શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 નવેમ્બર 2014 (15:33 IST)

તહેવારોની સિઝન એરલાઇન્‍સ કંપનીઓને ફળી

એરલાઇન્‍સના સસ્‍તાં ભાડાંમાં પણ અપાતી ઓફર્સ અને ડિસ્‍કાઉન્‍ટના લીધે એરલાઇન્‍સ માર્કેટનો ટ્રેન્‍ડ સતત બદલાતો જણાય છે. અગાઉ ક્‍યારે પણ કોઇ એરલાઇન્‍સની સીટો સપ્‍ટેમ્‍બર માસમાં ૮૦ ટકા જેટલી ફૂલ થતી નહોતી, પરંતુ ચાલુ વર્ષે સપ્‍ટેમ્‍બરમાં તમામ એરલાઇન્‍સનું સરેરાશ લોડ ફેક્‍ટર ૭૯.૬ ટકા એટલે કે લગભગ ૮૦ ટકા જેટલું નોંધાયું છે. એક તરફ એરલાઇન્‍સના પેસેન્‍જર ઘટી રહ્યાં છે, ત્‍યારે મંદી વચ્‍ચે ૮૦ ટકા સૂટો ફૂલ રહેતાં એરલાઇન્‍સને બખ્‍ખાં થઇ ગયાં છે !

   નિષ્‍ણાંતો માટે પણ હાલના આંકડાઓ આશ્ચર્યજનક છે..! તેમનું માનવું છે કે સપ્‍ટેમ્‍બરથી ફેબ્રુઆરી સુધી એરલાઇન્‍સના ડોમેસ્‍ટિક માર્કેટમાં એક ગતિ આવતી હોય છે. પરંતુ સપ્‍ટેમ્‍બરમાં જે રીતે કેટલીક એરલાઇન્‍સના લોડ ફેક્‍ટર ઓલ ટાઇમ હાઇ ગયાં છે, તે પહેલી વાર જ જોવા મળ્‍યું છે. એક લો કોસ્‍ટ એરલાઇન્‍સના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, ‘કેટલીક એરલાઇન્‍સ દ્વારા ૨૦૧૪ની શરૂઆતથી જ ડિસ્‍કાઉન્‍ટ અને ઓફર્સ આપવાની શરૂઆત કરી દીધી હતી. જેમાં ટિકિટ બુકિંગ કરાવ્‍યાં બાદ જુલાઇ, ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરમાં ટ્રાવેલની તારીખો અપાતી હતી. આ તારીખોની પસંદગીમાં અનેક એર પેસેન્‍જર્સે ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરની પસંદગી કરી હતી. કેમ કે ત્‍યારબાદના મહિનામાં દિવાળીના તહેવારો હોઇ પર્યટન સ્‍થળો હાઉસફૂલ થઇ જતાં હોવાથી તહેવારની પહેલાં ફરવાનો લાભ લઇ શકાય.'

   પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્‍પાઇસ જેટ દ્વારા સૌથી વધુ આકર્ષક ઓફર્સ પેસેન્‍જર્સ માટે આપવામાં આવ્‍યાં હતાં અને સ્‍પાઇસ જેટનું લોડ ફેક્‍ટર સૌથી વધુ જોવા મળ્‍યું છે. એટલું જ નહીં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સપ્‍ટેમ્‍બરમાં તેનું લોડ ફેક્‍ટર ૧૮ ટકા વધ્‍યું છે ! ડાયરેક્‍ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, ‘ફેસ્‍ટિવલ સિઝન હોવાથી સપ્‍ટેમ્‍બર માસમાં દરેક એરલાઇન્‍સના લોડ ફેક્‍ટરમાં નોંધપાત્ર વધારો થયો છે.'

   એર ટ્રાવેલ એજન્‍ટ જૈનિત મહેતાના જણાવ્‍યાં પ્રમાણે, ‘સપ્‍ટેમ્‍બરના અંતે નવરાત્રિ અને દશેરા જેવા તહેવારો હતાં અને આ દિવસોમાં અનેક બિનગુજરાતીઓ પોતાના વતનમાં દેવીપૂજા અને નેવૈદ્ય માટે જતાં હોય છે. બંગાળી, બિહારી અને ઉત્તરપ્રદેશના અનેક લોકો સમયની અછતના લીધે એર ટ્રાવેલ કરતાં હોય છે. આ સમુદાયના લોકોના ધસારાના પરિણામે નોર્થ માટેની ફલાઇટ્‍સના ટિકિટના ભાવ પણ ઊંચા રહ્યાં હતાં.' કારણ ગમે તે હોય પરંતુ એરલાઇન્‍સને મંદી વચ્‍ચે પણ ઓલ ટાઇમ હાઇ લોડ ફેક્‍ટર મળતાં તેમને તો ઘી કેળાં થઇ ગયાં છે...!