી બેન્ક્સ, મ્યુચ્યુઅલ ફંડ્ઝ, વીમા કંપનીઓ તરફથી આવતા તમામ મેઈલ ખોલો તથા તમારા મેલ એકાઉન્ટમાં તેના માટે અલગ ફોલ્ડર બનાવો.

આને કારણે તમારું ફાઈનાન્શિયલ પેપરવર્ક વધારે મજબૂત બનશે. તેને હાર્ડકોપીમાં પણ તબદીલ કરી શકાય. જો તે અગત્યના હોય તો, તેને ફાઈલ કરો.

સામાન્ય સ્થિતિ જાળવી રાખવા માટે હંમેશા જંક મેઈલ્સથી છૂટકારો મેળવવાનું જાળવી રાખો. અલબત્ત તમારા અકાઉન્ટની વિગતો માગીને તેનો દુરુઉપયોગ કરનારા મેઇલથી પણ સાવધાન રહેવાનું ચૂકતા નહીં!

રિવોર્ડ પોઈન્ટની રોકડી કરો અને મહત્ત્વના ફાયદા મેળવો. તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો ત્યારે તમે રિવોર્ડ પોઈન્ટ મેળવો છો, પરંતુ ભેટ મેળવવા અથવા અન્ય લાભ મેળવવા માટે તમે ભાગ્યે જ આ પોઈન્ટની રોકડી કરો છો.

જે ચીજ તમારી છે તેના માટે દાવો નહીં કરીને તથા આ પોઈન્ટને નકામા પડી રહેવા દઈને તમે તમારું જ નુકસાન કરો છો. નાણાથી વિપરીત આ એકઠા થયેલા પોઈન્ટ વ્યાજ સાથે વધશે નહીં, પરંતુ નાણાની માફક સમય જતાં તેની ખરીદશક્તિમાં ઘસારો થશે.

ઉદાહરણ તરીકે, તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે. ૨૦૧૨માં તમે ૨,૮૦૦ પોઈન્ટ રિડિમ કરીને ટપરવેરનો લંચ સેટ મેળવી શકતા હતા. આજે તે સેટ માટે તમારે ૩,૨૦૦ રિવોર્ડ પોઈન્ટ રિડિમ કરવા પડશે.

આમ રિવોર્ડ પોઇન્ટનો જેટલો ફાયદો ઉઠાવવામાં આવે તેટલો ફાયદો ઉઠાવી લેવાની સીધી અસર તમારી નાણાકીય ક્ષમતા પર પર પડે છે તે વાત ન ભૂલવી જોઈએ. આમ તમે રિવોર્ડ પોઇન્ટનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને તમારી નાણાકીય સ્થિતિમાં ઘણો ફેર પાડી શકો છો.