ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 નવેમ્બર 2014 (17:09 IST)

પોરબંદરમાં પોર્ટની જેટી સુધી રેલવે લાઇન લંબાવવાનું આયોજન

પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી સુધી રેલવે લાઇન લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત કરોડો રૃપિયાનો પ્રોજેક્ટ મંજુર થયો છે પરંતુ આઝાદીના સમયમાં પણ પોરબંદરનું બંદર (હાલમાં જુનુ બંદર) ટ્રેઇનોની વ્હીસલોથી સતત ધમધમતું હતું અને અનેક માલગાડીઓ અહીંયા આવતી અને ત્યાંથી માલનો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નિકાસ કરવામાં આવતો હતો એટલું જ નહીં પરંતુ અહીંથી દુર દેશાવરોમાં માલની નિકાસ પણ બંદર ઉપરથી થતી અને તેમાં ટ્રેઇનની ભુમિકા ખુબજ મહત્વની બતની હતી.

તાજેતરમાં જ એવું જાહેર કરવામાં આવ્યું છે કે, પોરબંદરના કુંભારવાડા નજીકથી બંદર તરફ જતી રેલવે લાઇન ઉપર વર્ષોથી વસતા ૨૦૦૦ પરિવારોને અન્યત્ર મકાન ફાળવી દેવાશે અને રેલવે લાઇનને ફરી જીવંત કરવામાં આવશે. ત્યારે ૬-૭ દાયકા પહેલા પણ પોરબદંરના બંદરમાં ટ્રેઇનની સુવિધા હતી તેની યાદ તાજી કરતા ૮૯ વર્ષના વૃધ્ધ મણીભાઇ મદાણીએ એવું જણાવ્યું હતું કે, પોરબંદરથી દેશ-દેશાવરોમાં વહાણો દ્વારા માલ જતો અને કેટલાક માલની આયાત પણ એ સમયે કરવામાં આવતી હતી. અત્યારે જુનાબંદર તરીકે ઓળખાય છે એ સ્થળ તે સમયે પોરબંદરનું મુખ્ય બંદર હતું અને ત્યાં સુધી રેલવે ટ્રેક હતો અને માલગાડીઓની અવર જવરથી તેની વ્હીસલોના અવાજના કારણે બંદર સતત ધમધમતું હતું.

પોરબંદરમાં એ સમયે સૌથી મોટો વેપાર લાકડાનો હતો ઇમારતી લાકડા મોટા વહાણમાં આવતા અને ટ્રેન મારફતે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં તેની નિકાસ આ બંદરમાંથી જ કરવામાં આવતી હતી. પોરબંદરથી સૌરાષ્ટ્રભરમાં કેરોશીનની નિકાસ કરવામાં આવતી હતી. આરબના દેશોમાંથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજારો ટન ખજુર વેચાણ માટે આવતો અને પોરબંદરનું બંદર તેનું મુખ્ય કેન્દ્ર બિન્દુ રહેતું.

તેમજ પોરબંદરના જુના બંદર ઉપર ખાંડના વેગનો પણ ટ્રેનમાં ભરાતા હતા તે ઉપરાંત સિમેન્ટ, પથ્થરો, સળિયા વગેરેની હેરાફેરીના કારણે પણ બંદર ધીકતું બંદર ગણાતું. કાપડની મીલ ધમધમતી હોવાથી કાપડની ગાસડીની પણ હેરાફેરી ટ્રેન મારફતે થતી હતી.

હાલમાં પોરબંદરનું બંદર મત્સ્યોદ્યોગ ઉપર નિર્ભર છે અને માછલાનો વેપાર એ શહેરની આર્થિક જીવાદોરી સમાન બની યો છે. પરંતુ પાંચ-સાત દાયકા પહેલાં મત્સ્યોદ્યોગનો વેપાર નહીંવત હતો એ સમયે દૂર દેશોમાં ફિશીંગ બોટો નહીં વહાણો ચાલતા. તેથી વહાણોની અવરજવર અને તેમાં માલની હેરાફેરી કેન્દ્રસ્થાને હતી. આમ પોરબંદરનું જૂનું બંદર એક સમયે ટ્રેનની વ્હીસલોથી ખૂબજ ધમધમતું રહેતું હતું અને હવે ફરીને પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી સુધી જ્યારે રેલવે લાઇન બિછાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે પોરબંદરના બંદરની રોનક નોખી-અનોખી હશે.