શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 ઑક્ટોબર 2014 (16:38 IST)

ઝાડુ સાવરણાના ધંધામાં ભારે તેજી, શરુ થયું ઓનલાઇન વેચાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના પ્રારંભ કરાવ્યા બાદ આખાયે દેશમાં ઝાડુથી સફાઇ કરીને રાજકારણીઓએ આ અભિયાનમાં હોંશભેર ભાગ લીધો. ફિલ્મ સ્ટારથી માંડીને ક્રિકેટરોએ સફાઇ અભિયાનમાં જોડાતાં ઝાડુ જાણે લાઇમલાઇટમાં આવી ગયું છે. રાજકારણીઓએ તો સ્વચ્છતા જાળવવાની મોટી મોટી વાતો કરી ખરી પણ વાસ્તવમાં હવે તો સફાઇ કરવાના સાધન સમુ ઝાડુ ખરીદવું યે પોષાય તેમ નથી. આસામી ઘાસ સહિતના રો મટિરીયલ્સના ભાવ વધતાં ઘર-આંગણામાં સાફસફાઇ કરવી યે મોંઘી બની છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે અત્યારથી ગૃહિણીઓએ ઘરમાં સાફસફાઇ શરૃ કરી દીધી છે ત્યારે ઝાડુ સાવરણાના ધંધામાં ભારે તેજી આવી છે. અમદાવાદમાં દાણિલીમડા અને મિલ્લતનગરમાં અંદાજે ૫૦૦ કુટુંબો ઝાડુ-સાવરણાં બનાવીને પેટિયું રળી ખાય છે. આ પરિવારોનું કહેવું છેકે, ઝાડુ આસામી ઘાસમાંથી બને છે. ગત વર્ષે જે આસામી ઘાસના ૫૦ કિલોના બંડલનો ભાવ રૃ.૩૫૦૦ હતો તે આજે વધીને રૃ.૫૫૦૦ થયો છે. આ જ પ્રમાણે સાવરણામાં વપરાતાં નાળીયેરના પાદડાંના લાકડાના ભાવ પણ વધીને બંડલના રૃ.૯૦૦ સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત ઝાડુ -સાવરણાં બનાવવા માટેની અન્ય સાધનસામગ્રીના ભાવ વધતાં જે ઝાડુ ગત વર્ષે રૃ.૩૦માં વેચાતા તે આજે રૃ.૪૦-૫૦માં વેચાઇ રહ્યા છે. સાવરણાનો ભાવ આજે રૃ.૧૦થી વધીને રૃ.૧૫ થયો છે.ઉલ્લેખનીય છેકે, ઝાડુ અને સાવરણાં બનાવવામાં ઉત્તરપ્રદેશના કારીગરો ખુબ જ માહિર છે.
ઝાડુ સાવરણાં બનાવતાં કારીગરોનું કહેવું છેકે, સ્વચ્છ ભારત અભિયાનને કારણે ઝાડુ-સાવરણા વ્યવસાયને કોઇ અસર થઇ નથી. વેચાણ વધ્યું નથી. હાલમાં જે તેજી ચાલી રહી છે તે દિવાળીના તહેવારોને કારણે છે. ઉલ્ટાનું રો મટિરીયલ્સના ભાવ વધતાં ઝાડુ ખરીદનારાં ઘટયાં છે.મોંઘવારીમાં લોકોને ઝાડુ -સાવરણાં યે ખરીદવા પોષાતા નથી. રાજકારણીઓને તો માત્ર વાતો જ કરવી છે. મોંઘવારી દુર કરવાના કોઇ પ્રયાસો થતાં જ નથી.

અત્યાર સુધી ઝાડુ અને સાવરણાં માત્ર લારી કે દુકાન પરથી લોકો ખરીદતા હતાં પણ ઇન્ટરનેટના વધતાં ઉપયોગને કારણે હવે લોકો ઝાડુ અને સાવરણાની પણ ઓનલાઇન શોપિંગ કરે છે. આજે ઘણી વેબસાઇટો પર રૃ.૧૯થી માડીને રૃ.૨૫૦ સુધીના ઝાડુ અને સાવરણાં ઉપલબ્ધ છે. આમઆદમી પાર્ટીના નામે કેટલીક વેબસાઇટ ઝાડુનું ઓનલાઇન વેચાણ કરે છે.

એક સમયે ઝાડુ - સાવરણાનો વ્યાપક ઉપયોગ થતો હતો. હવે સાફસફાઇમાં યે વેક્યુમ કલિનર જેવા સાધનો આવતાં ઝાડુ-સાવરણાંનો ઉપયોગ ઓછો થયો છે. આ ઉપરાંત હવે તો માર્કેટમાં પ્લાસ્ટિકના ઝાડુ પણ આવ્યાં છે જેના કારણે ઝાડુ અને સાવરણાના વ્યવસાયને ભારે અસર પહોંચી છે. એટલું જ નહીં. હવે તો મોર્ડનયુગમાં ઉભા ઉભા સાફસફાઇ કરી શકાય તેવા પણ મોર્ડન ઝાડુ માર્કેટમાં ઉપલબ્ધ છે જેનો વ્યાપકપણે ઉપયોગ થવા માંડયો છે. હવે માત્ર ઝાડુ -સાવરણાં મધ્યમ વર્ગના સફાઇનું સાધન બની રહ્યું છે.