બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (14:50 IST)

ટીડીએસની માહિતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ઑડિટ રિપોર્ટમાં ફરજિયાત દર્શાવવી પડશે

બિનરહેવાસી વ્યક્તિને કોઈ કંપનીએ પેમેન્ટ કર્યું હોય અને ટીડીએસ ન કર્યું હોય, તેમ જ કંપનીએ ટીડીએસ કર્યું હોય પણ તે રકમ સરકારમાં જમા ન કરાવી હોય તથા ચૂકવેલી રકમમાંથી ટીડીએસ જ ન કર્યું હોય તેવા તમામ કિસ્સાઓની રજેરજ માહિતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેના ઑડિટ રિપોર્ટમાં ફરજિયાત દર્શાવવી પડશે. ઑડિટ અંગે ફોર્મ ૩ CDમાં દાખલ કરવામાં આવેલી નવી જોગવાઈઓ મુજબ તમામ વિગતો સહિત ટીડીએસ ક્યારે કર્યો અને કઈ તારીખે જમા કરાવ્યો તે સહિતની સંપૂર્ણ વિગતો રજૂ કરવાની રહેશે. પરિણામે મોટી કંપનીઓના કિસ્સામાં તેમણે એક સામટી સેંકડો એન્ટ્રીઓ આપવી પડશે. તેને પરિણામે ઈ-ફાઈલિંગ કરાનારા રિટર્નનું કદ મોટું થઈ જવાની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જવાબદારી વધી જવાની શક્યતા રહેલી છે.

આવકવેરાના જાણકારોનું કહેવું છે કે કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી અને તેના પર કયા દરે ટીડીએસ કે ટીસીએસ કરવામાં આવ્યો તેની વિગતો આપ્યા પછી તે રકમ કઈ તારીખે સરકારમાં જમા કરાવી તેની વિગતો આપવાનું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ટીડીએસ કર્યા પછી જમા કઈ તારીખે કરવાનો થતો હોવાનું તથા વાસ્તવમાં ટીડીએસની રકમ કઈ તારીખે જમા કરાવ્યો ન હોય અને આ ટીડીએસની રકમ રિટર્ન ફાઈલ કરતાં પહેલા પણ જમા ન કરાવી હોય તો તેવા કિસ્સામાં ૧૮ ટકા વ્યાજ ભરીને રિટર્ન ફાઈલ કરવું પડશે. આ માટે નિયમ નંબર ૩૪ (એ)માં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઑડિટને પાત્ર કંપનીઓના ઇ-ફાઈલિંગ રિટર્ન માટેના ફોર્મ ૩ CDના નિયમ નંબર ૧૭ (ડી) (એ)માં ફણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં રૃા. ૨૦૦૦૦થી વધુ રકમના ખર્ચની ચૂકવણી એકાઉન્ટ પેયી ચેકથી કે પે ઓર્ડરથી જ કરવાની ફરજિયાત કરવામાં આવી છે. જૂની વ્યવસ્થાની માફક આ ખર્ચ ડિસએલાવ કરવામાં આવતો હતો. આ પેમેન્ટ એકાઉન્ટ પેયી ચેકથી જ કરાયા હોવાનું સર્ટિફિકેટ પહેલા ચાર્ડર્ડ એકાઉન્ટન્ટ્સ કંપની પાસેથી લેતા હતા. પરંતુ હવે સર્ટિફિકેટ લેવાની જરૃર રહેશે નહિ. પરંતુ આ તમામ પેમેન્ટનું અલગથી ડિટેઈલ રિપોર્ટિંગ કરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ જ સંદર્ભમાં નિયમ નંબર ૪૦ (એ) (૩એ) દાખલ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ ૨૦૧૪-૧૫ના વર્ષની ચૂકવણી ૨૦૧૫-૧૬ની સાલમાં કરે તો તે અંગેની ડિટેઈલ રિપોર્ટિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરવાનું રહેશે. રોકડથી કરેલા ખર્ચનું ચાલુ વર્ષે પણ દરેક ચૂકવણી દીઠ અલગ અલગ રિપોર્ટિંગ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

ફોર્મ ૩ CDના નિયમ નંબર ૩૭, ૩૮ અને ૩૯માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે મેન્યુફેક્ચરરે જમા કરાવેલી એક્સાઈઝની, તેણે કરાવેલા કોસ્ટ ઑડિટનું સર્ટિફિકેટ જ તેના ઑડિટ રિપોર્ટ સાથે જોડી દેવાનું થતં હતું. હવે નવા નિયમને કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કોસ્ટ ઑડિટ રિપોર્ટનો અભ્યાસ કરીને તેની સાથે તે સહમત છે કે અસહમત છે તેનો હેવાલ તેણે ઑડિટ રિપોર્ટમાં આપવો પડશે. મેન્યુફેક્ચરરની કોસ્ટ કે પછી તેની આઈટેમ કે તેની ક્વોન્ટિટી અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાનું મંતવ્ય આપવાનું રહેશે. આમ દરેક બાબતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેની કોમેન્ટ ફરજિયાત આપવી પડશે.

આવકવેરા ખાતાના ઇન્સ્પેક્ટરો અને અધિકારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેટલી કુશળતા ધરાવતા નથી. તેથી કરદાતાની ચોરીને તેમને આસાનીથી અંદાજ મળી રહે તે માટે આ તમામ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ચાર્ટર્ડ એકાઉન્ટને જનરલ પ્રોફિટ રેશિયો અને નેટ પ્રોફિટ રેશિયોની બે વર્ષની તુલના કરીને તે અંગે પોતાનો અભિપ્રાય પણ ઑડિટ રિપોર્ટમાં ફરજિયાત આપવો પડશે.