બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (17:13 IST)

ટોલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ, બે શખ્સની અટકાયત

ડુપ્લિકેટ આરસી બુક બનાવી ટોલ ચોરી કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી બે શખ્સની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. છેલ્લા કેટલાક વખતથી અમદાવાદ પાસિંગની ટ્રકો વાસદ ટોલનાકા પર ટોલ ભર્યા વગર જ ડુપ્લિકેટ આરસી બુક બતાવી પસાર થતી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વાસદ ટોલનાકા પર વાસદની આજુબાજુનાં ગામોને ટોલ ટેકસમાંથી મુકિત આપવામાં આવી છે. આણંદથી વડોદરા જતી ટ્રકોને વાસદ ટોલનાકા પર ટોલ ટેકસ ન ભરવો પડે તે માટે કેટલીક ટ્રકોના માલિકો ડુપ્લિકેટ આરસી બુક બનાવી ટોલ ટેકસ ભર્યા વગર જ ટોલનાકા પરથી પસાર કરતા હતા. આ રીતે વહેલી સવારે એક ટ્રકનાે ચાલક ડુપ્લિકેટ આરસી બુક બતાવી ટેકસ ભર્યા વગર જ ટોલનાકા પરથી પસાર થઇ જતાં ટોલનાકા પર ફરજ બજાવતા કર્મચારીને શંકા ગઇ હતી અને તેણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરતાં બાતમી મળી હતી કે પેટલાદમાં ડુપ્લિકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ બે શખ્સ ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે નવીન ચીમનભાઇ ઓડ અને જિજ્ઞેશ રમણભાઇ પટેલ નામના બે શખ્સની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ પાસિંગની ટ્રકની આરસી બુક હોય તો તેના પર અમદાવાદ જિલ્લાનું નામ હોય છે, પરંતુ ડુપ્લિકેટ આરસી બુક પર આણંદનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. પોલીસે આ અંગે ટોલનાકા પર સઘન વોચ ગોઠવી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે